Comments

ગાયની ઢીંક અને ભંગાર રસ્તાઓમાં સરકાર અવનવી રેવડીઓના ગોથે ચડી

કોઇ રાજ્યમાં ન થતું હોય એવું ગુજરાતમાં થાય એ આપણા રાજ્યની આગવી તાસીર છે. સામી ચૂંટણીએ સાચવી સાચવીને ડગલાં ભરી રહેલી રાજ્યની સરકારને એકાએક જાણે ગાયે ગોથું માર્યું હોય એમ તત્કાળ સતર્ક થઇ ગઇ છે. માજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને એમના માદરે વતન કડીમાં ત્રિરંગા યાત્રા વખતે ગાયે ગોથે ચડાવ્યા ને પગમાં ક્રેક પડી. સુરતમાં મુખ્યમંત્રીના કેન્વોયમાં આખલો ધસી આવ્યો. આવી નજીવી કે અકસ્માતરૂપ જણાતી ઘટના રાજકીય ચશ્માંથી જોવાઇ રહી છે. એમાં કેટલાક સંદર્ભો બદલાયેલા વરતાય છે.

આમ તો જાણે કાગનું બેસવું ને ડાળનું ભાંગવું જેવી જ સ્થિતિ છે, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દ્વારા ફેંકાતી એક પછી એક રેવડીઓને લીધે સરકારની ઊંઘ હરામ થયેલી લાગે છે, તે જોતાં સરકારને જાણે ગાયનું ગોથું વાગ્યું હોય એમ અડબડી જરૂર ગયેલી છે. એનું કારણ એ છે કે જ્યારથી કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળી આપવાની, શાળાઓની સ્થિતિ અને શિક્ષણનું સ્તર સુધારવાની વાત કરી છે, મહિલાઓને એક હજારનું ભથ્થું ચુકવવાની અને બેરોજગારોને ભથ્થું આપવા જેવી રેવડીઓ વહેંચવાની વાત કરી છે, ત્યારથી ભાજપ સરકારની તો ઊંઘ હરામ થઇ જ ગયેલી છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇ ગુજરાતના વધુ ચક્કરો લગાવતા થઇ ગયા છે.

જો કે આ બંનેય નેતાઓની દૂરંદેશી સૂઝનો સવાલ છે, ત્યાં સુધી તેઓ આગોતરી રીતે સતર્ક થઇ ગયેલા જણાય છે. રઘવાયા બનેલા કેજરીવાલે પણ રેવડીઓ ઉછાળવામાં થોડી ઉતાવળ કરી દીધેલી પણ લાગે છે. ચૂંટણી સાવ નજીક આવી હોય ત્યારે આવી વાતો કરવાથી તેની તત્કાળ સારી અસર થઇ શકે છે, પણ આવી જાહેરાતો વહેલી કરવાથી ભાજપ જેવો પહોંચેલો પક્ષ સ્વાભાવિક સાબદો થઇ જઇ શકે છે. થયું પણ એવું જ છે.

ભાજપે વળતા પ્રહારો કરવાનાં આયોજનો આદરી દીધાં છે. કેજરીવાલના હોમ ગ્રાઉન્ડની પીચ ભીની કરવાના પ્રયાસો ભાજપે શરૂ કરી દીધેલા છે, નહીંતર દિલ્હી સ્ટેટના 40 જેટલા ધારાસભ્યો ઓચિંતા કોન્ટેક્ટલેસ કેવી રીતે થઇ જાય? ભલે કેજરીવાલ આણિ મંડળી મોટા ભાગના ધારાસભ્યોને ભેગા કરી લેવામાં સફળ થઇ ને ઓન લાઇન શક્તિપ્રદર્શન કરી દેખાડ્યું, પણ ભાજપે (એટલે કે મોદી સાહેબે એવું વાંચો) કેજરીવાલને ઊંચા શ્વાસે દોડતા જરૂર કરી દીધા છે. દિલ્હીના પળોજણમાં એ અને સિસોદિયા એટલા બીઝી બીઝી રહે કે કદાચ ગુજરાતના આંટાફેરા ઓછા કરી દે એટલે કે રેવડીઓ ઓછી ઉલાળે. ભલભલાને ધંધે લગાડી દેવાની આ નરેન્દ્રભાઇની સ્ટાઇલ છે. કેજરીવાલ જો કે એમ કંઇ ગાંજ્યા જાય એવા નથી. એમણે પોતાનું ઘર સરખું કરી દીધાનું હાલ લાગે છે, પણ પેલા ઇડી અને આઇટીના હુમલાઓનું ક્યાં ઠેકાણું હોય છે! એ તો બિહાર બાજુયે ફંટાય ને રાજસ્થાનમાંય આંટો દઇ આવે. દિલ્હી તો એમનું ટાર્ગેટ છે જ છે.

