Editorial

ખાલીસ્તાનનું ભૂત ફરી ધૂણી રહ્યું છે તેને અત્યારથી જ ડામી દેવુ જોઇએ

પંજાબમાં છેલ્લાં ઘણાં સમયથી ખાલિસ્તાનનું ભૂત ફરી માથું ઊંચકી રહ્યું છે જેને લઈને ચિંતાઓ વધી છે. કેનેડાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી હિંસક ઘટનાઓ જોવા મળી રહી હતી. પરંતુ તેની ગંભીરતા ત્યારે વધી ગઇ જ્યારે પંજાબમાં એક પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરવામાં આવ્યો. અમૃતસરના અજનાલાના પોલીસ સ્ટેશનમાં થયેલા હુમલામાં ‘વારિસ પંજાબ દે’નામના સંગઠનના અધ્યક્ષ અમૃતપાલ સિંહનું ચર્ચામાં આવ્યું છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ જ પોતાના એક સાથી લવપ્રીત તુફાનની ધરપકડના વિરોધમાં હુમલો કર્યો હતો સાથે સાથે ખાલિસ્તાનની માગ પણ મૂકી દીધી હતી.

જે રીતે ચાર દાયકા પહેલા સરદાર ભિંદરેવાલાનું નામ ચર્ચામાં હતું તેવી જ રીતે અત્યારે અમૃતપાલસિંગનું નામ ચર્ચામાં છે. અમૃતપાલે શીખોના હિતનું બહાનું આગળ ધરી ખાલિસ્તાનની માગને યોગ્ય ગણાવી છે. હંમેશા સફેદ કુર્તા અને બ્લૂ પાઘડીમાં જોવા મળતો અમૃતપાલ સિં પોતાના હથિયારધારી સમર્થકો વચ્ચે ઘેરાયેલો રહે છે. કટ્ટર ભાષણ આપે છે અને લોકોને ખાલિસ્તાનની માગને લઈને ઉશ્કેરતો જોવા મળે છે. અમૃતપાલ છેલ્લાં કેટલાંક સમયથી પંજાબમાં ઘણો એક્ટિવ છે. ગુરુવારે 29 વર્ષના અમૃતપાલના એક સમર્થક લવપ્રીત સિંહની ધરપકડના વિરોધમાં જ લોકોએ તલવાર અને બંદૂક લઈને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ અથડામણ દરમિયાન જેમાં અડધા ડઝનથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા.

અમૃતપાલ સિંહ અને તેમના 30 સમર્થકો વિરૂદ્ધ ચમકૌર સાહિબના રહેવાસી બરિંદર સિંહનું અપહરણ અને માર મારવાનો આરોપ લાગ્યો હતો. દુબઈથી પરત ફરેલો અમૃતપાલ સિંહ ખાલિસ્તાન સમર્થક છે અને હવે તો ખુલ્લેઆમ ખાલિસ્તાનની માગ કરવા લાગ્યો છે. અમૃતપાલ સિંહ વારિસ પંજાબ દે નામના સંગઠનનો અધ્યક્ષ છે, જેનું ગઠન સિંગર દીપ સિદ્ધૂએ કર્યું હતું. હાલમાં જ અમૃતપાલને આ સંગઠનનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે, જેનો કાર્યક્રમ પણ ખાલિસ્તાની ઉગ્રવાદી રહેલા જરનૈલ સિંહ ભિંડરાવાલેના મોગા જિલ્લામાં સ્થિત રોડ ગામમાં થયો હતો.

ખાલિસ્તાન સમર્થક દીપ સિદ્ધૂ એક સમયે પોતાના પરિવારનો ટ્રાન્સપોર્ટ બિઝનેસને સંભાળતો હતો. પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા 30 સપ્ટેમ્બર, 2021નાં રોજ દીપ સિદ્ધૂએ ‘વારિસ પંજાબ દે’નામનું સંગઠન બનાવ્યું હતું. દીપ સિદ્ધૂએ આ સંગઠનનું ગઠન પંજાબના હિતોના સંરક્ષણ અને સામાજિક મુદ્દા ઉઠાવવાને નામે કર્યું હતું પરંતુ હવે આ પંજાબમાં મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે. દીપ સિદ્ધૂ પહેલી વખત કિસાન આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, 26 જાન્યુઆરી 2021નાં રોજ ગણતંત્ર દિવસનાં રોજ લાલ કિલ્લા પર થયેલી હિંસામાં તેનું નામ સામે આવ્યું હતું.

