SURAT

ખજોદ ડિસ્પોઝલ સાઇટની આગ એ તંત્રની બેદરકારીનો કાળો ધુમાડો ઉઘાડ્યો

સુરત જિલ્લામાં ખજોદ વિસ્તારમાં આવેલા ડિસ્પોઝલ સાઇટ પર ભભૂકી ઉઠેલી આગે એક વખત ફરી તંત્રની બેદરકારીને ખુલ્લેઆમ બહાર પાડી છે. આગ એટલી વિકરાળ બની ગઈ કે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા અને આસપાસના વિસ્તારોમાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો. સ્થાનિક લોકોમાં ભય અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે.

આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે તરત જ દોડી આવી આગ પર કાબૂ મેળવવા માટે ભારે મહેનત શરૂ કરી દીધી હતી, પરંતુ સવાલ એ છે કે આ આગ લાગી જ કેમ? શું આ માત્ર અકસ્માત છે કે પછી કોઈ મોટી બેદરકારીનું પરિણામ? છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત કચરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે સ્પષ્ટ કરે છે કે સમસ્યા ઊંડે સુધી વેરાઈ ગઈ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ડિસ્પોઝલ સાઇટ પર યોગ્ય દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા નથી. કચરાના ઢગલા સમયસર નિકાલ ન થતા, તેમાં સ્વયંભૂ આગ લાગવાની શક્યતા વધી જાય છે. પરિણામે પર્યાવરણ પ્રદૂષણમાં વધારો થાય છે અને આસ પાસના રહેવાસીઓના આરોગ્ય પર ગંભીર અસર પડે છે.

તંત્ર માટે હવે આ માત્ર એક ઘટના નથી, પરંતુ ચેતવણી છે. જો સમયસર કડક પગલાં નહીં લેવાય, તો આવી ઘટનાઓ ફરી ફરી બનતી રહેશે. જવાબદારી નક્કી કરવી, યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવી અને કચરા વ્યવસ્થાપન માટે લાંબા ગાળાની યોજના બનાવવી અનિવાર્ય બની ગઈ છે. આખરે, લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે , શું દરેક વખતે આગ લાગે પછી જ તંત્ર જાગશે? કે પછી કોઈ કાયમી ઉકેલ લાવી આ સમસ્યાને મૂળમાંથી દૂર કરવામાં આવશે? હવે નિર્ણય તંત્રના હાથમાં છે.

Most Popular

To Top