ટૂંકમાં ગુજરાતના મહાસંગ્રામ થકી આ સઘળી ગરબડો છે. ગુજરાતમાં કેજરીવાલ ભાજપની બરાબરની બજાવી રહેલા જણાય છે. પોલીસ પગાર, ડોક્ટરો, તલાટીઓ, વનકર્મીઓ સહિતના અનેક મોરચે સરકારે અસંતોષને ડામવો, ઠારવો પડી રહ્યો છે. હજુ તો ખેડૂતો વીજમીટર પ્રથા અને હોર્સપાવર પોલીસીની સામે બાંયો ચડાવી રહ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ પણ પડતર માગણીઓ માટે મેદાને-જંગ લલકારી રહ્યા છે. રાજ્ય સરકાર કેટકેટલાને સાચવશે ને મનાવશે! આ તો ચૂંટણી વર્ષ છે.

આમ છતાં સરકાર અને સત્તાધારી પાર્ટી કેજરીવાલથી બરાબરનો ફફડાટ અનુભવી રહ્યા છે એ તો નક્કર હકીકત જ છે. ભાજપ કોઇ રીતે કસર છોડવા માગતો નથી, ભલે પછી 150 પ્લસનો ટાર્ગેટ હાંસલ થાય કે ન થાય. હમણાંથી આવા ટાર્ગેટ માટે પ્રદેશપ્રમુખશ્રી પણ બોલતા લાગતા નથી. કેજરીવાલે તો એમને પણ બદલવામાં આવનાર છે એવી નવી ગોળી ઉછાળીને ચકચાર ફેલાવી દીધી છે. અગાઉ અમિતભાઇ શાહને ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા માટે પસંદ કરવામાં આવનાર હોવાની નવી ગોળી કેજરીવાલે ઉછાળી હતી. આ તો ચૂંટણીનું વર્ષ છે. ગમે ત્યારે ગમે તે થઇ શકે. કેજરીવાલ ભાજપને ગભરાટમાં રાખવામાં સફળ થઇ રહેલા જણાય છે એ તો સાચું જ છે.

કેજરીવાલ જે મુદ્દો ઉપાડે છે એને ભાજપ તરત જ સોલ્વ કરી નાખે છે, એ જ દર્શાવે છે કે ભાજપ ભયમાં છે. એને ગુજરાત વિધાનસભાની આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી જીતવાનો નહીં, પણ અપેક્ષા પ્રમાણેની બેઠકો જીતવામાં મુશ્કેલી પડશે એવી પાકી દહેશત છે. કેજરીવાલ ભાજપનો ગભરાટ બરાબરનો પારખી ચૂકેલા છે, એટલે વારાફરતી એક પછી એક મુદ્દે નાક દબાવે છે. પરંતુ આ તો રાજકારણ છે, કોઇ પણ આઘાત કેવા પ્રત્યાઘાત બનીને બૂમરેન્ગ થાય એનું કંઇ નક્કી હોતું નથી. ભલું થજો કેજરીવાલનું કે ભાજપમાં નો-રીપિટ થિયરીને નામે ટિકિટોની કાપાકાપી કરવાના જે મનસુબા લઇને ગાંધીનગરથી લઇને દિલ્હીના નેતાઓ મચી પડેલા હતા, તેમને આ થિયરી હાલ પૂરતી મ્યાનમાં રાખવાની ફરજ પાડી રહેલા જણાય છે.

