પૌરાણિક, આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વતા ધરાવતું ઐતિહાસિક શહેર જોશીમઠ આજકાલ ખૂબ ચર્ચામાં છે. માંડ 18-20 હજારની વસ્તી ધરાવતું આ નાનકડું શહેર કુદરતના કોપથી થરથરી રહ્યું છે. હિમાલયની પહાડીઓ પર સ્થિત આ નાનકડું ગામ ધીમા પણ જોખમી ભૂસ્ખલનથી અસ્તિત્વ ગુમાવવાની કગાર પર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. આવી પડેલી વિકટ પરિસ્થિતિ માટે અનેક મતમતાંતર છે. વધી રહેલી વસ્તી અને વધી રહેલા બાંધકામોના અતિક્રમણને આ પ્રદેશ કાં તો સહન નથી કરી શકતો અથવા તો સરકાર દ્વારા બની રહેલ નવા રસ્તા અને ટનલો માટે કરાતા બ્લાસ્ટ આ પર્વતીય જગ્યા માટે અસહ્ય છે.
કયાંક કુદરતી રીતે થતા ભૂસ્ખલનથી બદલાઈ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ પેઢીઓથી વસતા નાગરિકોને રીતસર ડરાવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી જોશીમઠના ઘરો, હોટલો, મંદિરો અને એવા કેટલાંક 863 જેટલા બાંધકામોમાં દીવાલો પર કે ફર્સ પર તિરાડો પડવા લાગી છે. છેલ્લા એકાદ મહિનાથી આવી થઇ રહેલી તિરાડો પહોળી કે મોટી થતી ગઇ અને ઉત્તરાખંડ સરકાર સફાળી જાગી ગઇ છે. બર્ફબારી અને વરસાદી વાતાવરણમાં પણ સરકારે જોશીમઠના 334 જેટલા પરિવારોને સલામત જગ્યાએ વિસ્થાપિત કર્યા છે. ભૂસ્ખલન અને મકાનો, રોડ રસ્તાઓમાં પડેલી તિરાડોના અભ્યાસ તથા ઉપચાર માટે ઉત્તરાખંડ સરકારે વિશેષ કમિટીની રચના કરી છે જેમાં આપદા પ્રબંધન પ્રાધિકરણ, ભારતીય પ્રૌદ્યોગિક સ્થાન-રૂડકી, કેન્દ્રીય ભવન અનુસંધાન -રૂડકી, ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ સંસ્થા તથા વાડિયા હિમાલય ભૂવિજ્ઞાન-સંસ્થાના વિજ્ઞાનીઓને સામેલ કરાયા છે.
જોશીમઠ ખરેખર પવિત્ર પાવન ભૂમિ ગણાય છે. બદ્રીનાથ તેમ જ કેદારનાથ જેવા તીર્થધામો સુધી પહોંચવાનું પ્રવેશદ્વાર મનાય છે. ભગવાન વિષ્ણુએ આ પવિત્ર ધામ વસાવ્યું છે તેવી ધાર્મિક માન્યતા છે તે પહેલા ભગવાન શિવ-પાર્વતીનું પણ નિવાસસ્થાન આ શિખર શૃંખલાઓ હતી. જોશીમઠમાં નરસિંહ મંદિર, વિષ્ણુ મંદિર જેવા પૌરાણિક મંદિરો સાથે આજુબાજુ અનેક મંદિરોની શૃંખલા છે. એક માન્યતા એવી પણ છે કે પાંડવોએ સ્વર્ગારોહણ જવા માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું ત્યારે અહીં રોકાઈને નરસિંહ મંદિરની સ્થાપના કરી હતી. એ પૌરાણિક વાતો સાથે ઐતિહાસિક દૃષ્ટિએ જોઇએ તો નજીકના પાંડુકેશ્વરમાંથી મળી આવેલા કત્યુરી રાજા લલિતશુરના તામ્રપત્રો અનુસાર જોશીમઠ એ કત્યુરી રાજાઓની રાજધાની હતી અને એ સમય એટલે કે સાતમી સદીની આસપાસ તેનું નામ કાર્તિકેય પુર હતું. એવી માહિતી મળે છે કે ક્ષત્રિય સેનાપતિ કંટુરા વાસુદેવે ગઢવાલની ઉત્તરી સીમાઓ પર શાસન સ્થાપિત કરીને જોશીમઠને રાજધાની બનાવેલી. એ કંટુરા વાસુદેવ કત્યુરી વાસુદેવ તરીકે ઓળખાતા અને કત્યુરી વંશના શાસકોએ 7મી સદીથી 11મી સદી સુધી અહીં શાસન કરેલું.
