Editorial

કોવિડના રોગચાળાએ સરેરાશ આયુષ્યની બાબતમાં માણસે કરેલી પ્રગતિને મોટા પ્રમાણમાં ધોઇ નાખી છે

ચીનમાં ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં એક રહસ્યમય રોગના કેસો દેખાવા માંડ્યા, આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસને કારણે સર્જાઇ રહેલો હોવાનું જણાયું, ધીમે ધીમે આ રોગ વિશ્વના અન્ય દેશોમાં પણ ફેલાવા માંડ્યો, તેણે એક વૈશ્વિક રોગચાળાનું રૂપ ધારણ કર્યું, અને આ રોગને સત્તાવાર રીતે કોવિડ-૧૯નું નામ અપાયું, વિવિધ દેશોમાં આ રોગચાળાના એકથી વધુ મોજાઓ આવ્યા, આ રોગ સામે રક્ષણ માટે ઉતાવળે રસીઓ તૈયાર કરાઇ અને વ્યાપક રસીકરણ વિશ્વભરમાં શરૂ થયું, બીજી બાજુ આ વાયરસના જુદા જુદા અનેક વેરિઅન્ટ સર્જાયા, પછી રસીકરણને કારણે અને કુદરતી રીતે પણ સર્જાયેલી પ્રતિકાર શક્તિને કારણે આ રોગચાળો ધીમો પડ્યો, છતાં હજી પણ આ રોગચાળો વિશ્વમાં ચાલુ જ છે અને દુનિયાના વિવિધ ભાગોમાં તેની તીવ્રતા વધતા ઓછા પ્રમાણમાં પ્રવર્તી રહી છે ત્યારે આપણે જોઇ શકીએ છીએ કે આ દોઢ વર્ષ કરતા વધુ સમયગાળામાં આ રોગે વિશ્વભરમાં ભારે નુકસાન કર્યું છે.

અત્યાર સુધીમાં ૪૭ લાખ કરતા વધુ લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે અને આ રોગને અંકુશમાં રાખવા માટે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મૂકવામાં આવેલા લૉકડાઉન જેવા નિયંત્રણોને કારણે તથા અન્ય કારણોસર વ્યાપક આર્થિક નુકસાન તો થયું જ છે ત્યારે હાલમાં એક વધુ ધ્યાન ખેંચે તેવા નુકસાનની વાત બહાર આવી છે અને તે એ કે કોવિડ-૧૯ના રોગચાળાને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં માણસનું અપેક્ષિત આયુષ્ય કે સરેરાશ આયુષ્ય નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા સંશોધનોમાં આ વાત બહાર આવી છે.

આ સંશોધન ટીમે મોટે ભાગે યુરોપ, અમેરિકામાં  ફેલાયેલા દેશો અને ચીલી મળીને ૨૯ દેશોના આંકડાઓનો અભ્યાસ કર્યો હતો, જે દેશોમાં ૨૦૨૦ના સત્તાવાર મૃત્યુની નોંધણીના આંકડાઓ પ્રકાશિત થયા છે. આ અભ્યાસ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિઓલોજીમાં પ્રગટ થયો છે, તેમાં શોધી કાઢવામાં આવ્યું છે કે આ ૨૯માંથી ૨૭ દેશોમાં અપેક્ષિત આયુષ્યમાં ઘટાડો થયો છે અને તે એટલી હદે ઘટાડો થયો છે કે તેમાં મૃત્યુદર ઘટાડા અંગે વર્ષો સુધી થયેલી પ્રગતિ ધોવાઇ ગઇ છે. આમાંથી ૧પ દેશોમાં મહિલાઓનું અને ૧૦ દેશોમાં પુરુષોનું જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય ૨૦૧૫ કરતા ઓછું થઇ ગયેલું જણાયું છે, અને ૨૦૧૫નું વર્ષ એ એવું વર્ષ છે કે જ્યારે ફ્લુને કારણે અપેક્ષિત આયુષ્ય પર નકારાત્યક અસર થઇ જ હતી. દેખીતી રીતે સમજી શકાય તેવી બાબત છે કે કોવિડ-૧૯નો રોગ ફ્લુ કરતા તો ઘણો ઘાતક પુરવાર થયો છે.

