ભારતમાં દાયકાઓથી નામશેષ બની ગયેલા ચિત્તાઓને જંગલોમાં ફરી વસાવવાનો પ્રોજેક્ટ આપણી હાલની સરકારે અમલમાં મૂકયો તો ખરો પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ રહેલી જણાય છે. ગયા વર્ષની ૧૭મી સપ્ટેમ્બરે નામિબીયાથી આવેલ આઠ ચિત્તાઓને વડાપ્રધાન મોદીની હાજરીમાં મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક નામના જંગલમાં છોડવામાં આવ્યા. ત્યારબાદ સાઉથ આફ્રિકાથી લાવવામાં આવેલા ૧૨ ચિત્તાઓને છોડવામાં આવ્યા. આ ચિત્તાઓને શરૂઆતમાં ખાસ વાડામાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ ક્રમશ: તેમને જંગલમાં મુક્ત વિસ્તારમાં છોડવામાં આવ્યા. પરંતુ પછી કરૂણ ઘટનાઓ સર્જાવા માંડી.
એક પછી એક કેટલાક ચિત્તાઓના મોત નિપજ્યા. એક માદા ચિત્તાએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો, તેમાંથી પણ ત્રણ બચ્ચાઓ ઉપરા છાપરી મોતને ભેટયા. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં પાંચ પુખ્ત અને ત્રણ બચ્ચાઓ મળીને આઠ ચિત્તાઓ મૃત્યુ પામ્યા છે. જો છોડાયેલા કુલ ચિત્તાઓમાંથી અડધા કરતા વધુનાં મોત થઇ જાય તો નિષ્ણાતો આ પ્રોજેકટને નિષ્ફળ જાહેર કરી શકે છે. ચિત્તઓના ઉપરા છાપરી મોત અંગે ચિંતાઓ સાથે વિવિધ કારણો ચર્ચાઇ રહ્યા છે. એક ચર્ચા એવી છે કે ચિત્તાઓની હિલચાલ પર નજર રાખવા માટે તેમના ગળામાં પહેરાવવામાં આવેલ રેડિયો કોલર તેમના મોતનું નિમિત્ત બની રહ્યા છે. જો કે કેટલાક મીડિયામાં પ્રકાશિત થયેલા આ અંગેના અહેવાલોને સરકારે અટકળજન્ય ગણાવી ફગાવી દીધા છે અને કહ્યું છે કે ચિત્તાઓનાં મોત પાકૃતિક કારણોસર થઇ રહ્યા છે. એક કારણ એવું પણ ચર્ચાય છે કે કુનો જંગલમાં ચિત્તાઓ માટે ફાળવવામાં આવેલ વિસ્તારની જગ્યા આ ચિત્તાઓને ઓછી પડી રહી છે અને આને કારણે અંદરો અંદરની લડાઇ વધારે થાય છે, બેથી ત્રણ ચિત્તા આ રીતે ઘાયલ થઇને પણ મૃત્યુ પામ્યા છે.
ચિત્તાઓને કેવી રીતે નવા વસવાટમાં રાખવા તે બાબતે પણ વિવાદ થયો હતો. કેટલાક આફ્રિકન નિષ્ણાતોએ કહ્યું હતું કે ચિત્તાઓેને નવા વિસ્તારમાં વસાવવા હોય તો તેમને બંધ, રક્ષિત મોટા વાડામાં રાખવા જ બહેતર છે. ભારત સરકારે આગ્રહ રાખ્યો હતો કે થોડો સમય બંધ વાડામાં રાખ્યા બાદ આ ચિત્તાઓને ફ્રી રેન્જમાં છોડી દેવામાં આવશે અને તે મુજબ તેમને મુક્ત રેન્જમાં છોડવામાં આવ્યા હતા.
હવે મોટા પ્રમાણમાં ચિત્તાઓના મોત પછી આ ચિત્તાઓને ફરીથી વાડામાં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રેડિયો કોલર પહેરાવીને મુક્ત રેન્જમાં છૂટા મૂકાયેલા તમામ ચિત્તાઓને હવે નજીકથી પરીક્ષણ કરી શકાય તે માટે તેમના વાડાઓમાં પાછા લાવવામાં આવી શકે છે અને જંગલમાં તેમની હિલચાલ પર નજર રાખવા ડ્રોન્સનો ઉપયોગ થઇ શકે છે એમ અધિકારીઓએ જણાવ્યું છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી(એનટીસીએ) દ્વારા રવિવારે એવા મીડિયા અહેવાલોને અટકળજન્ય અને વૈજ્ઞાનિક પુરાવાઓ વગરના ગણાવવામાં આવ્યા હતા કે આ ચિત્તાઓનાં મોત રેડિયો કોલર જેવા પરિબળોને કારણે થઇ રહ્યા છે.
જો કે, ચિત્તાઓને ભારતમાં ફરી રજૂ કરવાના પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા કેટલાક નિષ્ણાતોએ કબૂલ્યું હતું કે સાઉથ આફ્રિકાથી લવાયેલા એક નર ચિત્તાનું મોત રેડિયો કોલરના ઉપયોગમાંથી લાગેલા ચેપને કારણે થયું છે. સોમવારે ચિતાહ પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં ભાગ લેનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે રેડિયો કોલર પહેરાવેલા તમામ ચિત્તાઓને નજીકથી દેખરેખ માટે તેમના વાડાઓમાં પરત લાવવામાં આવી શકે છે. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે ચિત્તાઓ પર દેખરેખ અને સારવાર માટે જરૂરી માહિતી આપવા માટે સાઉથ આફ્રિકાથી એક અધિકારી આવી રહ્યા છે. સાઉથ આફ્રિકાના નિષ્ણાતોએ ભારત સરકારને ચિત્તાઓના મોત અંગેની તપાસ, આયોજિત વધારાના પગલાઓ વગેરે અંગે પોતાને માહિતી આપવા વિનંતી કરી છે. એક સાઉથ આફ્રિન નિષ્ણાત વિન્સેન્ટ મર્વે જણાવ્યું હતું કે ખૂબ ભેજવાળા વાતાવરણમાં રેડિયો કોલરથી ચેપ લાગી શકે છે.
હવે એમ કહેવામાં આવ્યું છે કે ચિત્તા પ્રોજેકટને ટેકો આપવા માટે ઘણા પગલાઓ લેવાયા છે જેમાં એક ચિત્તા રિસર્ચ સેન્ટરની પણ સ્થાપના કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે જમીન વિસ્તારની વ્યવસ્થા માટે વધે જંગલ વિસ્તારને કેએનપીના વહીવટી નિયંત્રણ હેઠળ લાવવામાં આવી શકે છે. ચિત્તાઓને વધુ જગ્યા મળી રહે તે માટે થોડાક ચિત્તાઓને જુદા જંગલ વિસ્તારમાં અનામત જગ્યા ઉભી કરીને ત્યાં વસાવવાની યોજના સરકારે બનાવવી જ જોઇએ. સુપ્રીમ કોર્ટ પણ થોડા સમય પહેલા આ બાબતે ટકોર કરી ચુકી છે. ચિત્તા પ્રોજેક્ટ નિષ્ફળ નહીં જાય તે માટે સરકારે વ્યવહારુ બનવુ જ પડશે અને નિષ્ણાતોની સલાહ મુજબ સમયાનુસાર યોગ્ય પગલા ભરવા પડશે.