Columns

દરિયાના પેટાળમાં છુપાયું છે ભારતનું ભવિષ્ય!!

દ મહાસાગરના તળિયે એક સ્થળ છે. નામ છે અફનાસી નિકાતિન સી માઉન્ટ. તેનું કદ આશરે 3 હજાર ચોરસ કિલોમીટર છે. આ પર્વત એટલો મોટો છે કે લગભગ 2 દિલ્હી શહેર તેમાં સમાઈ જાય! તાંબુ, નિકલ, મેંગેનીઝ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજો મળવાની શક્યતા છે. કોબાલ્ટ અહીં સૌથી વધુ અપેક્ષિત છે. આમાંથી બેટરી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં પણ થાય છે. ઘણા નિષ્ણાતો તેને ભવિષ્યનું તેલ કહે છે. તેઓ દાવો કરે છે કે ભવિષ્યમાં આ ખૂબ જ મૂલ્યવાન ધાતુ બની જશે કારણ કે થોડા સમય પછી તેલ ખતમ થઈ જશે અને દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ વધશે. કોબાલ્ટનો આ પર્વત ભારત નજીક સમુદ્રની નીચે છે. ભારત ત્યાં જઈને સંશોધન કરવા માગે છે, જેથી ભવિષ્યમાં ત્યાંથી કોબાલ્ટ કાઢવાની શક્યતાઓ શોધી શકાય.
આ વાર્તા છે દરિયાની નીચે પડેલા ખજાનાની. આ સ્થળ ભારતની દક્ષિણ સરહદથી લગભગ દોઢ હજાર કિલોમીટર દૂર છે. હિંદ મહાસાગરના તળિયે. તેનું નામ અફનાસી નિકાતિન સી માઉન્ટ છે. આ પર્વતમાં 150 બ્લોક છે.

