Columns

યાત્રાધામોનો વિકાસ એટલે સંસ્કૃતિનો પુનરોધ્ધાર

ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનૈરથૈ,
ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા:

મતલબ કે કોઇપણ કાર્ય વિચાર કરવા માત્રથી પૂર્ણ નથી થતું. પણ તેના માટે પરિશ્રમ કરવો પડે છે. હરણ સામેથી સિંહના મુખ સમિપ નથી આવતુ પણ સિંહે પરિશ્રમ કરવો જરૂરી છે. સંસ્કૃતિમાં એક બીજો સરસ શ્લોક છે.
વાણી રસવતી યસ્ય શ્રમવતી ક્રિયા,
લક્ષ્મી : દાનવતી યસ્ય, સફલ તસ્ય જીવિતં
અર્થાત:
જે મનુષ્યની વાણી મીઠી હોય, જેનુ કાર્ય પરિશ્રમયુક્ત હોય અને જેનુ ધન દાનકાર્ય પ્રયુક્ત હોય તેનું જીવન સફળ છે. આ બંને શ્લોક આપણા જીવનને સ્પર્શે છે એટલું જ નહિ જે પણ સફળ સત્તાધિશ હોય તેને પણ સ્પર્શી શકે છે. ભારતીય સંસ્કૃતિના પુન:ઉદય સાથે આ બંને શ્લોકનો સ્પર્શ ખૂબ ઘનિષ્ઠ છે. છેલ્લાં હજાર કરતાં વધુ વર્ષોથી ભારતીય ધર્મ સંસ્કૃતિનું સતત ધોવાણ થતું રહ્યું છે પણ એટલી વિશાળ અને મજબૂત ભારતીય ધર્મપ્રિયતા છે કે વારંવાર મોગલો અને અંગ્રેજોની તાનાશાહી વચ્ચે ફરી ફરીને ફિનિક્સ પક્ષીની જેમ પાંખો પ્રસરાવતી હોવાના અખંડ અસ્તિત્વને સાબિત કરી રહી છે.
વિશ્વની સૌથી પૌરાણિક સનાતન સંસ્કૃતિના પુન:રોધ્ધાર સાથે નવા સૂર્યોદયને આપણે સૌ અનુભવી રહ્યા છીએ. ધર્મક્ષેત્રોનો વિકાસ પ્રત્યેક સનાતનીઓને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. ધર્મમા ઓછુ માનનારા કે નાસ્તિક હિન્દુઓ પણ સ્વ. અસ્તિત્વ માટે પણ વર્તમાન પ્રવાહને સ્વીકારતા થયા છે. આજે યાત્રાળુઓ માટે સુવિધાપૂર્ણ યાત્રાધામોનો વિકાસ જાહેરાતના પ્રત્યેક માધ્યમોએ સ્વીકારીને યોગ્ય ન્યાય આપ્યો છે.

તાજેતરની વાત કરીએ તો ગત સપ્તાહે દ્વાદંશ જ્યોર્તિલિંગોમાનુ એક મહાકાલેશ્વરની પાવન ભૂમિ ઉજ્જૈન ખાતે 351 કરોડના ખર્ચે તૈયાર કરેલ કોરીડોરના પ્રથમ ચરણનું કામ પૂર્ણ થવા સાથે લોકાર્પણ પણ થયું. દ્વિતિય ચરણનુ 505 કરોડના ખર્ચે થનાર વિકાસકાર્ય હાલ કાર્યરત છે જે જૂન-2023 સુધી પૂર્ણ થવાની ધારણા છે. ઉજ્જૈનનું મહાકાલ મંદિર 2.82 હેક્ટર જમીન ધરાવતુ હતું તે બીજા ચરણનું પણ કામ પૂર્ણ થતાં કુલ ક્ષેત્રફળ 47 હેક્ટર થઇ જશે. આપણને આંકડામા કદાચ રસ ના હોય પણ સુવિધા જાણવી વધુ જરૂરી લાગે છે તો જાણીએ મહાકાલના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન અને રેલવેની તો ઉત્તમ વ્યવસ્થા છે જ પણ પોતાનુ વાહન લઇને આવનાર યાત્રાળુઓ માટે 750 કાર પાર્ક કરી શકાય તેવુ મલ્ટીલેવલ પાર્કિંગ છે.

