Columns

લિથિયમ ભંડારની શોધ, એ ભારત માટે મોટી સિધ્ધિ છે!

ભારતમાં પહેલીવાર લિથિયમનો ભંડાર મળ્યો છે. ખાણ મંત્રાલયનાં અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં અંદાજે 5.9 મિલિયન ટન લિથિયમ ભંડાર મળી આવ્યા હતા. ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લિથિયમ અનુમાનિત સંશાધનો (G3) સ્થાપિત કર્યા છે. લિથિયમ અને સોના સહિત 51 ખનિજ બ્લોક સંબંધિત રાજ્ય સરકારોને સોંપવામાં આવ્યા હતા. 5 બ્લોક્સ સોનાને લગતા છે અને અન્ય બ્લોક્સ પોટાશ, મોલિબડેનમ, બેઝ મેટલ્સ વગેરે જેવી કોમોડિટીને સંબંધિત છે જે જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રીય શાસિત), આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, રાજ્યોમાં ફેલાયેલ છે. મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ અને તેલંગાણા એમ 11 રાજ્યોમાં છે.

લિથિયમ બિન-ફેરસ ધાતુ છે. 1817માં જોહાન ઓગસ્ટ આર્ફવેડસન દ્વારા શોધાયેલ, તે વિશ્વના સૌથી વધુ માંગવાળા ખનિજોમાનું એક છે. તે પ્રકૃતિમાં ઝેરી છે અને પાણી સાથે ‘જોરથી’ પ્રતિક્રિયા આપે છે. જે સ્માર્ટફોન, મોબાઈલ ચાર્જર, લેપટોપ, પેસમેકર, રમકડાં અને ઘડિયાળોમાં વપરાતું લિથિયમ ઈલેક્ટ્રોનિક વ્હીકલ બેટરીમાં પણ મહત્વનું ઘટક છે. લિથિયમને તેના વ્યાપક ઉપયોગને કારણે ‘વ્હાઇટ ગોલ્ડ’ ઉપનામ આપવામાં આવ્યું છે.

વર્ષ 2022માં લિથિયમની અછત જોવા મળી હતી અને વધતી જતી ઇલેક્ટ્રીક વ્હિકલ્સ ક્રાંતિ વચ્ચે તેનો પુરવઠો માંગ સાથે સમતુલા જાળવી રાખવામાં અસમર્થ હતો. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું કહેવું છે કે જગતને હજી 2 વરસ સુધી લિથિયમની અછતનો સામનો કરવો પડી શકે છે. જ્યાં સુધી લિથિયમ ભંડારનો સવાલ છે ઓસ્ટ્રેલિયા પાસે લગભગ 2.7 મિલિયન ટન લિથિયમ સંશાધનો છે.

વિશ્વનો મોટાભાગનો લિથિયમનો નવો પુરવઠો ચીનના લેપિડોલાઇટ થાપણો જેવાં નવાં સ્ત્રોતોમાંથી આવે છે. જે તેમની પોતાની નવી વિક્ષેપ સંભવિતતા સાથે આવે છે. આ શોધ સાથે ભારત તેનાં લિથિયમ સહિતનાં મુખ્ય ખનિજોનાં પુરવઠાને મજબૂત કરવા માંગે છે તેની પૃષ્ઠભૂમિમાં આવી છે, જે તેની ઇલેક્ટ્રિક વાહન યોજનાઓને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ હશે. નવાં અધ્યાય માટે સૂચક બનશે. માહિતી મુજબ ભારત તેની લિથિયમ જરૂરિયાતોને પહોંચી વળવા માટે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિના પર નિર્ભર રહ્યું છે.

ભારત સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે તેમનું લક્ષ્ય આગામી 7 વરસ સુધીમાં ઓછામાં ઓછી 30 ટકા પ્રાઈવેટ કાર ઇલેક્ટ્રીક વ્હિકલસ હશે. ભારત સરકારે ઇલેક્ટ્રિક વ્હિકલસમાં ઉત્પાદન વધે તે માટે આર્થિક પ્રોત્સાહન નીતિ જાહેર કરી જ રાખી છે. ઇલેક્ટ્રિક વ્હિકલસને અપનાવવા માટે પ્રોત્સાહકોમાં 3.4 બિલિયન ડોલરની જાહેરાત થયેલી છે. તે સાથે નોંધવું પડે કે ગયાં વર્ષે આ ક્ષેત્રમાં કટોકટી ચાલતી હતી. બજારનાં અહેવાલ મુજબ ગયા વર્ષે લિથિયમ-આયન બેટરીની કિંમત ઇલેક્ટ્રિક વ્હિકલસનાં યુગમાં પહેલીવાર ઉછળી હતી.

જ્યાં સુધી લિથિયમ આયન બેટરીનો ઉત્પાદનનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર એવી બેટરીઓનું ઉત્પાદન કરવા માંગે છે જે મોટાભાગે સૌથી મોંઘા ઘટક હોય છે. જે સ્થાનિક રીતે તેને વધુ પરવડે સાથે ભારતને સંભવિત નિકાસકાર બનાવે છે! એજેંસી રીપોર્ટસ મુજબ ભારત પાસે આવી બેટરીઓની સ્થાનિક માંગને પૂર્ણ કરવા માટે જરૂરી કાચો માલ નથી. જે આગામી 7 વર્ષોમાં 100 ગણો વધી જશે તેમ કહેવાય છે. આ દરમ્યાન ચીન વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક વ્હિકલસનું બજાર છે અને તે સતત વધી રહ્યું છે. જ્યારે લિથિયમ-આયન બેટરીની વાત આવે છે ત્યારે તેનો પ્રથમ-મૂવર ફાયદો પણ ઉપાડે છે.

