સુરત: આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક માર્કેટમાં એલ્યુમિનિયમ, સ્ટીલ, પિત્તળ અને કોપરના ભાવો આસમાને પહોંચતા વાસણોની કિંમત બમણી થઈ છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ આયાતી રો-મટિરિયલની કિંમતો વધવા ઉપરાંત ઊંચો જીએસટી દર, કોરોના અને યુક્રેન-રશિયા યુદ્ધને લીધે વાસણોની ખરીદી સામાન્ય મધ્યમ વર્ગ, ગરીબોની પહોંચ બહાર ગઈ છે.બીજી તરફ આ ધાતુઓના સ્ક્રેપના ભાવ વધતા એની પણ અસર વાસણોની કિંમતો પર જોવા મળી રહી છે. કિંમતો ટૂંકા ગાળામાં બમણી થઈ જતાં વેપાર માત્ર લગ્નસરાની સિઝન પૂરતો રહી ગયો છે એ સિવાયના દિવસોમાં માંડ 10 ટકા વેપાર રહ્યો છે. કિંમતોની અસર નફાના માર્જિન પર પણ વર્તાઈ રહી છે. છેલ્લા ક્વાર્ટરમાં ભાવો ખૂબ વળતાં આ ઉદ્યોગની 60થી 90 દિવસની ક્રેડિટ સિસ્ટમ 15થી 20 દિવસની થઈ ગઈ છે. નાના વેપારીઓ એડવાન્સ સામે માલ આપી રહ્યાં છે.
કોરોનાને લીધે પેમેન્ટ અટકી ગયા હતાં. એની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. એલ્યુમિનિયમ જે કિલોએ 250 રૂપિયાનો ભાવ હતો તે 340 થી 380 ક્વોલિટી ગેજ મુજબ થઈ ગયો છે. 325 રૂપિયે કિલો સ્ટીલનો ભાવ 450 થી 500, કોપરનો ભાવ કિલોએ 650 હતો એ 1200 થી 1500 ચાલી રહ્યો છે. પિત્તળ 550થી વધી 1000 રૂપિયે કિલો થયું છે. કોરોના પછી યુપી, એમપી અને ઓડીશાના કારીગરોની અછતને લીધે પ્રોડકશન પણ ઘટ્યું છે. સુરતમાં 750 થી 1000 જેટલી નાની.મોટી વાસણોની દુકાનો છે.જ્યાં વાસણોના વધુ પડતા ભાવોને લીધે ગ્રાહકો ગાયબ છે.સુરતમાં વાસણો મુંબઈ,દિલ્હી, ચેન્નાઇ,કાનપુર,મુરાદાબાદથી આવે છે. સ્ટીલના ડબ્બા, તપેલા, થાળી વાટકા મુંબઈથી,મગ, જગ, બરણી, કિટલી, બાઉલ ચેન્નાઇ અને દિલ્હીથી અને તાંબા પિતળના હેરિટેજ વાસણો યુપીના મુરાદાબાદથી આવે છે.વેપાર ઘટતા વાસણોની દુકાનો બંધ પડવાનું પણ શરૂ થયું છે.નાના દુકાનદારો વર્કિંગ કેપિટલ માટે કેશ ઓન હેન્ડ વાસણો વેચી રહ્યાં છે.