સગાંવાદ તો ઠીક, જૂના જોગીઓને રાતોરાત કાઢી મૂક્યા એમ ખરેખર ઘરે બેસાડી દેવાના મનસુબા વ્યક્ત થતા હતા અને ટિકિટવાંચ્છુઓ પોતાની દયા-સખાવત પર છે એવું સમજતા અને જાહેરમાં ગમે તેને ખખડાવી નાખતા કંઇક વડેરાઓને આ કેજરાવાલની પેલી રેવડીઓએ શેરડીના સીધા સાંઠા જેવા કરી નાખ્યા હોવાનું લાગી રહ્યું છે. કેજરીવાલે ગુજરાત ભાજપ માટે ઊભા કરેલા કકળાટનો ફાયદો ભાજપના એ નેતાઓને મળવા જઇ રહ્યો છે, જેમની ટિકિટો વિધાનસભાની ચૂંટણીમાં કપાવાની પૂરી શક્યતા છે. આવા કંઇક નેતાઓને જીવતદાન જરૂર મળી જવાનું છે.

ફફડી રહેલી નેતાગીરી હવે ટિકિટોની કાપાકાપી કરવામાં સંયમ જરૂર દાખવશે એ હકીકત છે. એટલું જ નહીં, હમણાં રાજ્ય સરકારના જે બે મંત્રીઓમાં મહત્ત્વનાં ખાતાં રાતોરાત એક ઝાટકે બદલી નાખ્યાં (ભાજપમાં બધું આવું રાતોરાત જ થાય છે), એ ખાતાંઓ રાજ્ય પ્રધાનમંડળની આગામી સમયમાં (ચૂંટણીને ધ્યાનમાં રાખીને) થનારી પુનર્રચનામાં નવા આવનારા મંત્રીઓને અપાય એવું પણ બની શકે છે અને એ નવા આવનારા મંત્રીઓ જૂની (રાતોરાત બદલી કરાયેલી) વિજયભાઇ રૂપાણીની સરકારના (નિરાશ)મંત્રીઓમાંથી પણ હોવાની પૂરી સંભાવનાઓ હોઇ શકે છે. ભાજપમાં કંઇ પણ બનવું શક્ય છે.

ગાયે ગોથું માર્યું હોવાની વાતને કેજરીવાલની રેવડીઓ અને મોંઘવારી-બેરોજગારી- ભંગાર રસ્તાઓ-શહેરી વિસ્તારોના રસ્તાઓ પર ઢોરોનો ત્રાસ જેવા મુદ્દા સાથે જરૂર સરખાવી શકાય. સરકાર આ રીતે સામી ચૂંટણીએ ભીંસમાં આવે એ સારી નિશાની તો નથી જ નથી. બાકી ભાજપ જેવા પક્ષનું તો ચૂંટણી ટાણે કેવું પાક્કું હોમવર્ક હોય! પણ એન્ટિઇન્કમ્બન્સીની ગાયે એને અને એની સરકારને ગોથું માર્યું છે, ભ્રષ્ટાચાર-બિનકાર્યક્ષમતા- મોંઘવારી જેવા અણિયાળા મુદ્દાઓ સાથે ભાજપે જે ભંગાર રસ્તાઓ પર ચાલવું પડી રહ્યું છે, તે ઘણા કપરા રસ્તા છે.

ઉપરથી પાછી પેલી રેવડીઓ! હવે તો રેવડીઓની આ ઉછાળમાં કોંગ્રેસે પણ ઝુકાવ્યું છે. કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના, આરોગ્ય સેવાઓ, શિક્ષણથી લઇને અનેકાનેક મુદ્દે કોંગ્રેસ આમઆદમી પાર્ટીના નક્શેકદમ પર ચાલવા લાગેલી છે. ભૂતકાળમાં ભાજપના એક મુખ્યમંત્રીએ સત્તા પર આવ્યા બાદ જે અનેકાનેક વચનો આપવા માંડ્યાં હતાં ત્યારે એમને કોઇએ પૂછ્યું હતું કે આ બધી યોજનાઓ માટે રૂપિયા ક્યાંથી લાવશો? એવો પ્રશ્ન કરતાં પેલા મહાનુભાવે જે જવાબ વાળેલો એવો અદ્દલ સુરતી સ્ટાઇલી જવાબ એ રેવડીઓ ઉછાળનારાઓને આવડે છે ખરો? સવાલ સહેલો છે પણ જવાબ તો દોઢ મણનો છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top