900 મીટર લાંબો કોરીડોર 108 જેટલા કલાત્મક વિશાળ સ્થંભોથી સુશોભીત છે. રુદ્રસાગર તળાવના કિનારે ચાલતો કોરીડોર મહાકાલ મંદિર સુધી સરળતાથી પહોંચાડે છે. બાજુની દિવાલો પર 50થી વધુ શિવપુરાણ આધારિત ચિત્રાવલી અને 200 જેટલી વિવિધ દેવી-દેવતાઓની પ્રતિમાઓ પ્રસ્થાપિત છે. મહાદેવજીના 190 સ્વરૂપને શિલ્પ દ્વારા પ્રસ્થાપિત કરાયા છે. તો વિશાળ નંદીની પ્રતિમા ધ્યાનાકર્ષક બની છે. ભવ્ય પ્રવેશદ્વાર સાથે અહીં મહાકાલ વન, થીમપાર્ક, મ્યુરલ પાર્ક તથા ખાણીપીણીના સ્ટોલ્સ પણ હશે.

રહેવા માટે સારી હોટલો અને સસ્તી ધર્મશાળાઓ મંદિરની આજુબાજુમાં છે તો મંદિરના ભોજનાલયમાં માત્ર ટોકનરૂપે રૂા. 5માં ભોજન-પ્રસાદ ભરપેટ મળે છે. રંગબેરંગી લાઇટોથી સુશોભિત કોરીડોરમા છાયાદાર વૃક્ષો, ગાર્ડન, ફાઉન્ટન સાથે આરામદાયક બેન્ચીસ પણ છે. 900 મીટરના કોરીડોરને માણવા પાંચથી છ કલાક લાગી જાય છે. સક્ષમ ન હોય તેવા વૃધ્ધ કે અપંગ લોકો માટે ઇલેકટ્રીકથી ચાલતી કારની સગવડો પણ છે. પૃથ્વી પરના સ્વર્ગ, પૌરાણિક યાત્રાધામ ઉજ્જૈન ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષની દૃષ્ટીએ ખૂબ મહત્ત્વ ધરાવતુ સ્થળ છે.

યાત્રાધામોના નામે ઉત્તરપ્રદેશ ખૂબ ધનવાન રાજ્ય છે. અયોધ્યા, કાશી, મથુરા, વૃંદાવન, ગોકુળ જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત આગ્રા અને ફતેહપુર સીક્રી જેવા ઐતિહાસિક સ્થળો સાથે ઉ.પ્ર. દેશનું સૌથી મોટું રાજ્ય છે. અયોધ્યામા રામજન્મ ભૂમિની મુક્તિ સાથે જ ભવ્ય રામમંદિરના નિર્માણનું કાર્ય પૂર્ણ વેગે ચાલી રહ્યું છે. 1800 કરોડના ખર્ચે 108 એકરમા બની રહેલા રામમંદિરમાં ચાર ભવ્ય દ્વાર સાથે બાઉન્ડ્રી બોર્ડર બનાવાશે. પાયાની તમામ સુવિધા સાથે 2500 દર્શનાર્થી બેસી શકે તેવું વિશાળ પ્રતીક્ષાલય બનશે.

પ્રાચીન ધર્મનગરી કાશીના કોરીડોરનુ ગયા ડિસેમ્બરમાં લોકાર્પણ થયુ ત્યારે એ એક ઐતિહાસિક મહોત્સવ હતો. શિવ ઉપાસનાની આ પૌરાણિક નગરીનો અથર્વવેદની પૈપ્લાદ સંહિતામાં ઉલ્લેખ જોવા મળે છે. બૃહદારણ્ય કોપનિષદ, કૌષીતકી ઉપનિષદ, બોધાયન શ્રોતસુત્ર, ગોપથ બ્રાહ્મણગ્રંથ જેવા ધર્મગ્રંથોમાં કાશીનગરીનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે તો બંને મહાકાવ્યો રામાયણ અને મહાભારતના કેટલાક પ્રસંગો કાશી સાથે જોડાયેલા છે.

પુરાણોક્ત કથનોનુસાર ભગવાન માનુની 11મી પેઢીના રાજા કાશે કાશીનગરી વસાવી હતી. મોગલો દ્વારા વારંવાર ખંડિત થયેલ નગરીને અનેક રાજાઓએ ફરી ફરી નિર્માણ કરાવી ધર્મધજા ફરકતી રાખી છે. હાલનુ કાશી વિશ્વનાથ બાબાને મંદિર ઇંદોરની મહારાણી અહલ્યાભાઇ હોલકરે 1777-78માં નિર્માણ કરાવેલું. સાંકડી ગલીઓમાંથી બાબા વિશ્વનાથના મંદિર સુધી પહોંચતા કઠીન રસ્તાઓને સરળ બનાવવા સરકારે 300 મકાનોને 339 કરોડના ખર્ચે ખરીદી લઇ 900 કરોડના ખર્ચે ભવ્ય કોરીડોર બનાવેલ છે જે મંદિરથી સીધો ગંગાઘાટ સુધી જાય છે.