ધર્મસુધારક અને સનાતની ગુરુ પ્રખર જ્ઞાની આદિ શંકરાચાર્યને આ જગ્યાએ જ્ઞાનરૂપી જયોત પ્રગટેલી એટલે આ સ્થળને જયોતિર્મઠ પણ કહે છે પણ કાળક્રમે અપભ્રંશ થઇ જોશીમઠ તરીકે ઓળખાવા લાગ્યું. આદિ ગુરુ શંકરાચાર્યે અહીં પ્રથમ જયોતિર્મઠની સ્થાપના કરીને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારાર્થે દેશની ચારેય દિશામાં 4 સ્થળે જયોતિર્મઠોની સ્થાપના કરી હોવાની વાત ખૂબ જાણીતી છે. અહીં નરસિંહ મંદિરમાં શંકરાચાર્યનું ગાદી સ્થળ છે.
આદિગુરુ શંકરાચાર્યે બદ્રીનાથ મંદિરની પણ સ્થાપના કરેલી. જોશીમઠથી બદ્રીનાથ ધામ 45 km દૂર છે તો કેદારનાથ 50 km.ની દૂરી પર જ છે. બદ્રીનાથમાં બિરાજતા ભગવાન વિષ્ણુ કે કેદારનાથ ધામમાં બિરાજીત શિવજીના દર્શને જવું હોય તો જોશીમઠ થઇને જવું પડે તેથી તો તીર્થધામોનું પ્રવેશદ્વાર કહેવાયું છે. નવેમ્બરથી મે મહિના દરમ્યાન ખૂબ ઠંડીમાં બદ્રીનાથ મંદિર પર બરફ છવાઈ જાય છે તેથી ઠંડીના 6 મહિના દરમ્યાન બદ્રીનાથજીને જોશીમઠ ખાતેના નરસિંહ મંદિરમાં સ્થાપિત કરાય છે અને તેના પૂજારીઓ, સેવકો અને રાવલો સૌ નરસિંહ મંદિરના ટ્રસ્ટના બનેલા આવાસોમાં રહે છે.
બદ્રીનાથીજીની યાત્રા પણ ત્યારે જ પૂર્ણ થયેલી મનાય છે જયારે તમે જોશીમઠમાં નરસિંહ મંદિરમાં દર્શન કરો. અહીંનું નરસિંહ મંદિર શિખરબદ્ધ મંદિર જેવું નથી લાગતું પણ એક મોટા ઘરમાં બનાવેલા મંદિર જેવું લાગે છે. મંદિરની સામેની બાજુ ચતુર્ભૂજ વિષ્ણુ ભગવાનની મોહક પ્રતિમા ધરાવતું ભવ્ય વિષ્ણુ મંદિર છે. વિષ્ણુ મંદિરના પરિક્રમા માર્ગમાં ગણેશજી, સૂર્ય, કાલી, શિવજી, ભૈરવ તથા નવદુર્ગાના મંદિરો સ્થાપિત છે.
કેટલાક લોકોની માન્યતા મુજબ 3000 વર્ષ પૌરાણિક આ શહેરના જીર્ણોદ્ધાર અને વિકાસ માટે રાજા વિક્રમાદિત્ય, રાજા ભોજ, આદિ શંકરાચાર્ય, કંત્યુરી વંશીય રાજાઓ તથા અહલ્યાબાઈનું નામ લઇ શકાય. ઇંદોરની મહારાણી અહલ્યાબાઈ હોલકરે બદ્રીનાથજીના મંદિરમાં પણ સુવર્ણ કળશ અને છત્રીનું દાન કરેલું. જોશીમઠ પહાડી શિખરોની શૃંખલા વચ્ચે 6150 ફૂટની ઊંચાઈએ વસેલું શહેર છે તેથી તેની સુંદરતા અદ્દભુત અને મનમોહક છે અને તેથી જ સ્તો ધાર્મિક સ્થળ સાથે પર્યટકો માટે ફરવાનું પણ મજાનું શહેર છે. અહીં આજુબાજુ 10 થી 15 kmના અંતરે ખૂબસૂરત ધાર્મિક અને માણવા જેવા સ્થળો છે.