ત્યારે લાલ કિલ્લા પર શીખ ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. દીપ સિદ્ધૂએ આ સંગઠનને લઈને કહ્યું હતું કે તેમનો કોઈ રાજકીય એજન્ડા નથી. આ સંગઠન ચૂંટણીમાં તે પાર્ટીને સમર્થન આપશે જે પંજાબ અને તેમના અધિકારોની વાત કરશે. ચૂંટણીમાં સિદ્ધૂએ સિમરનજીત સિંહ માનની ખાલિસ્તાનન સમર્થક પાર્ટી SADનું સમર્થન કર્યું અને પંજાબની ચૂંટણીમાં તેમના માટે પ્રચાર પણ કર્યો હતો. જો કે 15 ફેબ્રુઆરી, 2022નાં રોજ પંજાબમાં ચૂંટણી પહેલાં જ સિદ્ધૂનું એક રોડ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

29 સપ્ટેમ્બર 2022નાં રોજ વારિસ પંજાબ દે સંગઠન ફરી એકવખત ચર્ચામાં આવ્યું જ્યારે ભિંદરાવાલેની જેમ જ દુબઈથી પરત ફરેલા અમૃતપાલે આ સંગઠનની કમાન સંભાળી. અમૃતપાલે મોગા જિલ્લામાં એક રોડ પર દસ્તાર બંધ સમારંભનું આયોજન કર્યું હતું. મોગામાં જરનૈલ સિંહ ભિંડરાવાલેનું પૈતૃક ગામ છે. આ સમારંભમાં હજારોની ભીડ સામેલ થઈ હતી અને ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. અમૃતપાલે પોતાને દીપ સિદ્ધૂના સંગઠનનો પ્રમુખ જાહેર કરી દીધો. જો કે સિદ્ધૂના પરિવારના લોકોએ અમૃતપાલથી અલગ કરી લીધા. દીપ સિદ્ધૂના પરિવારના લોકોનું કહેવું છે કે તેમના પુત્રએ ક્યારેય અમૃતપાલને સંગઠનના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો ન હતો.

તેમણે નથી ખબર કે દુબઈથી પેરાશૂટ લેન્ડિંગ કરનાર એક વ્યક્તિ એકાએક વારિસ પંજાબ ડેની કમાન કઈ રીતે સંભાળી લીધી. જે રીતે અમૃતપાલસિંહ તેનું કદ વધારી રહ્યો છે તે જોતા દેશના હિતમાં અત્યારથી જ તેને કદ પ્રમાણે વેતરી નાંખવો જોઇએ. આ એટલા માટે જરૂરી છે કે, અગાઉ ઢીલ રાખવામાં જ દેશે ખાલિસ્તાનની માંગ કરી રહેલા આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાનો સામનો કરવો પડ્યો હતો અને તેમાં લોકોની ખુંવારી પણ મોટા પાયે થઇ હતી. અગાઉ ખાલિસ્તાનની માંગ સાથે ઉઠેલું આંદોલન એટલું હિંસક હતું કે, ભૂતકાળમાં બનેલી ઘટના ઉપર નજર કરીએ તો ખબર પડે કે તેની ગંભીરતા કેટલી હતી.

1984માં સ્વર્ણમંદિરમાંથી ભિંદરાવાલેના સમર્થક ઉગ્રવાદીઓને બહાર કાઢવા માટે ‘ઑપરેશન બ્લુસ્ટાર’ હાથ ધરાયું અને એનો બદલો ભારતનાં એ વખતનાં વડા પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરીને લેવાયો હતો. સપ્ટેમ્બર 1981માં હિંદ સમાચાર-પંજાબ કેસરી અખબારના તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરવામાં આવી. જલંધર, અમૃતસર, ફરીદકોટ અને ગુરદાસપુરમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી, જેમાં ઘણા લોકોનાં મોત નીપજ્યાં. સપ્ટેમ્બર 1981માં ભિંડરાંવાલેની ધરપકડ થઈ પરંતુ લોકોનાં ટોળાં અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો, જેમાં અગિયાર લોકોનાં મોત નીપજ્યાં. થોડા દિવસો પછી શીખ સ્ટુડન્ટ ફેડરેશનના સભ્યોએ ઍર ઇન્ડિયાના વિમાનનું અપહરણ પણ કર્યું હતું.

પટિયાલામાં પોલીસ ઇન્સ્પેક્ટર જનરલની ઑફિસમાં બૉમ્બવિસ્ફોટ થયો હતો. પંજાબના મુખ્ય મંત્રી દરબારાસિંહ પર પણ હુમલો થયો હતો. એપ્રિલ 1983માં પંજાબ પોલીસના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એ. એસ. અટવાલને હરિમંદિર સાહેબ પરિસરમાં જાહેરમાં સેંકડો સુરક્ષા કર્મચારીઓની હાજરીમાં ઠાર મારવામાં આવ્યા હતાં. ખાલિસ્તાન આંદોલન દરમિયાન ઘણી હિંસક ઘટનાઓ અને ઉગ્રવાદી કારનાનામાં થયાં હતાં. તેમાં કનિષ્ક વિમાનની ઘટના સામેલ છે, જેમાં મોન્ટ્રીયલથી નવી દિલ્હી જઈ રહેલા ઍર ઇન્ડિયાના વિમાન કનિષ્કને 23 જૂન 1985ના રોજ અધવચ્ચે હવામાં બૉમ્બથી ઉડાવી દેવાયું હતું. આ ત્રાસવાદી ઘટનામાં 329 લોકો માર્યા ગયા હતા. આ દિવસો ફરી જોવા નહીં પડે તે માટે અમૃતપાલસિંહને સરકારે અત્યારથી જ ઠેકાણે પાડી દેવો જોઇએ.

Most Popular

To Top