Editorial

સરકાર હાલ તુરંત પેટ્રોલ-ડીઝલ પરના વેરાઓ ઘટાડે તેવી શક્યતા જણાતી નથી

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો એ છેલ્લા કેટલાયે સપ્તાહથી દેશની પ્રજામાં કકળાટનો વિષય બન્યો છે. મે ૨૦૨૦ની શરૂઆતના સમય, કે જ્યારે આ બંને ઇંધણો પરના વેરાઓ વધારવામાં આવ્યા હતા ત્યારથી  અત્યાર સુધીમાં પેટ્રોલમાં લિટરે રૂ. ૩૬નો અને ડીઝલમાં લિટરે રૂ. ૨૬ કરતા વધુનો ભાવવધારો થયો છે એમ આંકડાઓ જણાવે છે. છેલ્લા કેટલાક સપ્તાહોમાં તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મોટો વધારો થયો છે અને આ હાલનો ભાવવધારો ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વણથંભ્યા વધારાને પગલે આવ્યો છે જે ભાવો તેમના અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તરે પ્રવર્તી રહ્યા છે.

ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ લિટરે રૂ. ૧૦૦ની ઉપર ચાલી રહ્યું છે, જ્યારે ડીઝલ એક ડઝન કરતા વધુ રાજ્યોમાં આ સપાટી વટાવી ચુક્યું છે. પાંચમી મે, ૨૦૨૦ના રોજ કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં વિક્રમી સ્તરનો વધારો કર્યો ત્યારબાદથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ રૂ. ૩પ.૯૮ પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં કુલ રૂ. ૨૬.પ૮ પ્રતિ લિટરનો વધારો થયો છે એમ ગત સપ્તાહના કામકાજના છેલ્લા દિવસના આંકડાઓ જણાવતા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહોથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને વચ્ચે વચ્ચે થોડા વિરામ બાદ તેમાં ફરી વધારો થતો રહે છે. આ સતત ભાવવધારાને કારણે આ બંને ઇંધણોના ભાવો દેશભરમાં નોંધપાત્ર રીતે છેલ્લા કેટલાક સમયમાં વધી ગયા છે. મે ૨૦૨૦માં, જ્યારે ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ કોવિડ-૧૯ના રોગચાળાના નિયંત્રણોને કારણે ખૂબ ઓછા થઇ ગયા હતા, ત્યારે ભારત સરકારે ક્રૂડ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો વધારો ઝીંકી દીધો હતો જેથી સરકારની વેરાની આવક ઘટે નહીં.

જો કે આ એક્સાઇઝ વધારવાથી લોકોને આંતરરાષ્ટ્રીય ભાવઘટાડાનો જે લાભ મળવો જોઇતો હતો તે મળ્યો ન હતો, હવે જ્યારે ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવો ખૂબ વધ્યા છે ત્યારે સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી નથી. અત્યારે દેશમાં પેટ્રોલના ભાવમાં એકસાઇઝ ડ્યુટી લિટરે રૂ. ૩૨.૯ અને ડીઝલમાં લિટરે ૩૧.૮ રૂ. છે. દેશમાં પેટ્રોલની કિંમતમાં હાલ પ૪ ટકા અને ડીઝલની કિંમતમાં ૪૮ ટકા વેરાઓ છે. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી ઉપરાંત રાજ્યોના વેટ જેવા સ્થાનિક વેરાઓ પણ લાગે છે. જો સરકાર વેરાઓ ઘટાડે તો લોકોને મોટી રાહત મળી શકે.

જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો તો આ બંને ઇંધણોના ભાવ ઘણા જ ઘટી જાય, પરંતુ સરકાર હાલ આવી કોઇ રાહત આપવાના મૂડમાં જણાતી નથી. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આ ભાવવધારા અંગે તાજેતરમાં કરેલી વાત નોંધપાત્ર છે. તેઓ કહે છે કે આ ઇંધણો પરના ઉંચા વેરાને કારણે જ દેશમાં રસીના કરોડો મફત ડોઝ આપી શકાયા છે અને કરોડો લોકોને કોવિડના રોગચાળાના સમયમાં મફત અનાજ આપી શકાયું છે. જો કે એ કઠોર વાસ્તવિકતા છે કે ડીઝલના ઉંચા ભાવોને કારણે પરિવહન મોંઘુ બનતા અનેક વસ્તુઓના ભાવો પર પણ અસર થઇ છે. સરકારે જો ડીઝલના ભાવો અંકુશમાં રાખવા પ્રયાસો કર્યા હોત તો પણ કંઇક સારું થયું હોત, પણ લાગે છે કે સરકાર હાલ તો આ બંને ઇંધણોના ભાવોમાં રાહત આપવાના મૂડમાં બિલકુલ નથી.

Most Popular

To Top