Editorial

સ્વતંત્ર બલુચિસ્તાનની માંગ તિવ્ર બનતા પાકિસ્તાનને હાંફચડી ગઇ છે

પાકિસ્તાનની રચનાનાં 75 વર્ષ પછી આજેય તેના સૌથી મોટા પ્રાંત બલૂચિસ્તાનને સૌથી વધુ તંગદિલીગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે. બલુચિસ્તાનમાં વિદ્રોહની શરૂઆત 1948માં થઈ હતી. મોટા ભાગની બલૂચી પ્રજા માને છે કે તેમને પરાણે પાકિસ્તાનમાં ભેળવી દેવાયા તે ગેરકાનૂની હતું. બ્રિટિશ જતા રહ્યા તે પછી બલૂચીઓએ સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી હતી. પાકિસ્તાને તે વાત સ્વીકારી પણ લીધી હતી. પણ પછી ફરી ગયું. 70ના દાયકામાં પાકિસ્તાનના જીડીપીમાં બલૂચિસ્તાનનો હિસ્સો 4.9 ટકા હતો, તે અત્યાર સુધીમાં ઘટીને માત્ર 3 ટકા રહી ગયો હતો. બલૂચ કોમ શિક્ષણની રીતે પાછળ છે. પાકિસ્તાનના જાહેરજીવનમાં તેમની નગણ્ય ભાગીદારી છે.

ત્યાં ભૌતિક સંપત્તિ બહુ છે, પણ દુકાળની સમસ્યા સૌથી વિકરાળ છે. તેમને સૌથી વધુ એ વાત અકળાવે છે ત્યાં ગેસ નીકળે છે તેનાથી પાકિસ્તાનના ઘરોના ચૂલા સળગે છે, પણ તેમને પોતાને ગેસ મળતો નથી. આવી જ સ્થિતિ કબાયલી વિસ્તાર ફાટામાં પણ છે. દક્ષિણ પંજાબમાં પણ આવી જ સમસ્યા છે. પાકિસ્તાનની પ્રગતિ એકસમાન રીતે નથી થઈ. કેટલાક વિસ્તારો પર વધારે, કેટલાક પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે.”

બલૂચિસ્તાનના બંધારણમાં સંસદનાં બે ગૃહોની દરખાસ્ત હતી. કલાત (બલૂચિસ્તાન)ના ખાને તે બંને ગૃહો પર શું કરવું તેનો નિર્ણય છોડી દીધો હતો. બલૂચિસ્તાન પહેલાં કલાતના નામે જાણીતું હતું. ઐતિહાસિક રીતે કલાતનો કાયદેસર દરજ્જો ભારતનાં બીજા રજવાડાંથી અલગ હતો. ભારત સરકાર અને બલૂચિસ્તાન વચ્ચે 1876માં સંધિ થઈ હતી તેના આધારે બ્રિટિશરોએ બલૂચિસ્તાનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપ્યો હતો. 1877માં બલૂચિસ્તાનના શાસક ખુદાદાદ ખાન સ્વાયત્ત રાજકુમાર હતા, જેના પર બ્રિટનનો કોઈ અધિકાર નહોતો. 560 રજવાડાંને ‘એ’ વર્ગની યાદીમાં રાખવામાં આવ્યાં હતાં, જ્યારે નેપાળ, ભૂટાન અને સિક્કિમની સાથે બલૂચિસ્તાનને પણ ‘બી’ વર્ગની યાદીમાં રાખવામાં આવ્યું હતું.

