Trending

કોરોનાકાળ આ ઉદ્યોગપતિઓને ખુબ ફળ્યો : રિપોર્ટ

દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે : અમીર અને ગરીબ. આ બંને વર્ગ વચ્ચે ઊંડી ખાઈ છે. કોરોનાકાળ દરમિયાન આ ખાઈ ઓર ઊંડી થઈ છે. હાલમાં ઓક્સફામ સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલો ‘ધ ઇનઇક્વાલિટિ વાઇરસ રિપોર્ટ’ એવું દર્શાવે છે કે ગૌતમ અદાણી, શિવ નાદાર, સાઇરસ પૂનાવાલા, ઉદય કોટક, અઝીમ પ્રેમજી, સુનીલ મિત્તલ, મુકેશ અંબાણી, રાધાક્રિષ્નન દામાની અને કુમાર મંગલમ્ બિરલા જેવા સોથી વધુ ઉદ્યોગપતિઓની આવક 35 ટકા વધી છે! આની સામે આમ આદમીનું ચિત્ર જોઈએ તો લોકડાઉન દરમિયાન આપણા જ દેશમાં 12.5 કરોડ નોકરીઓ ગઈ, તેમાંથી ઇનફોર્મલ સેક્ટરની નોકરીઓ 9.5 કરોડની આસપાસ હતી. એક બાજુ કરોડોની સંખ્યામાં નોકરીઓ જઈ રહી હતી ત્યારે બિલિયોનર્સની સંપત્તિમાં અકલ્પનીય વધારો નોંધાઈ રહ્યો હતો. આધુનિક વ્યવસ્થા અને ટેકનોલોજીએ એ દોર લાવી દીધો છે કે માલેતુજોરોની સંપત્તિ રોકેટગતિએ આગળ વધતી જ રહે. લોકડાઉન દરમિયાનના આવેલા આ રિપોર્ટે એ સાબિત કરી આપ્યું છે.

2020ના ભારતના ટોપ ટેન રિચેસ્ટ પર્સન એક વર્ષમાં વધેલી આવક ટકાવારીમાં

મુકેશ અંબાણી 73 ટકા
હિંદુજા બ્રધર્સ – 23 ટકા
શિવ નાદર – 34 ટકા
ગૌતમ અદાણી – 48 ટકા
અઝીમ પ્રેમજી -2 ટકા
સાયરસ પુનાવાલા – 6 ટકા
રાધાક્રિષ્નન દામાણી – 56 ટકા
ઉદય કોટક – 8 ટકા
દિલીપ સંઘવી – 17 ટકા
સાયરસ મિસ્ત્રી -1 ટકા

દેશ પ્રગતિના પંથે છે અને એકવીસમી સદીમાં તે સુપરપાવર બનવા જઈ રહ્યો છે, તેવું વર્તમાન સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે પરંતુ જ્યારે પણ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રિય સંસ્થાના અભ્યાસપૂર્ણ અહેવાલ આવે છે તો તેમાં ભારતની પીછેહઠ દેખાતી રહે છે. થોડા સમય અગાઉ જ લોકશાહીમાં ભારતની પીછેહઠનું આવી રીતે જ એક અભ્યાસમાં તારણ આવ્યું હતું. હવે જગવિખ્યાત ઓક્સફામ સંસ્થાનો પણ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં અસામનતા વધી રહી છે. ઓક્સફામ સંસ્થા 20 જુદી જુદી ચેરિટેબલ સંસ્થાઓનું એક જૂથ છે. વિશ્વમાં ગરીબી ઘટે તે માટેના પ્રયાસરૂપે ઇંગ્લેન્ડમાં 1942માં આ સંસ્થા સ્થપાઈ હતી. આ રિપોર્ટમાં માત્ર ભારતની અસમાનતાની વાત નથી. વિશ્વભરમાં અસમાનતાથી કેવી સ્થિતિ સર્જાઈ છે તે પણ આ રિપોર્ટ દર્શાવે છે.

