સમગ્ર વિશ્વમાં લોકશાહી કથળી રહી છે અને કોરોનાવાયરસના હાલના રોગચાળાના સમયમાં તો અનેક લોકશાહી દેશોએ પણ સરમુખત્યારશાહી કે બિનલોકશાહી કહી શકાય તેવા પગલા ભર્યા છે એવો એક અહેવાલ તાજેતરમાં દુનિયાભરમાં લોકશાહીની સ્થિતિ પર દેખરેખ રાખતી એક સંસ્થાએ આપ્યો છે અને તેના આ અહેવાલે લોકશાહી અંગેની ચર્ચાઓને વાજબી રીતે વેગ આપ્યો છે. આમ પણ હાલમાં ઘણા બધા દેશોમાં સામાન્ય લોકોની પણ ફરિયાદો હતી જ કે તેમના દેશોની સરકારો રોગચાળામાં આપખુદ રીતે વર્તી રહી છે અને દમનકારી નીતિઓ અપનાવી રહી છે, અને આ ફરિયાદોને આ અહેવાલે બળ આપ્યું છે. ફક્ત રોગચાળાના સંદર્ભમાં જ નહીં, પરંતુ બીજી અનેક રીતે પણ ખાસ કરીને છેલ્લા બે વર્ષ લોકશાહી અને લોકશાહી મૂલ્યો માટે કમનસીબીભર્યા રહ્યા છે. આ બે વર્ષ દરમ્યાન કેટલીક લોકશાહી સરકારોનું પતન થયું છે તો કેટલાક લોકશાહી રાષ્ટ્રોમાં પણ લોકશાહીનું ચીરહરણ થતું હોય તેવું લાગે તેવા અનેક સંજોગો
સર્જાયા છે.
ઘણી લોકશાહી સરકારો પછીતે ધકેલાઇ રહી છે એ મુજબ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર ડેમોક્રસી એન્ડ ઇલેકટોરલ આસિસ્ટન્સ અથવા તો ઇન્ટરનેશનલ આઇડીયા નામની આ સંસ્થાએ જણાવ્યું છે. ૩૪ દેશોના સભ્યપદ ધરાવતી આ સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૨૧ મુજબ ૬૪ દેશોએ રોગચાળાને અંકુશમાં લેવા માટે એવા પગલા ભર્યા હતા કે જેમને અયોગ્ય, બિનજરૂરી અને ગેરકાયદે માનવામાં આવે છે. આ સ્વીડન સ્થિત સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે જે દેશો લોકશાહી નથી ત્યાં તો સ્થિતિ વધુ બગડી રહી છે. સંસ્થાનો અહેવાલ જણાવે છે કે એશિયામાં અફઘાનિસ્તાન, હોંગકોંગ અને મ્યાનમારમાં વધતી સરમુખત્યારશાહીનું મોજું જોવા મળ્યું છે, એટલું જ નહીં ભારત, ફિલિપાઇન્સ અને શ્રીલંકામાં પણ લોકશાહી મૂલ્યોમાં ધોવાણ જોવા મળ્યું છે.
ભારતની બાબતમાં જોઇએ તો આપણે ત્યાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો વિવિધ પ્રસંગોએ બિનલોકશાહી રીતે વર્તી હોવાની ઘણાની ફરિયાદો છે જ, ખાસ કરીને ઉત્તર પ્રદેશની હાલની સરકાર સામે આવી ફરિયાદો વ્યાપક છે. પાડોશના મ્યાનમારમાં ગયા વર્ષના ફેબ્રુઆરીમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ઉથલાવીને લશ્કરશાહો સત્તા પર ચડી બેઠા છે તો અફઘાનિસ્તાનમાં લોકશાહી સરકારને દૂર કરીને તાલિબાનોએ શાસન કબજે કરી લીધું છે. હોંગકોંગમાં લોકશાહીની માગ કરતી પ્રજા પર ચીનની દમનનીતિ બધાએ જોઇ છે, તો ચૂંટણીમાં હારી ગયા પછી ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અને તેમના સમર્થકોએ લોકશાહીને લાંછન લગાડે તેવા પ્રકારના કેવા કૃત્યો કર્યા હતા તે પણ દુનિયાએ સ્તબ્ધ થઇને જોયું છે.
ઇન્ટરનેશનલ આઇડિયાનો આ અહેવાલ આવ્યો ન હોત તો પણ લોકશાહી મૂલ્યોનું છેલ્લા કેટલાક વર્ષમાં થયેલું ધોવાણ સ્પષ્ટપણે જોઇ શકાતું હતું. આમ તો લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ મર્યાદાઓ તો છે જ, પરંતુ શાસનની કે સરકાર રચનાની તમામ પદ્ધતિઓમાં લોકશાહીને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેનું કારણ એ છે કે તેમાં પ્રજાનો અવાજ કંઇક તો સંભળાય છે. લોકશાહી ઘણી વખતે ઘેટાશાહી કે ટોળાશાહી બનીને રહી જાય છે તે આક્ષેપમાં તથ્ય હોય તો પણ લોકશાહી શ્રેષ્ઠ એટલા માટે છે કે તેમાં પ્રજાને પોતાના શાસકોને બદલવાની તક અને મોકળાશ ઉપલબ્ધ રહે છે.
ઘણી જગ્યાએ જોવા મળે છે કે એક વાર લોકશાહી રીતે ચૂંટાઇ આવ્યા બાદ લોકશાહી શાસકો પણ આપખુદ રીતે વર્તવા માંડ્યા હોય. આવા સંજોગોમાં પ્રજાએ એક ચોક્કસ સમય સુધી તો આવા શાસકોને સહન કરવા જ પડે છે. લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોમાં પણ લોકોને પૂરતી મોકળાશ આપતા લોકશાહી મૂ્લ્યોને ગળે ટૂંપો દેવાઇ રહ્યો છે તેવું ઇન્ટરનેશનલ આઇડીયા અહેવાલમાં કહેવાયું છે તે ઘણા દેશોમાં સાચું સાબિત થઇ રહ્યું છે.
વિશ્વમાં લોકશાહી મૂલ્યોના ધોવાણ અંગેનો અહેવાલ એના પહેલા આવ્યો છે જ્યારે આગામી ૯ અને ૧૦ ડીસેમ્બરે અમેરિકી પ્રમુખ જો બાઇડન વર્ચ્યુઅલ સમિટ ફોર ડેમોક્રસી યોજી રહ્યા છે જેમાં તેઓ સરકારો, નાગરિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રના અગ્રણીઓને ભેગા કરવાનો હેતુ ધરાવે છે. આ વર્ચ્યુઅલ સમિટમાં લોકશાહી મૂલ્યોની વ્યાપક ચર્ચાઓ થશે, પણ લોકશાહી મૂલ્યો વિશ્વમાં મજબૂત થાય તે માટેનો માહોલ હાલ તો સર્જાય તેવું જણાતું નથી.