ઉત્તરાખંડના હર્ષીલ અને ધરાલીમાં અચાનક જ પાણી સાથે ભૂસ્ખલન થતાં જે તબાહી સર્જાઇ છે તે કલ્પનાની બહાર છે. હર્ષિલમાં તો આખેઓખું એક મેદાન તળાવમાં ફેરવાઇ ગયું છે અને ધરાલી તો આખુ જ વહી ગયુ છે. આ પહેલા આપણે કેદારનાથ દુર્ઘટના અને જોષીમઠની તિરાડો જોઇ ચૂક્યા છે. ત્યારે અચાનક જ પહાડોમાં આટલા ફેરફાર શા માટે આવ્યા તેના પર મંથન કરવું જરુરી છે. જો કે આ ફેરફાર અચાનક નથી આવ્યો. અનેક વર્ષોના ગ્લોબલ વોર્મિંગનું પરિણામ આપણે અત્યારે જોઇ રહ્યાં છે.
પહાડો પર માર્ગ અને મકાનો બનાવવા માટે જે રીતે વૃક્ષોનું નિકંદન થાય છે તે જોતા સ્પષ્ટ છે કે વૃક્ષોના જે મૂળ પહાડને એક રાખતા હતા તે હવે રાખી શકતા નથી અને તેના કારણે આવી ઘટનાઓ થાય છે. જો હજી પણ આ પરિસ્થધિતિ ચાલુ રહેશે તો આવનારા વર્ષોમાં તેના ગંભીર પરિણામ ભોગવવા ભવિષ્યની પેઢીએ તૈયાર રહેવું પડશે. આપણે વિચારવું જોઇએ કે આપણે આપણી ભાવિ પેઢીને શું આપી રહ્યાં છે.? ભારતમાં 20 જૂનથી શરૂ થયેલા વરસાદે ઉત્તર ભારતના પહાડી રાજયોમાં કહેર વર્તાવ્યો છે. જેમાં પણ ગ્લોબલ વોર્મિંગના અસરના લીધે અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 47 લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી 31 લોકો વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા.
આ અગાઉ વર્ષ 2023 ના પૂર દરમિયાન હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોમાં લગભગ 550 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેના પગલે પર્યાવરણ નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે પર્યાવરણ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, વરસાદની બદલાયેલી પેટર્નને સમજવી જોઈએ અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ કારણ કે તે ખેતી, બાગાયત અને પાણી વ્યવસ્થાને અસર કરે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે.
જેના કારણે વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ સતત સામે વધી રહી છે. તેમજ હિમાચલ જેવા સ્થળોએ પહાડી વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામ કાર્ય અંગે સાવધાની રાખવી જોઈએ. ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતના પહાડી વિસ્તારોમાં તાપમાનમાં વધારો થયો છે. જેના કારણે મે-જૂન દરમિયાન ભેજ અને ભેજને કારણે બરફ ઓછો પડવો, વસંતઋતુ ટૂંકી થવી, ભારે વરસાદ, મોટા પાયે માટીનું ધોવાણ, વાદળ ફાટવું, અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે.
ચોમાસાની બદલાતી પેટર્નની વાત કરીએ તો હવે ચોમાસાની શરૂઆત ઘણીવાર વિલંબિત થાય છે ક્યારેક જુલાઈ સુધી યોગ્ય રીતે શરૂ થતી નથી અને ચોમાસું ઘણીવાર સપ્ટેમ્બરના અંત સુધી અથવા ઓક્ટોબરની શરૂઆતમાં રહે છે.પરંપરાગત રીતે ચોમાસાથી સમૃદ્ધ પ્રદેશોમાં વરસાદમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે શુષ્ક પ્રદેશોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં વધારો અને વાતાવરણીય પરિભ્રમણ પેટર્નમાં ફેરફાર જેવા પરિબળો આ ફેરફારોમાં ભૂમિકા ભજવે છે.