મતદારોના ઘરે ઘરે જઈને ચકાસણી કરી મતદારયાદી સુધારણા માટેની કામગીરી હાલમાં ગુજરાતમાં ચાલી રહી છે. આ કામગીરી માટે 4 ડિસે. સુધીનો સમય નિયત કરવામાં આવ્યો છે. 4 નવેમ્બરથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી તા.9મી ડિસે.ના રોજ સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ રજૂ થશે. જો મતદાર યાદીમાં તમારું નામ ન હોય કે કોઇ સુધારો કરવાનો હોય તો હક્ક દાવા અને વાંધા અરજી 9 ડિસેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી 2026 સુધી કરી શકાશે. મતદાર યાદી સંબંધિત ફરિયાદની સુનવણી અને ચકાસણી માટેનો નોટિસ સમય 9 ડિસેમ્બર 2025 થી 31 જાન્યુઆરી 2026 સુધી કરી શકાશે.
ત્યારબાદ છેલ્લે 7 ફેબ્રુઆરી, 2026ના રોજ ફાઈનલ મતદાર યાદી રજૂ થશે. મતદારયાદીમાં સુધારા માટે અમદાવાદ સહિત ગુજરાતભતમાં 22 નવેમ્બર અને 23 નવેમ્બરે મતદાન મથકો પર ચૂંટણી પંચના સભ્યો અને BLO અધિકારીઓ દ્વારા એસઆઈઆરની કામગીરી થશે. જેમાં મતદાતાએ એક બારકોડવાળું ફોર્મ ભરીને બુથ લેવલ ઓફિસરને આપવાનું હશે. મતદારયાદીની સુધારણા નિયત સમયાંતરે થવી જ જોઈએ પરંતુ હાલમાં જે રીતે ટૂંકા સમય માટે SIRની કામગીરી કરવામાં આવી રહી છે તે ખોટી છે અને તેણે અનેક સમસ્યાઓ ઊભી કરી છે.
ભૂતકાળમાં 2002માં આ રીતે ઘરેઘરે જઈને ચેક કરીને મતદારયાદીમાં સુધારાઓ કરવામાં આવ્યા હતા. હવે 2025માં આ કામગીરી થઈ રહી છે. વચ્ચે 23 વર્ષનો સમય વીતી ગયો છે. આ સમયગાળામાં મતદાર યાદીમાં અનેક વખત સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સુધારાઓ એવા હતા કે જેમાં મતદાર ચૂંટણી તંત્ર સુધી આવતો હતો પણ આ વખતે ચૂંટણીતંત્ર મતદાર સુધી આવ્યું છે પરંતુ આ સુધારણા માટે જે રીતે નિયમો બનાવવામાં આવ્યા છે તેણે અનેક ગુંચવાળાઓ ઊભા કર્યા છે. હાલમાં મતદારયાદીમાં સુધારા માટે 2002ની મતદારયાદીનો આધાર લેવામાં આવ્યો તે જ ખોટું છે.
ચૂંટણીપંચે છેલ્લા સુધારા બાદની મતદારયાદીનો જ સહારો લેવાનો હતો. ચૂંટણીપંચના મતે જો છેલ્લી સુધારાની મતદારયાદી માન્ય નથી તો પછી આ મતદારયાદીના આધારે ચૂંટણીઓ કેવી રીતે થઈ? જો ઘરેઘરે જઈને ચેક કરવામાં આવે તેને જ માન્ય રાખવાનું હતું તો છેલ્લા 23 વર્ષમાં શા માટે મતદારયાદીમાં સુધારાઓ કર્યા? એક તો ચૂંટણી પંચ દ્વારા છેલ્લા 23 વર્ષમાં SIRની કામગીરી કરવામાં આવી નથી અને વચ્ચેના સમયમાં મતદારયાદીમાં સુધારાઓ કરતાં રહ્યા અને હવે ફરીથી 23 વર્ષ પાછળ જવાનું? આ લોજિક કોઈપણ રીતે કોઈને સમજાય તેવું નથી.
ભૂતકાળમાં મતદારયાદીમાં જે સુધારાઓ કરવામાં આવ્યા હતા તે તમામ જે તે મતદારના ડોક્યુમેન્ટ્સ લઈને જ કરવામાં આવ્યા હતા. જો તે સમયે ડોક્યુમેન્ટ્સ લેવામાં આવ્યા જ હતા તો હવે નવા ડોક્યુમેન્ટ્સ શા માટે? જે મતદાર શંકાસ્પદ હોય તેના માટે ચૂંટણીપંચે આ કામગીરી કરવી જોઈતી હતી પરંતુ તેને બદલે તમામ મતદારોને તેમાં જોડી દઈને બીએલઓ પર કામગીરીનું ભારણ વધારવાની સાથે મતદારોને પણ હેરાન કરી દીધા છે. ચૂંટણી પંચ દ્વારા જે ફોર્મ ભરવા માટે આપવામાં આવ્યા છે તેની વિગતો ભરવામાં ભણેલી વ્યક્તિને પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે અભણ વ્યક્તિ માટે તો આ ફોર્મ ભરવા જ મુશ્કેલ છે.
ખરેખર તો ચૂંટણીપંચે મતદારકાર્ડને બદલે આધારકાર્ડને જ મતદારકાર્ડ તરીકે માન્ય રાખી લેવો જોઈએ. જો તેમાં જે તે વિધાનસભા, મહાપાલિકા, નગરપાલિકા કે પછી પંચાયતની વિગતોનો ઉમેરો કરવો હોય તો કરી લેવો જોઈતો હતો. દેશમાં વિવિધ કામગીરી માટે મલ્પિપલ કાર્ડની સિસ્ટમ એ તંત્રની નિષ્ફળતા બરાબર જ છે. જો કોઈ મતદાર ફોર્મ ભરી નહી શકે તો તે મત આપી શકશે નહીં. જ્યારે ભારતના બંધારણમાં મતદાનને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો છે.
ચૂંટણીપંચની એ તકલીફ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશો કરી દેવામાં આવ્યા છે અને ચૂંટણીપંચ કામગીરીમાં પહોંચી વળે તેમ નથી. આ મામલે તમામ ભારણે બીએલઓ અને મતદારો પર જ આવવાનું છે તે નક્કી છે. ભારતમાં મોટી સમસ્યા એ જ છે કે, કામગીરીની જાહેરાતો કરી દેવામાં આવે છે પરંતુ તે કામગીરી કેવી રીતે થશે તેનો ક્યારેય વિચાર કરવામાં આવતો નથી. SIRના મામલે ચૂંટણીતંત્ર હેરાનગતિ દૂર નહીં કરે તો સમસ્યા અઘરી બનશે તે
નક્કી છે.