પશ્ચિમ યુરોપમાં સ્પેન, ઇંગ્લેન્ડ અને વેલ્સ, ઇટાલી, બેલ્જિયમ તથા અન્ય કેટલાક દેશોમાં છેલ્લે આટલા મોટા પ્રમાણમાં અપેક્ષિત આયુષ્યમાં ઘટાડો બીજા વિશ્વ યુદ્ધ વખતે જોવા મળ્યો હતો અને આ અભ્યાસના એક સહલેખકે જણાવ્યું હતું. બીજા વિશ્વ યુદ્ધ વખતે તો લાખો લોકો દુનિયાભરમાં મરી ગયા હતા અને તે સમયે દુનિયાની કુલ વસ્તી પણ હાલના કરતા ઘણી ઓછી હતી, તેથી સ્વાભાવિકપણે સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાય, પણ હાલમાં વિશ્વના લોકોના અપેક્ષિત આયુષ્યમાં નોંધાયેલો ઘટાડો વધુ ધ્યાન ખેંચનારો છે. અપેક્ષિત આયુષ્ય એ છે કે જન્મ સમયે સરેરાશ બાળક કેટલું જીવી શકશે તેની જે અપેક્ષા રાખવામાં આવે છે.

આ દેશોમાં હાલમાં અપેક્ષિત આયુષ્યમાં એક વર્ષનો વધારો થવા માટે પ.૬ વર્ષ જેટલો સમય લાગ્યો હતો, જયારે કે કોવિડ-૧૯ના રોગચાળાને કારણે ફક્ત ૨૦૨૦માં જ પ્રગતિ ધોવાઇ ગઇ હતી. એમ આ અભ્યાસ જણાવે છે. આ આંકડાઓ મોટે ભાગે પશ્ચિમ દેશોના જ છે પણ દુનિયામાં ભારત સહિતના અનેક દેશોમાં કોવિડના રોગચાળાએ ઘણી મોટી જાનહાનિ સર્જી છે અને તેથી ત્યાં પણ માણસનું સરેરાશ આયુષ્ય નોંધપાત્ર ઘટ્યું જ હશે, જેના આંકડા હવે પછી બહાર આવી શકે છે

કહેવાય છે કે પ્રાચીન સમયમાં જ્યારે આ પૃથ્વી પર પ્રદૂષણ નહીંવત હતું, વસ્તી ઘણી ઓછી હતી અને રોગચાળાઓ પણ નહીંવત જેવા હતા, આહાર-પાણી ઘણા સ્વચ્છ હતા ત્યારે માણસ ઘણુ લાંબુ આયુષ્ય ભોગવતો હતો, સો વર્ષ જીવવું એ તો સામાન્ય બાબત હતી. પણ પછી વસ્તી વધી, ગંદકી વધી, રોગચાળાઓ શરૂ થયા, પ્રદૂષણ વધવા માંડ્યું અને માણસનું સરેરાશ આયુષ્ય ઘટવા માંડ્યું. મધ્ય યુગમાં તો સરેરાશ આયુષ્ય ખૂબ ઘટી ગયું હતું અને એક તબક્કે તો સરેરાશ આયુષ્ય પ૦ વર્ષની આસપાસ આવી ગયું હતું.

પછી નવા નવા સંશોધનો થયા, રોગચાળાઓ અને રોગો કાબૂમાં આવ્યા, તબીબી સવલતો વધી, પછી ફરીથી માણસનું સરેરાશ આયુષ્ય વધવા માંડ્યુ. છેલ્લા કેટલાક દાયકાઓમાં માણસનું સરેરાશ કે અપેક્ષિત આયુષ્ય નોંધપાત્ર વધ્યું છે. આ સરેરાશ આયુષ્ય જો કે ધીમી ગતિએ વધ્યું છે. માણસનું અપેક્ષિત આયુષ્ય ૧ વર્ષ વધે તે માટે હાલમાં પ.૬ વર્ષ જેટલો સમય લાગ્યો હતો, અને અપેક્ષિત આયુષ્યની બાબતમાં માણસે કરેલી પ્રગતિ રોગચાળાના એક જ વર્ષમાં ધોવાઇ ગઇ છે. આ બાબતને કુદરતની સામે માણસની લાચારી તરીકે પણ જોઇ શકાય.

Most Popular

To Top