Gujarat

ગુજરાતમાં દેશની પ્રથમ ડિજિટલ ચલણ આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ થશે

ગાંધીનગર: ગુજરાત જાહેર વિતરણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું ભરવા જઈ રહ્યું છે. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ થશે. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોષી અને નાયબ મુખ્યમંત્રી હર્ષઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિકૃત ડિજિટલ ચલણના ઉપયોગથી જાહેર વિતરણમાં સહાયની રકમ સીધી જ લાભાર્થીના ડિજિટલ વોલેટમાં ટોકન સ્વરૂપે જમા થશે. તેમાં અનાજનું નામ, વજન અને કિંમતની સંપૂર્ણ માહિતી રહેશે. ઓળખ આધારિત પદ્ધતિથી સ્માર્ટફોન ધરાવતા લાભાર્થી ક્યુઆર કોડ દ્વારા અને સામાન્ય મોબાઈલ ધરાવતા લાભાર્થી એકવાર ઉપયોગી પાસકોડથી અનાજ મેળવી શકશે. પ્રાયોગિક તબક્કામાં અમદાવાદના સાબરમતી ઝોન સહિત સુરત, આણંદ અને વલસાડના ૨૬,૩૩૩ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે.

1 કિલોના સીલબંધ પેકમાં કઠોળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના પરિવારોને તુવેરદાળ અને ચણાનું વિતરણ હવે ૧ કિલોના સીલબંધ પેકમાં કરવામાં આવશે, જેથી ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે.

‘અન્નપૂર્તિ’ અનાજ યંત્રનો પ્રારંભ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ૨૪ કલાક કાર્યરત ‘અન્નપૂર્તિ’ અનાજ યંત્ર શરૂ કરાશે. માત્ર થોડા સેકન્ડમાં ૨૫ કિલો સુધી અનાજ મેળવવાની સુવિધા મળશે, જે વિતરણ વ્યવસ્થામાં ગતિ અને ચોકસાઈ લાવશે.

ગ્રાહક હિત માટે નવી વ્યવસ્થા
ગ્રાહક હિતોના સંરક્ષણ માટે મૂલ્યાંકન સંસ્થા ‘કેર રેટિંગ’ અને Consumer Education and Research Centre સાથે સમજૂતી કરાર થશે. તેના દ્વારા ‘ગ્રાહક જવાબદારી સૂચકાંક’ તૈયાર થશે અને ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે પૂર્વ-વિવાદ સમાધાન પદ્ધતિ અમલમાં આવશે.

‘ગરિમા પોષણ’ અભિયાન
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં કુપોષણ મુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમના સામાજિક દાયિત્વ ફંડમાંથી રૂ. ૧.૬૫ કરોડ ખર્ચી બે આદર્શ આંગણવાડીઓની સ્થાપના તથા કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. રાજ્ય સરકારના આ નવા પ્રકલ્પો જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, આધુનિક અને લાભાર્થી કેન્દ્રિત બનાવશે તથા છેવાડાના માનવી સુધી સુવિધાઓ સરળતાથી પહોંચાડવાના દિશામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

Most Popular

To Top