મંદિરોની નગરી ઓળખાતા આ શહેરમાં 1500થી વધુ નાના મોટા મંદિરો છે. ધનુષાકારે વહેતી ગંગાના કિનારે 84થી વધુ ઘાટ બંધાયેલા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી મંદિર ટ્રસ્ટે બાંધેલા કોરીડોર સિવાય પણ યાત્રાળુઓ માટે અનેક સગવડો આપી છે. 5 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા કોરીડોરમા 27 મંદિરો અને અન્ય 23 ઇમારતો આવે છે તથા 22 જેટલા સ્થાપિત શિવાલેખોમાં કાશીની મહિમા વર્ણવવામા આવી છે. કાશી વિશ્વનાથના વિશાળ કોરીડોરની પ્રેરણાથી વૃંદાવનના બાંકે બિહારીજીના મંદિરની આજુબાજુ પણ ભવ્ય કોરીડોર બનાવવાના પ્લાન ઘડાઇ રહ્યા છે. જેથી સાંકડી ગલીઓની તકલીફોથી યાત્રાળુઓને મુક્તિ મળે.

Jagannath Temple in Puri, Orissa, India.

યાત્રાધામોની ભવ્ય વિકાસયાત્રામાં ઓરિસ્સાના જગન્નાથપુરીના જગન્નાથજી મંદિર પણ ભવ્યાતિભવ્ય સુવિધાપૂર્ણ વિકાસના પંથે છે. સરકારે ફાળવેલ 3200 કરોડના ખર્ચે મંદિરના પરિસરનો કાયાકલ્પ કરવાનો પ્રારંભ તો 2019થી થઇ ચુક્યો છે. જગન્નાથજીના મેળ અસલ મંદિરને નુકસાન કર્યા વગર આજુબાજુના 12 એકર જમીનમાં નૂતન ડેવલપીંગના કાર્યો થઇ રહ્યા છે. માર્ચ 2023 સુધીમાં 9 લેયરમાં પ્રારંભાયેલુ કાર્ય પુરુ થાય તેવી સંભાવના છે.

યાત્રા સ્થળોના વિકાસના આ દૌરમાં દેશભરના વિવિધ યાત્રાધામોના નવનિર્માણો પૂર્ણવેગમાં છે. કેદારનાથ ધામ ખાતુ 2013ના વિનાશક પુર પછી ભારતે વિનાશ છતાં કેદારનાથ મંદિર અડિખમ અને અખંડ રહ્યુ હતું. ત્યા પણ ભવ્ય પરિસર સાથે આદિ શંકરાચાર્યની પ્રતિમા પ્રસ્થાપિત કરાયા સાથે સક્ષમ લોકો માટે હોલીકોપ્ટર દ્વારા પણ પહોંચાય તેવી વ્યવસ્થા કરાય છે. ચાલતા જનારા માટે સરકાર દ્વારા મસાજની પણ સુવિધા છે.

આ ઉપરાંત ગુજરાતમાં સોમનાથ મહાદેવ અને અંબાજી મંદિર ખાતે પણ સરકારે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી યાત્રાઓ સરળ બનાવી છે. સૌથી વિકટ કૈલાસ માન સરોવરની યાત્રા છે. અહીં જે યાત્રા બે થી ત્રણ અઠવાડિયામાં પુરી થતી તે ધારચુલા અને લિપુલેખે માર્ગનુ બાર વર્ષની મહેનતે નિર્માણ થતા હવે માત્ર એક સપ્તાહમાં પહોંચી શકાય છે. દક્ષિણના તેલંગાણાથી લઇ રામેશ્વરમ સુધીના અનેક યાત્રાધામો સરળ અને સુવિધાજનક બનતા યાત્રાળુઓ માટે અનેક રાહતો પ્રાપ્ત થઇ છે. દેશની અનેક દિશામાના યાત્રાધામોનો વિકાસ એ દર્શનાર્થીઓ અને યાત્રાળુઓ માટે આશિર્વાદરૂપ છે.

Most Popular

To Top