કાચા લિથિયમ ઉત્પાદનોને બેટરીમાં પ્રોસેસ કરવામાં ચીન વિશ્વની 60 ટકા ક્ષમતા ધરાવે છે. જાણકારોની ધારણાં છે કે તે 80 ટકા જેટલી ક્ષમતા કેળવી શકે તેવી સ્થિતિમાં છે. સ્પષ્ટ છે કે અવરોધ ઘણાં અને આકરા છે પણ આ સંજોગોમાં ભારતની એન્ટ્રી વરતારો ફેરવી શકે છે તે બજારમાં આવી ચીનનો વ્યાપારીક સામનો કરશે! નવી શોધ આત્મનિર્ભર બનવાં તરફ સશકત પગલું ગણાશે. તેનાં તર્ક પણ સકારત્મક છે.

આ શોધ ભારતને 2070 સુધીમાં ‘નેટ શૂન્ય’ ઉત્સર્જન સુધી પહોંચવાના તેનાં પર્યાવરણીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં અને સ્વચ્છ ઉર્જા મંત્રાલયનાં EV 30@30 અભિયાન દ્વારા દર્શાવેલ લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ મદદ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય ઇનોવેશન, આર્થિક અને ઔદ્યોગિક વિકાસ, ઉર્જા સુરક્ષા અને સ્થાનિક વાયુ પ્રદૂષણમાં ઘટાડો માટે ઇલેક્ટ્રિક મોબિલિટી દ્વારા આપવામાં આવતા બહુવિધ લાભોને સાકાર કરવામાં મદદ કરવાનો છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ફિલ્ડ સિઝન 2018 – 19થી અત્યાર સુધીની કામગીરીનાં આધારે બ્લોક્સ તૈયાર કર્યા છે. આ ઉપરાંત 7897 મિલિયન ટનનાં કુલ સંશાધન સાથે કોલસા અને લિગ્નાઈટના 17 અહેવાલો પણ કોલસા મંત્રાલયને સોંપવામાં આવ્યા હતા.

બેઠક દરમિયાન વિવિધ થીમ્સ અને હસ્તક્ષેપના ક્ષેત્રો કે જેમાં જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા કાર્ય કરે છે તેનાં સંદર્ભમાં 7 પ્રકાશનો પણ બહાર પાડવામાં આવ્યા હતા. આગામી ફિલ્ડ સિઝન વર્ષ 2023 – 24 માટેનો પ્રસ્તાવિત વાર્ષિક કાર્યક્રમ બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો અને તેની ચર્ચા કરવામાં આવી હતી. આગામી વર્ષ દરમિયાન જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા 12  દરિયાઈ ખનિજ તપાસ પ્રોજેક્ટ્સ સહિત 318 ખનિજ સંશોધન પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને 966 કાર્યક્રમો હાથમાં લીધાં છે. અગત્યનું પાસું એ છે કે ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે વ્યૂહાત્મક અને નિર્ણાયક ખનિજો પર 115 પ્રોજેક્ટ્સ અને ખાતર ખનિજો પર 16 પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે!

જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની સ્થાપના 1851માં રેલવે માટે કોલસાનાં ભંડાર શોધવા માટે કરવામાં આવી હતી. વર્ષોથી, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા ફકત દેશમાં વિવિધ ક્ષેત્રોમાં જરૂરી ભૂ-વિજ્ઞાન માહિતીના ભંડાર તરીકે વિકસ્યું નથી પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ભૂ-વૈજ્ઞાનિક સંગઠનનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે. તેનાં મુખ્ય કાર્યો રાષ્ટ્રીય ભૂ-વૈજ્ઞાનિક માહિતી અને ખનિજ સંશાધન મૂલ્યાંકન બનાવવા અને અપડેટ કરવા સાથે સંબંધિત છે. આ ઉદ્દેશ્યો ભૂમિ સર્વેક્ષણ, હવાઈ અને દરિયાઈ સર્વેક્ષણો, ખનિજ પૂર્વેક્ષણ અને તપાસ, બહુ-શિસ્ત ભૂ-વૈજ્ઞાનિક, ભૂ-તકનીકી, ભૂ-પર્યાવરણ અને કુદરતી જોખમોનાં અભ્યાસો, ગ્લેશીયોલોજી, સિસ્મો-ટેક્ટોનિક અભ્યાસ અને મૂળભૂત સંશોધનો થકી પ્રાપ્ત થાય છે!

જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની મુખ્ય ભૂમિકામાં નીતિ-નિર્માણના નિર્ણયો અને વ્યાપારી અને સામાજિક-આર્થિક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ઉદ્દેશ્યપૂર્ણ, નિષ્પક્ષ અને અદ્યતન ભૂસ્તરશાસ્ત્રીય કુશળતા અને તમામ પ્રકારની ભૂ-વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરવાનો સમાવેશ થાય છે. આજે સૌની સામે છે વિશ્વ જેને સફેદ સોનું કહે છે,જે મોંઘી જણસ છે,દેશની આર્થિક અને આબોહવાની સ્વસ્થતા માટે અનિવાર્ય છે તેનો માર્ગ શોધ્યો છે હવે તેનાં પર આગળ આગળ જ વધવાનું છે!

Most Popular

To Top