Editorial

સરકાર જાણી લે કે ભારતમાં ધનિક વધુ ધનિક અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે

છેલ્લા ઘણા સમયથી દેશમાં એવી સ્થિતિ છે કે જે વ્યક્તિ ધનિક છે તે વધુને વધુ ધનિક થઈ રહી છે. જ્યારે જે ગરીબ છે તે વધુ ગરીબ થઈ રહ્યો છે. દેશમાં ઉદારીકરણની નીતિનો સૌથી વધુ ફાયદો ધનિકોને થયો છે. આમ પણ પૈસો પૈસાને ખેંચતો હોય છે. ભારતમાં પણ તેવું જ થયું છે. ભારતમાં અગાઉ 2019માં કરાયેલો એક સરકારી સરવે હાલમાં જાહેર થયો છે. આ સરવે પ્રમાણે દેશની કુલ સંપત્તિમાંથી અડધાથી વધુ સંપત્તિ દેશના 10 ટકા અમીરો પાસે છે. આ 10 ટકા અમીરો એવા છે કે જેઓ શહેરી વિસ્તારમાં 55 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 50 ટકા સંપત્તિઓ ધરાવે છે. નેશનલ સેમ્પલ સરવે દ્વારા આ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સરવે કરાયો હતો. જેમાં આ વિગતો બહાર આવી હતી. સંપત્તિમાં જમીન, બિલ્ડિંગ, પશુધન, વાહન તેમજ બેંક ડિપોઝિટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી માસથી શરૂ કરીને ડિસેમ્બર માસ સુધી આ સરવે કરવામાં આવ્યો હતો. આ સરવેમાં આવેલી વિગતોને આધારે રિપોર્ટમાં એવો અંદાજ મુકવામાં આવ્યો છે કે દેશના માત્ર 10 ટકા અમીરો જ મોટાભાગની સંપત્તિઓ ધરાવે છે. સરવેના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો રહે છે તેમની કુલ નાણાંકીય અને ભૌતિક સંપત્તિ 274.6 લાખ કરોડ છે. જેમાંથી 139.6 લાખ કરોડ સંપત્તિ 10 ટકા અમીરો પાસે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં જે 238.1 લાખ કરોડ રૂપિયા છે તેમાંથી ટોચના અમીરો પાસે 132.5 લાખ કરોડ રૂપિયા છે.  ગ્રામીણ વિસ્તારોમાં 50 ટકા લોકો જે નીચેની કેટેગરીમાં છે તેમની પાસે માત્ર 10.2 ટકા જ સંપત્તિ છે. જ્યારે શહેરી વિસ્તારોમાં આ નીચેની કેટેગરીના 50 ટકા લોકો પાસે માત્ર 6.2 ટકા જ સંપત્તિ છે.

આ સરવેમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે દિલ્હી એવું શહેર છે કે જ્યાં ટોચના 10 ટકા અમીરો પાસે દિલ્હીની 80.8 ટકા સંપત્તિ છે. જ્યારે નીચેની કેટેગરીના 50 ટકા પાસે માત્ર 2.1 ટકા જ સંપત્તિ છે. આનું કારણ એ પણ છે કે દિલ્હીમાં જમીનોની કિંમત ઘણી ઉંચી છે. ગ્રામીણ વિસ્તારોમાં જમીન આવતી હોવા છતાં પણ જમીન મોંઘી હોવાથી દિલ્હીમાં સરવે અલગ આવ્યો છે. દિલ્હીની સાથે સાથે પંજાબમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિની અસમાનતા જોવા મળી હતી. આ અસમાનતામાં પંજાબમાં ગ્રામીણ વિસ્તારોમાં 10 ટકા પૈસાદાર વ્યક્તિ 65 ટકાથી વધુ સંપત્તિ ધરાવે છે. જ્યારે નીચેની કેટેગરીમાં 50 ટકા પાસે માત્ર 5 ટકા જ સંપત્તિ છે.

આવી જ રીતે હરિયાણા, મધ્યપ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં પણ સંપત્તિના આંકડાઓમાં મોટી અસમાનતા જોવા મળી છે. આવી જ સ્થિતિ અન્ય મોટા રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં પણ હતી. જોકે, અસમાનતા ઓછી હતી. જેમાં 10 ટકા ધનિકો પાસે 32 ટકા સંપત્તિ અને નીચેની કેટેગરીના 50 ટકા પાસે માત્ર 18 ટકા જ સંપત્તિ હતી. સંપત્તિની આ અસમાનતા દેશ માટે દ્યોતક છે. કારણ કે જેમ જેમ ગરીબ અને અમીર વચ્ચે અંતર વધતું રહે છે તેમ તેમ દેશમાં અસમાનતા વધતી રહે છે.

તેજી ત્યારે જ રહેતી હોય છે કે જ્યારે પૈસો ફરતો રહેતો હોય. જો ધનિકો વધુ ધનિક થશે તો તેમની પાસે સંપત્તિનો સંગ્રહ થશે અને સરવાળે આર્થિક અસમાનતા મંદીનો માહોલ સર્જશે. સરકારે ખાસ એ ધ્યાન રાખવાનું હોય છે કે દેશમાં નાના ધંધાર્થીઓ અને વેપારીઓ પણ કમાતા રહે કે જેથી દેશમાં તેજી ચાલતી રહે. પરંતુ ભારતમાં છેલ્લા ઘણા સમયથી આ અસમાનતા વધતી જ જાય છે. જો સરકાર પગલાઓ નહીં લે તો વધતી જતી આર્થિક અસમાનતા ગમે ત્યારે દેશનો માહોલ બગાડશે તે નક્કી છે.

Most Popular

To Top