સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા અને ‘તાલીબાની’ ઢબે અત્યાચાર કરવા માટે કૂખ્યાત બનેલા ચિરાગ ગોટીની મુશ્કેલીઓ હવે દિવસેને દિવસે વધી રહી છે.ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકાવી તેને ફસાવવાના ચકચારી કાવતરાં બાદ હવે તેની સામે અપહરણ અને ખંડણીનો વધુ એક ગંભીર ગુનો નોંધાતા સમગ્ર શહેરમાં હડકંપ મચ્યો છે.હાલમાં ચિરાગ ગોટી પોલીસ કસ્ટડીમાં છે.અપહરણ,ખંડણી, ડ્રગ્સ કાવતરું અને હથિયાર પ્રકરણ સહિત અનેક ગુનાઓની તપાસ અલગ-અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે
સુરતની ચોક બજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, વેડ રોડ પર રહેતા જમીન દલાલ જિજ્ઞેશ મગનભાઈ વ્યાસનું અપહરણ કરી તેમને માર મારવામાં આવ્યો હતો અને દર મહિને 2 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી.શરૂઆતમાં 50 હજાર રૂપિયા જબરદસ્તી પડાવી લેવાયા હતા.આ કેસમાં ચિરાગ ગોટી, તેના પિતા ઘનશ્યામ ગોટી અને ભાઈ નિરાંત ગોટી સહિત કુલ સાત શખ્સો સામે ગુનો નોંધાયો છે.ફરિયાદ બાદ પોલીસ દ્વારા આખા ગોટી પરિવાર અને તેમના નેટવર્ક પર તપાસનો ગાળિયો વધુ કસાયો છે.જો કે તપાસ દરમિયાન ચિરાગ ગોટીની ‘શ્યામ લુબ્રિકન્ટ્સ’ નામની કંપની પણ ચર્ચામાં આવી છે. અંદાજે 107 કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી આ કંપની માત્ર એક આવરણ હોવાનું પોલીસ માની રહી છે. આ કંપનીની આડમાં મિલકત વિવાદો ઉકેલવા, દબાણ ઊભું કરવા અને પ્લોટ હડપવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોવાનો આરોપ છે. છેલ્લા આઠ મહિનાથી ચિરાગ ફરાર હોવાથી કંપની બંધ હાલતમાં હતી. હવે એજન્સીઓ તેના નાણાકીય હિસાબોની સખત તપાસ કરી રહી છે.
ચિરાગ ગોટીના હથિયારો સાથેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. કેટલાક ફોટામાં તે પિસ્તોલ સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. હાલ સુરત SOG પોલીસ દ્વારા આ હથિયારોની તપાસ ચાલી રહી છે.જો કે પૂછપરછ દરમિયાન ચિરાગે હથિયારો ‘એરગન’ હોવાનું જણાવ્યું હતું. ગણપતિ ઉત્સવ દરમિયાન હવામાં ફાયરિંગ કરતો વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો.પોલીસ કમિશનરના કડક વલણ બાદ હવે કાયદો પોતાની ગતિએ આગળ વધી રહ્યો છે.ચિરાગની ક્રૂરતાની વાત કરીએ તો પોતાના જ કર્મચારીઓ પર કરવામાં આવેલા અત્યાચારના વીડિયો પોલીસ માટે મહત્વના પુરાવા બન્યા છે.એક કર્મચારી પર 11 હજારની હેરાફેરીનો આરોપ મૂકી તેને બેરહેમ માર મારવામાં આવ્યો હતો. અન્ય કિસ્સામાં ટેન્કર ડ્રાઈવર પર ચોરીનો આરોપ મૂકી તેને અપમાનિત કરવામાં આવ્યો હતો. આ વીડિયો હવે કેસને વધુ મજબૂત બનાવી રહ્યા છે.આ સમગ્ર પ્રકરણની શરૂઆત અલ્પેશ મિયાણીની કારમાંથી મળેલા 78 ગ્રામ એમ.ડી. ડ્રગ્સથી થઈ હતી.તપાસમાં ખુલ્યું કે ભાગીદારને ફસાવવા ડ્રગ્સ પ્લાન્ટ કરાયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આખરે ચિરાગ ગોટીએ શરણે આવી પોલીસ સમક્ષ હાજરી આપી હતી.હવે સૌની નજર એ પર છે કે આ કિસ્સામાં આગળ કયા નવા ખુલાસા થાય છે અને કાયદો કેટલો કડક સંદેશ આપે છે.