મજાની વાત એ છે કે 1946માં બલૂચિસ્તાનના ખાંએ સમદ ખાંને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે દિલ્હી મોકલ્યા હતા, પરંતુ જવાહરલાલ નહેરુએ બલૂચિસ્તાન સ્વતંત્ર રાષ્ટ્ર હોવાની વાતને નકારી દીધી હતી. ત્યારબાદ કલાત સ્ટેટ નેશનલ પાર્ટીના પ્રમુખ ગૌસ બક્ષ બિજેનજો દિલ્હી મૌલાના આઝાદને મળવા આવ્યા હતા.બ લૂચિસ્તાન ક્યારેય ભારતનો હિસ્સો નથી તેવી બિજેનજોની વાત સાથે આઝાદ સહમત થયા હતા. જોકે તેમણે એમ પણ કહ્યું કે 1947માં સ્વતંત્ર અને સ્વાયત્ત થયા પછી તે ટકી શકશે નહીં અને બ્રિટનના સંરક્ષણની જરૂર પડશે. અંગ્રેજો બલૂચિસ્તાનમાં રહી જવાના હોય તો ભારતીય ઉપખંડમાં આઝાદીનો કોઈ અર્થ નહીં સરે. થોડા વર્ષો પહેલાં ચીને આ વિસ્તારમાં ચીન પાકિસ્તાન આર્થિક કૉરિડોર બનાવવા માટે લગભગ 60 અબજ ડૉલરનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો હતો.

ચીન માટે ગ્વાદર બંદર અરબ સમુદ્ર સુધી પહોંચવાનો માર્ગ છે. દક્ષિણી ચીન સમુદ્ર ચીન માટે ક્યારેય મુશ્કેલીગ્રસ્ત બને ત્યારે ગ્વાદર બંદરેથી ઓઈલ અને બીજા માલસામાનની હેરફેરનો વિકલ્પ રહે છે. એક બીજો રસ્તો બર્મામાં થઈને પણ જાય છે. ચીનની યોજના છે કે અહીં એક કૉરિડોર બનાવવો, જેથી પોતાનો માલસામાન કારાકોરમ હાઇવેથી ગિલગિટ બાલ્ટિસ્તાન થઈને ગ્વાદર બંદર સુધી પહોંચે. અહીં મોટા પાયે રોકાણનું વચન અપાયું હતું, પણ વાસ્તવમાં હજી બહુ મોટું રોકાણ થયું નથી. મુશ્કેલી એ થઈ છે કે તેમણે ગ્વાદરમાં રહેતા માછીમારોને પકડીને હાંકી કાઢ્યા છે. તેનો ભારે વિરોધ થયો છે. અહીં સૌથી મોટી સમસ્યા પાણીની છે. પીવાનું પાણી પણ અહીં મળતું નથી. ત્યાંના લોકો કહે છે કે ચોરી થાય ત્યારે સૌ પ્રથમ પીવાનું પાણી ભરેલા વાસણની ચોરી થાય છે.

આ સમસ્યાનો ઉકેલ લાવવાની કોઈ કોશિશ થઈ નથી અને બલૂચિસ્તાનને વિશ્વાસમાં લેવાયું નથી. બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાનનું કહેવું છે કે આ તેમનો વિસ્તાર ખરો, પણ અહીં શું થાય છે તેની અમને જ ખબર પડતી નથી. બલૂચીઓને ચિંતા છે કે અહીં 50 લાખ ચીની આવીને વસી જશે તો તેમની બહુમતી થઈ જશે. તે પછી બલૂચીઓ ક્યાં જશે? તેઓ પોતાના જ વિસ્તારમાં લઘુમતી બનીને રહી જશે. જો કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહ ચરમસીમાં એ પહોંચી ગયું છે. તેનું કારણ એ છે કે, પાકિસ્તાનના અત્યાચારમાં સતત વધારો થઇ રહ્યો છે.

બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડવા માટે બલૂચ લિબરેશન ફ્રન્ટ, બલૂચ લિબરેશન આર્મી, બલૂચ રિપબ્લિકન ગાર્ડ, બલૂચ લિબરેશન ટાઈગર્સ, બલૂચ નેશનાલિસ્ટ આર્મી અને યુનાઇટેડ બલૂચ આર્મી નામનાં સંગઠનો હાલમાં સક્રિય છે. આ સંગઠનોમાંથી BLA, BLF અને BRGએ ‘બ્રાસ’ નામનું સંયુક્ત સંગઠન બનાવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)એ પાકિસ્તાન સેના પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. છેલ્લા એક મહિનામાં પાકિસ્તાન આર્મી કેમ્પ, પોસ્ટ, વાયુસેના અને નૌકાદળ સહિત દરેક દળ પર 191થી વધુ હુમલા કરવામાં આવ્યા હતા. આમાં 177 સૈન્ય સૈનિક માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

Most Popular

To Top