Columns

ભગવાન ભક્તની શ્રધ્ધા જુએ છે, નાત-જાત નહીં…

ભક્તિમાં શ્રધ્ધા અને સેવા ભળે તો જ એ ભક્તિ સાર્થક થાય છે. જો કે ભક્તિના પણ વિવિધ પ્રકાર છે. પણ અહીં એક એવા ભક્તની વાત કરવી છે, જેની સેવાથી ભોળાનાથ શિવ રાજી થયા અને એને સુખ-સમૃધ્ધિ આપી. કદાચ આ વાતમાં શ્રદ્ધાનું તત્ત્વ તો મહત્ત્વનું છે જ પણ ભગવાન ભક્તિ કરનારની નાત-જાત, ઊંચ-નીચ વગેરે જોતો નથી. એ તો એની ભાવના અને શ્રધ્ધા કેવી છે, એ જ જુએ છે.

એક નાનકડા ગામમાં એક ચમાર રહેતો હતો. તેનું કામ ગામમાં મરેલા ઢોર ગામ બહાર લઈ જઈ, તેને ચીરીને તેનું ચામડું કાઢી લઈ, તેને સાફસૂફ કરી, તેમાંથી એ જૂતાં-ચંપલ બનાવે. પછી જૂતાં-ચંપલ એક ટોપલામાં ભરી ગામમાં વેચવા ફેરી કરે. ગામમાં જેને જરૂર હોય એ પોતાના માપમાં આવે એવાં ચંપલ જોડા ખરીદી લે. રોજ માંડ એક-બે જોડાં વેચાય તો એ ગરીબ ચમારનું ગુજરાન ચાલ્યા કરતું. જો કે વર્ષો અગાઉની આ વાત છે. એ ગામમાં સીમ બહાર એક શિવજીનું મંદિર હતું. એ ગામ બહાર હોવાથી કોઈ ત્યાં જતું નહીં.

મંદિરમાં શિવજી અપૂજ રહેતા હતા એટલે કે તેની પૂજા કોઈ કરતું ન હતું. ત્યારે આ ચમારને ધ્યાન જતા એે રોજ નાહીધોઈને એક ડોલ-દોરડું લઈ મંદિર નજીક આવેલા એક કૂવા પર જતો અને કૂવામાંથી પાણી ભરી લઈ એ શિવમંદિરે જઈ શિવજીને સ્નાન કરાવતો. નજીકમાં ઉગેલાં ફૂલછોડ પરથી જે મળે તે ફૂલ લાવી શિવજીને ચઢાવતો. ક્યારેક દીવો કરતો અને પગે લાગી ઘેર જતો રહેતો. આ બાબત કોઈના ધ્યાનમાં આવી ન હતી. જો કે ત્યાં સુધી કોઈ જતું ન હતું. ધીમે ધીમે આ ચમારનો આ નિત્યક્રમ અને કર્મ બની ગયું. એક દિવસ બાજુના શહેરમાંથી એક માણસ એને ઘેર આવ્યો. એણે આ ચમારની જૂતાં બનાવવાની કારીગરી વિષે ક્યાંકથી સાંભળ્યું હશે. એ માણસનું એક નાનું કારખાનું હતું, જ્યાં જૂતાં બનાવતા કારીગરો રાખી માલ દુકાનોમાં મોકલતા. આ ચમારને એ માણસે સારા પગારથી પોતાના કારખાનામાં કામ કરવા જણાવ્યું.

ચમારે વાત સ્વીકારી પણ શિવપૂજાનું શું? એ વાત તેને મૂંઝવતી હતી શેઠને એ વાત કરતા શેઠે રોજ પોતાની ગાડી મોકલી ગામથી લેવા-મૂકવા માટે જણાવ્યું. જેથી એ ચમાર સવાર-સાંજ પૂજા કરી શકે.એ રીતે બધી અનુકૂળતા થઈ ગઈ. આગળ જતાં ચમારની કામગીરી અને વફાદારી જોઈ એ શેઠે તેને પોતાના કારખાનામાં ભાગીદાર બનાવ્યો અને એ ચમાર ગરીબીમાંથી ઊગરી સુખી-સમૃધ્ધ બન્યો. તેમ છતાં એણે શિવજીની પૂજા છોડી ન હતી. આમ, શિવજી તો ભીલ, ચમાર કે કોઈ પણની ભક્તિથી રાજી થાય છે. એ કોઈ નાત-જાત કે ઊંચ-નીચ જોતા નથી. એ બધું તો માનવસમાજમાંથી ઉદ્દભવેલું છે.

Most Popular

To Top