આ રિપોર્ટમાં તટસ્થ ચિત્ર રજૂ થઈ શકે તે માટે ઓક્સફામ દ્વારા વિશ્વના 79 દેશોના 295 અર્થશાસ્ત્રીઓને અભ્યાસમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં અમેરિકાના જાણીતા અર્થશાસ્ત્રી જેફ્રી સાચ્સ, ભારતના જયતિ ઘોષ અને ફ્રેન્ચના ગેબ્રિયલ ઝુકમેન પણ છે. આ પૂરા રિપોર્ટમાં જે પ્રાથમિક તારણો દર્શાવ્યાં છે તે મુજબ વિશ્વના 1000 જેટલા બિલિયોનર્સની સંપત્તિ કોરોના અગાઉની સ્થિતિએ પહોંચવા માટે માત્ર નવ મહિનાનો જ ગાળો લાગ્યો છે, જ્યારે ગરીબોએ પોતાની સ્થિતિ પૂર્વવત્ કરવા માટે ઓછામાં ઓછા એક દાયકા સુધી રાહ જોવી પડશે! મતલબ કે દસ વર્ષ સુધી કાળી મજૂરી કરવી પડશે, ત્યારે તેઓ પોતાનું જીવન કોરોના પૂર્વે જેવું કરી શકશે. વિશ્વના ટોપ ટેન રિચેસ્ટ પર્સન કોરોના કાળમાં એટલી સંપત્તિ અર્જિત કરી ચૂક્યા છે કે તેમની તેટલી આવકથી વિશ્વના દરેક વ્યક્તિને વેક્સિન આપીને વાઇરસથી સુરક્ષિત કરી શકાય. આ અસમાનતા વધી છે તેમાં બાર કરોડ મહિલાઓ પર પોતાની આવક ગુમાવવાનું જોખમ પણ ઊભું થયું છે. એ જ પ્રમાણે શ્વેત સામે, અશ્વેતો સામે કેવું જોખમ ઊભું થયું છે તે પણ રિપોર્ટમાં ફલિત થાય છે. જેમ કે, કોરોના કાળ દરમિયાન બ્રાઝિલમાં આફ્રિકી મૂળના અશ્વેતોનો મૃત્યુ દર શ્વેત લોકો જેટલો જ રહ્યો હોત તો આજે 22,000 આફ્રિકી મૂળના અશ્વેતો મૃત્યુને ભેટ્યા ન હોત. કોરોનામાં અસમાનતા કેમ વધી તેનાં કારણો જ આ રિપોર્ટમાં નથી બલકે હવે આ અસમાનતાની કટોકટી સામે લડવું હોય તો તેનો પણ ઉકેલ આપે છે. રિપોર્ટમાં ટાંક્યા મુજબ વર્લ્ડ બેન્ક દ્વારા ગણતરી માંડવામાં આવી છે કે જો અસમાનતાને નાથવા માટે ફોકસ થઈને સરકાર દ્વારા કામ થાય તો ત્રણ વર્ષમાં જ કોરોના પૂર્વે અસમાનતા હતી, તેટલી લાવી શકાય. જો કે આવું થશે નહીં કારણ કે વ્યાપક અનુભવ મુજબ ગરીબોની તરફેણમાં આવા ચમત્કાર થતા નથી.

રિપોર્ટના એક હિસ્સામાં ‘કોરોના વાઇરસ ઇઝ મેકિંગ રિચ પિપલ રિચર’ આ મથાળા હેઠળ જે લખાયું છે, તે મુજબ : “માર્ચ 2020માં વિશ્વનાં સ્ટોક માર્કેટ સદીની સૌથી ખરાબ સ્થિતિમાં આવી ચૂક્યાં હતાં. સ્ટોક માર્કેટ તૂટી પડ્યા તેમાં અબજો રૂપિયાનું ધોવાણ થયું. જો કે કોરોના દરમિયાન અને પછી સ્ટોક માર્કેટ રિકવર થતાં ગયાં અને તે સાથે મોટા ભાગના બિલિયોનર્સ જેમની સંપત્તિ સ્ટોક માર્કેટમાં છે, તેઓની સંપત્તિ વધવા માંડી. વિશ્વના આ 1000 બિલિયોનર્સમાં મહદંશે શ્વેત લોકોનું વર્ચસ્વ છે. આ રીતે માત્ર બિલિયોનર્સ પોતાની સંપત્તિ જેટલી હતી તે નવ મહિનામાં જ હાંસલ કરી ચૂક્યા. 2008માં જ્યારે વૈશ્વિક મંદી આવી હતી ત્યારે બિલિયોનર્સને પોતાની મૂળ સંપત્તિ સુધી પહોંચવા માટે પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આવું થવાનું મુખ્ય કારણ વિશ્વની મુખ્ય બેન્કોએ સ્ટોક માર્કેટમાં જંગી નાણાં રોક્યાં તે હતું. આ ઉપરાંત સરકારે પણ આર્થિક બાબતોને ગતિ આપવા માટે સારા એવા પ્રયાસ કર્યા.”
ઓક્સફામની જેમ હુરુન ગ્લોબલ રિચલિસ્ટ દ્વારા પણ એક અભ્યાસ થયો છે અને તેમાં પણ ભારતીય બિલિયોનોર્સની કોરોનાકાળમાં ચાંદી થઈ છે તેવાં તારણો આવ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે હુરુનના લિસ્ટ મુજબ કોરોના સમય દરમિયાન અંદાજે 40 ભારતીયોએ બિલિયોનર્સ ક્લબમાં એન્ટ્રી મારી છે. આ લિસ્ટ મુજબ મુકેશ અંબાણીનો દાખલો લઈએ તો તેમની વેલ્થમાં પચ્ચીસ ટકા જેટલો વધારો નોંધાયો છે અને તેઓએ વિશ્વના ટોપ ટેન રિચેસ્ટ પર્સનમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. એ જ પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિ 2020ના વર્ષમાં 32 બિલિયન યુએસ ડોલર જેટલી વધી છે અને તેઓ વિશ્વના સૌથી સંપત્તિવાનોની યાદીમાં વીસ પાયદાન આગળ વધ્યા છે અને 48મા ક્રમે આવી ચૂક્યા છે.