જોશીમઠના નરસિંહ મંદિરની પરિસરમાં શંકરાચાર્ય ગુફા છે તો તેના પરમ શિષ્ય ટોટકાચાર્યની પણ ગુફા ત્યાં જ જોવા મળે છે. ઉપરાંત નજીકના સ્થળોમાં કલ્પવૃક્ષ, તપોવન, સલધરના ગરમ પાણીના ઝરણા, નીતિ ઘાટી, ઔલી તથા વૃદ્ધાબદરી જોવાલાયક સ્થળો છે. જોશીમઠથી ઔલી સુધી પર્યટકો માટે રોપ-વે સેવા છે જે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બંધ કરાયેલ છે. બરફ પર સ્કિઇંગ અને ટ્રેકીંગ માટે અહીં આજુબાજુના વિસ્તારોમાં ખૂબ લોકો આવે છે. ઠંડીની ઋતુમાં રોજના 50-75 લોકો આવી રમતગમતને માણવા આવતા હોય છે જે સંખ્યા ગરમીની મોસમમાં 500-600ની થઇ જાય છે. અહીંથી પહાડો અને શિખરોનો નઝારો માણવાની મજા જ કંઇ ઓર છે. કેટલાક શિખરો હાથીના મસ્તક આકારના દેખાય છે તો એક પર્વતનો આકાર તો સૂતેલી મહિલા જેવો દેખાય છે.
અલકનંદાના કિનારે વસેલા જોશીમઠને 3 બાજુથી ઊંચા શિખરો ત્રિશૂલ, બદ્રી શિખર અને કામત શિખર એક રક્ષણાત્મક કવચ જેવા છે. જે હિમાલયની અતિ ઠંડી હવા અને બરફના તોફાનોથી જોશીમઠની રક્ષા કરે છે. જોશીમઠની આજુબાજુનો વિસ્તાર અજબ-ગજબની વનસ્પતિથી ધનવાન છે. આપણે એના નામથી સાવ અજાણ હોય એવા બુરાંસ, કારપીનસ, વિમિનિયા તથા ઇલેકસ ઓડોરાલાના વૃક્ષો અહીંના જંગલોમાં જોવા મળે છે. અહીંના જ તિલૌજ વનમાં લૌરાસિયા, બેતુલાસ, ઇલેકસના વૃક્ષો છે તો દેવદારના વનમાં યુસચોલ્જિયા, પોલિસ્ટાચ્યા, વિબુમન ફોકટેન્સ, રોસા, માઉક્રોફાઈલા, વિબુમન કોટોનિફોલિયન તથા એકસાપકેરિયા એસીરી ફોલિયા જેવા છોડ ઊગે છે. જે ઔષધોમાં, ખેતીમાં કે બીજી અનેક રીતે ઉપયોગી હોય છે.
હરિયાળા જંગલો જ્યાં હોય ત્યાં જાતજાતના પશુ-પક્ષીઓ પણ હોય જ. વરુ, શિયાળ, જંગલી બિલાડા તેમજ જંગલી ઘેટાં-બકરાંઓ ઉપરાંત શિકારી બાજ, સમડી, ગીધ અને ઘુવડ જેવા પક્ષીઓ ઉપરાંત જોવાની પણ મજા પડે તેવી રામચકલી, સફેદ છાતીવાળી ચકલી, રંગબેરંગી ચકલી, નિલમ પક્ષી, ભારતીય તથા યુરોપીયન કોયલ જેવા વિવિધ પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળે છે. અહીં રહેવાસીઓનું આવક સ્ત્રોત ટુરિસ્ટો અને યાત્રાળુઓ છે. જોશીમઠમાં મકાનોમાં તિરાડો જેવી વિષમ પરિસ્થિતિને લીધે યાત્રાળુઓ અને ટુરિસ્ટોનો પ્રવાહ સાવ ધીમો પડી ગયો હોવાથી અહીંના રહેવાસીઓને હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે સરકારી સહાય ચાલુ થઇ છે પણ રાબેતા મુજબનો જીવન-વ્યવહાર શરૂ ના થાય ત્યાં સુધી અદ્ધર જીવે જ જીવે છે અહીંના લોકો.