  • સી માઉન્ટ શું છે?
    એવી પર્વતમાળા જે સમુદ્રની અંદર છે. તેમને સી માઉન્ટ કહેવામાં આવે છે.
  • સી માઉન્ટ કેવી રીતે બને છે?
    જ્યારે સમુદ્રની નીચે જ્વાળામુખી ફાટી નીકળે છે ત્યારે તેનો લાવા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને પર્વતનું રૂપ ધારણ કરે છે. આ દરિયાઈ માઉન્ટોની ઊંચાઈ 1 Km સુધીની હોય છે પરંતુ આ હંમેશાં સમુદ્રની ઉપરની સપાટીથી નીચે હોય છે, જ્યારે તે દરિયાની સપાટીથી ઉપર જાય છે ત્યારે તેને ટાપુઓ કહેવામાં આવે છે.
  • અફનાસી નિકાતિનમાં ખાસ શું છે?
    આ એવી પર્વતમાળા છે, જેમાં ધરબાયેલા છે તાંબુ, નિકલ, મેંગેનીઝ અને કોબાલ્ટ જેવા કિંમતી ખનિજો. અલબત્ત, કોબાલ્ટ અહીં સૌથી વધુ અપેક્ષિત છે.
  • કોબાલ્ટનો ઉપયોગ શું છે, જાણો છો?
    આ એક એવું ખનિજ છે, જેમાંથી બેટરી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં પણ થાય છે. ઘણા નિષ્ણાતો તેને ભવિષ્યનું ‘તેલ’ કહે છે. એક્સપર્ટનો દાવો છે કે ભવિષ્યમાં આ ખૂબ જ મૂલ્યવાન ધાતુ બની જશે કારણ કે થોડા સમય પછી તેલ ખતમ થઈ જશે અને દરેક ક્ષેત્રમાં તેનો કોબાલ્ટનો ઉપયોગ વધશે. કોબાલ્ટનો આ પર્વત ભારત નજીક હિંદ મહાસાગરની નીચે છે. ભારત ત્યાં જઈને સંશોધન કરવા માગે છે, જેથી ભવિષ્યમાં ત્યાંથી કોબાલ્ટ કાઢવાની શક્યતાઓ શોધી શકાય.
  • તો સમસ્યા શું છે?
    આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, જમીન સરહદથી લગભગ 22 Km સુધીનો દરિયો તે દેશની સાર્વભૌમત્વનો ભાગ છે. જ્યારે 370 Km દૂર સુધીના વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિ કરી શકાય છે પરંતુ અફનાસી નિકાતિન ભારતથી લગભગ 1350 Km દૂર છે. તે અન્ય કોઈ દેશના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન હેઠળ પણ નથી આવતું એટલે કે અફસાની નિકાતિન આંતરરાષ્ટ્રીય જળસીમામાં છે. તેના પર કોઈ એક દેશનો અધિકાર નથી. જો કોઈ પણ દેશ આવાં ક્ષેત્રોમાં સંશોધન કરવા માગતું હોય તો તેણે આંતરરાષ્ટ્રીય સંસ્થાને અરજી કરવી પડે છે. આ સંસ્થાનું નામ ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી (ISA) છે. તેનું મુખ્યાલય જમૈકામાં છે. તેની સ્થાપના 1994માં થઈ હતી.
  • હવે એ સમજીએ કે ISAનું કામ શું છે?
    આંતરરાષ્ટ્રીય જળસીમા પર કોઈ એક દેશનો અધિકાર ન હોવાથી ત્યાં કબજો કરવાને લઈને વિવાદ થઈ શકે છે. ISA આંતરરાષ્ટ્રીય પાણીમાં ખનિજ સંબંધિત સંશોધન અને ઉત્પાદન પર નજર રાખે છે. વિવિધ દેશોએ તેની પાસેથી મંજૂરી લેવી પડે છે. ભારતે માર્ચ 2024માં ISAને અરજી કરી હતી. 4 કરોડની ફી પણ ચૂકવવામાં આવી હતી. આમ છતાં અરજી અટકી પડી હતી. એક અહેવાલ મુજબ, ISAને જાણવા મળ્યું છે કે અન્ય દેશે અફનાસી નિકાતિન પર દાવો કર્યો છે. નિષ્ણાતોના મતે આ દેશ છે શ્રીલંકા. અલબત, ક્યા દેશનો કેટલો દરિયાઈ વિસ્તાર પર અધિકાર હશે તે તેના ખંડિય છાજલી (વિસ્તાર) પર આધારિત છે.
  • આ ખંડિય છાજલી શું છે?
    આમાં સંબંધિત દેશના દરિયાકાંઠાથી 370 Km સુધીનો સમુદ્ર સામેલ હોય છે. તેને ખંડિય છાજલી કહે છે. તે આ ક્ષેત્રમાં કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરી શકે છે. એક દેશ તેના ખંડિય શેલ્ફને 370 Kmથી વધુ વિસ્તારી શકે છે. આ માટે યુનાઈટેડ નેશન્સ (UN)ની અન્ય સંસ્થા, કમિશન ઓન ધ લિમિટ્સ ઓફ ધ કોન્ટિનેંટલ શેલ્ફ (CLCS) પાસે જવું પડે છે. શ્રીલંકાએ 2009માં આ માગ સાથે CLCSનો સંપર્ક કર્યો હતો. આ મામલે હજુ નિર્ણય લેવાયો નથી. જો આ નિર્ણય શ્રીલંકાની તરફેણમાં આવશે તો અફનાસી નિકાતિન તેની દરિયાઈ મર્યાદામાં આવશે. ભારતે 2010માં પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે શ્રીલંકાના દાવાને નકારી કાઢ્યો ન હતો.
    પરંતુ 2022માં ભારતે પોતાનું વલણ બદલ્યું હતું. ભારતે CLCSને કહ્યું કે શ્રીલંકાના દાવાથી ભારતના હિતોને નુકસાન થઈ શકે છે. તેથી શ્રીલંકાના દાવાને ફગાવી દેવો જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે આની પાછળ ચીનનો હાથ છે. ભારતને આશંકા છે કે ચીન આ વિસ્તારનો ઉપયોગ શ્રીલંકા મારફતે ભારત વિરુદ્ધ કરી શકે છે. ચીન હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે. ચીનની હાજરીથી ભારત ચિંતિત છે. તેને શ્રીલંકાના દાવાથી કોઈ વાંધો નથી. ભારતે ત્યાં તપાસ માટે અરજી કરી નથી, જેથી તે ત્યાં તાત્કાલિક કામ શરૂ કરી શકે. તેના બદલે, ભારત ચીન સમક્ષ આ ક્ષેત્રમાં પોતાની હાજરી અને હિસ્સો સ્થાપિત કરવા માગે છે.
  • છેલ્લે સમજીએ કે દાવ પર શું છે?
  • નંબર એક: ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IREA) અનુસાર, ચીન પાસે વિશ્વના 70% કોબાલ્ટ છે. કોબાલ્ટનો ઉપયોગ મોટે ભાગે ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીઓમાં થાય છે. ગ્રીન એનર્જી તરફ આગળ વધવા માટે આ પણ ખૂબ જ જરૂરી છે. જો અફનાસી નિકાતિન ભારતના નિયંત્રણમાં આવશે તો ચીનને પડકારવાનો રસ્તો ખૂલશે.
  • નંબર બે: ભારતે પોતાને શૂન્ય-કાર્બન ઉત્સર્જન દેશ બનાવવા માટે 2070નું લક્ષ્ય નક્કી કર્યું છે. આ માટે દેશમાં ઇલેક્ટ્રિક કારની જરૂર પડશે. તેમને બનાવવા અને ચલાવવા માટે કોબાલ્ટની જરૂર પડશે.
  • નંબર ત્રણ: 2021માં ભારત સરકારે ઊંડા સમુદ્ર વિસ્તારમાં સંશોધન અને સંસાધનોના નિષ્કર્ષણ માટે ડીપ ઓશન મિશન શરૂ કર્યું હતું. 4 હજાર કરોડનું બજેટ પણ પાસ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં જો આપણને આ પહાડ મળી જશે તો સમુદ્રમાં ભારત માટે નવી સંભાવનાઓ ખૂલશે, જે આવનારા ભવિષ્ય માટે ખૂબ ઉજ્જવળ હશે.

Most Popular

To Top