આ યાદીમાં અગત્યનાં નામો જે દેખાય છે તેમાં એક છે રાધાક્રિષ્નન દામાણી. ગ્રોસરી સ્ટોર ચલાવતાં ડિ માર્ટ કંપનીના તેઓ ચેર પર્સન છે. લોકડાઉન આવ્યું ત્યારે સૌથી વધુ દોડધામ કરિયાણાની વસ્તુને લઈને થઈ અને તે દરમિયાન ડિ માર્ટનો બિઝનેસ ખૂબ વધ્યો. આ કારણે રાધાક્રિષ્નન દેશના ટોપ ફાઈવ સંપત્તિવાનમાં સામેલ થઈ ચૂક્યા છે. એચસીએલ નામની આઈટી કંપની ધરાવતાં શિવ નાદાર પણ કોરોના દરમિયાન પોતાની સંપત્તિમાં 27 બિલિયન યુએસ ડોલર વધારો કરી શક્યા છે. સ્કેલર કંપનીના જય ચૌધરી, મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા અને અઝીમ પ્રેમજી પણ છે. બિલિયોનરની ક્લબમાં જે ચાળીસ ઉદ્યોગપતિઓએ એન્ટ્રી મારી છે, તેમાં કેટલાંકના નામો જોઈએ તો તેમાં સૌ પ્રથમ ધ્યાને ચઢે તેવું નામ રુનાવલ ડેવલપર્સના રુનાવલ પરિવાર અને સુભાષ રુનાવલ છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્ય કરતી રુનાવલ કંપની સિંગાપોરમાં અનેક મોલની માલિકી પણ ધરાવે છે. સુભાષ રુનાવલે મુંબઈમાં મધ્યમ વર્ગ માટે કિફાયતી દામે ઘર નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું છે અને આ દિશામાં તેઓ સારું એવું કામ કરી શક્યા છે. 6800 કરોડનીની નેટવર્થ ધરાવતી કંપની ઇન્ડો એમઆઈએમના માલિક ક્રિષ્ના ચિવુકુલા પણ પ્રથમ વાર બિલિયોનર ક્લબમાં સામેલ થયા છે. મેટલ મોલ્ડિંગમાં જે પાર્ટસનો ઉપયોગ થાય તેના સપ્લાય માટે ઇન્ડો-એમઆઇએમ જાણીતી કંપની છે. ક્વેસ્ટ ગ્લોબલના અજિત પ્રભુ, અનલેઝર વેન્ચર્સના રોની સ્ક્રુવાળા, ઓકનોર્થના કો ફાઉન્ડર રિશી ખોસલા, આઈગેટના સુનીલ વાઢવાણી અને અશોક ત્રિવેદી, અલ્કી એમિનેસ કેમિકલના યોગેશ કોઠારી, હેપ્પીએસ્ટ માઇન્ડના અશોક સૂતા જેવાં નામો બિલિયોનરની ક્લબમાં નવાસવા યાદીમાં આવ્યાં છે.

કોરોના દરમિયાન શ્રીમંતો વધુ શ્રીમંત થયા તેમ ગરીબોની સ્થિતિ વધુ કથળી અને તે અંગે પણ ઓક્સફામનો રિપોર્ટ પ્રકાશ પાડે છે. દક્ષિણ અને પૂર્વ એશિયામાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે, જ્યાં અંદાજે ચાર કરોડ લોકોએ કાયમ માટે પોતાની નોકરી ગુમાવી છે, જ્યારે અહીંયા જ પાંચ કરોડથી વધુ લોકો અચાનક ગરીબી રેખાની નીચે આવી ગયાં છે. વિશ્વનું હાલનું ચિત્ર જોઈએ તો પૃથ્વી પર વસતાં અડધાથી વધુ લોકો દિવસના માત્ર 2થી 10 ડોલરમાં પોતાનું જીવન ગુજારે છે.

આંતરરાષ્ટ્રિય સ્તરના આ રિપોર્ટ અને આપણી આસપાસની સ્થિતિ જોઈએ તો કોરોનાએ શ્રીમંતોને આબાદ કર્યાના દાખલા મળે છે જ્યારે તેની માઠી અસર હંમેશાં પિસાનારા ગરીબવર્ગ પર જ પડી છે. અલ્ટીમેટલી તો એવું લાગે છે કે બે છેડા ભેગા કરનારાં લોકો સાથે કુદરત પણ અન્યાય કરતી આવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top