જેને વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાવવામાં આવી રહી છે તેવી ભારત દેશની લોકશાહી પર અનેક આક્ષેપો થયા છે અને થઈ રહ્યા છે. ભારતના બંધારણમાં ઈમજરન્સી દાખલ કરવાની પણ જોગવાઈ છે. ભૂતકાળમાં કોંગ્રેસના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દાખલ કરી હતી. હાલમાં નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા અઘોષિત ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જવામાં આવી હોવાના આક્ષેપો વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારતના લોકોની માન્યતા અલગ છે. ભારતના 77 ટકા લોકો એવું માને છે કે ભારતની લોકતાંત્રિક વ્યવસ્થા બરાબર છે. તેઓ આનાથી સંતુષ્ટ છે. જ્યારે જેને હાલમાં શક્તિશાળી અને મહાસત્તા સમાન દેશ ગણવામાં આવે છે તેવા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા બરાબર છે કે કેમ? તેવું માનનારા વ્યક્તિઓની ટકાવારી ભારતના પ્રમાણમાં ઓછી છે.
તાજેતરમાં પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા આ અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આ સેન્ટરમાં રહેલા અમેરિકન થિંક ટેન્કએ વિશ્વના 31 જેટલા શક્તિશાળી દેશનો સરવે કર્યો હતો. આ સરવેના આંકડાઓ પ્રમાણે બીજા ક્રમે ભારત છે. આ રિપોર્ટએ એ પણ બતાવી આપ્યું છે કે, ભારતની લોકશાહી પર આંગળી ચિંધતા વિશ્વના અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની હાલત ભારતની સરખામણીમાં વધુ ખરાબ છે.
આ દેશો એવા છે કે જેની અડધાથી પણ વધુ વસ્તી જે તે દેશની લોકશાહીથી નારાજ છે. જો અમેરિકાની વાત કરવામાં આવે તો માત્ર 31 ટકા અમેરિકન જ ત્યાંની લોકશાહીની વ્યવસ્થાથી સંતુષ્ટ છે. જ્યારે 68 ટકા લોકો અમેરિકાની લોકશાહીની વ્યવસ્થાથી અસંતુષ્ટ છે. આ જ રીતે કેનેડામાં 52 ટકા લોકો લોકશાહીથી સંતુષ્ટ છે અને 46 ટકા લોકો અસંતુષ્ટ છે. ઉત્તર અમેરિકાના મેક્સિકો દેશની અડધી વસ્તી તેની લોકશાહીથી સંતુષ્ટ છે. પરંતુ દક્ષિણ અમેરિકાના દેશોની હાલત આ મામલે વધુ ખરાબ છે.
પેરૂ દેશમાં તો માત્ર 11 ટકા લોકો જ તેની લોકશાહીની વ્યવસ્થાથી ખુશ છે. જ્યારે 89 ટકા લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોલંબિયામાં પણ માત્ર 21 ટકા લોકો જ સંતુષ્ટ છે. જ્યારે બાકીના 79 ટકા લોકો નાખુશ છે. ચિલીની વાત કરવામાં આવે તો ચિલી દેશમાં પણ માત્ર 30 ટકા લોકો જ સંતુષ્ટ છે. જ્યારે 66 ટકા લોકો અસંતુષ્ટ છે. બ્રાજિલ અને આર્જેન્ટિનામાં 54 ટકા લોકો સ્થાનિક લોકશાહીની વ્યવસ્થાથી સંતુષ્ટ છે. જો યુરોપની વાત કરવામાં આવે તો યુરોપમાં પણ મોટાભાગના દેશના લોકો સ્થાનિક લોકતાંત્રિક વ્યવસ્થાથી નાખુશ છે. બ્રિટનમાં 60 ટકા લોકોને ત્યાંની લોકશાહી ગમતી નથી. આજ રીતે ફ્રાંસમાં 65, ઈટાલીમાં 67, ગ્રીસમાં 78 ટકા લોકો લોકશાહીથી અસંતુષ્ટ છે. યુરોપમાં સ્વીડનમાં 75 ટકા લોકો લોકશાહીથી ખુશ છે. જ્યારે નેધરલેન્ડમાં 58 ટકા, જર્મનીમાં 55 ટકા લોકો ત્યાંની લોકશાહીથી ખુશ છે.
અમેરિકા અને યુરોપ બાદ જો એશિયાની વાત કરવામાં આવે તો સિંગાપોર દેશમાં મોટાભાગના લોકો ત્યાંની લોકશાહીની વ્યવસ્થાથી ખુશ છે. એટલે કે 80 ટકા લોકો સંતુષ્ટ છે. જ્યારે માત્ર 19 ટકા લોકોને જ ત્યાંની લોકશાહી ગમતી નથી. ભારતમાં 77 ટકા લોકોને લોકશાહી ગમે છે. જ્યારે થાઈલેન્ડમાં 64 ટકા, ફિલિપાઈન્સમાં 57 ટકા અને મલેશિયામાં 51 ટકા સ્થાનિક લોકતાંત્રિક વ્યવસ્થાથી સંતુષ્ટ છે. જોકે, આ મામલે શ્રીલંકા, દક્ષિણ કોરિયા અને જાપાનની હાલત સૌથી વધુ ખરાબ છે. શ્રીલંકામાં તો 58 ટકા લોકો ત્યાંની લોકશાહીના વિરોધમાં છે. જ્યારે દક્ષિણ કોરિયામાં આ જ આંકડો 63 ટકા અને જાપાનમાં 67 ટકાનો છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ પ્રમાણે, તાજેતરની કોરોનાની મહામારી બાદ લોકોનો જે તે દેશની લોકશાહીની વ્યવસ્થા સામે રોષ વધ્યો છે. કોરોના પહેલા બ્રિટનની 60 ટકા વસતી લોકશાહીથી ખુશ હતી તે હવે ઘટીને 39 ટકા થઈ ગઈ છે. જ્યારે 2021માં કેનેડાની 66 ટકા વસતી લોકશાહીથી સંતુષ્ટ હતી પરંતુ હવે તેમાં ઘટાડો થઈને તે 52 ટકા થઈ ગઈ છે. આ જ રીતે કોરોના બાદ જર્મનીમાં પણ લોકશાહીથી સંતુષ્ટ લોકોની ટકાવારી 66થી ઘટીને 55 અને અમેરિકામાં 41 ટકાથી ઘટીને 30 ટકા થઈ ગઈ છે. જોવા જેવી વાત એ છે કે મહામારીએ જે તે દેશની સરકારો પરનો લોકોનો ભરોસો ઘટાડ્યો છે. જે પરત આવતા વાર લાગશે તે ચોક્કસ છે. ભારતમાં લોકોનો હજુ લોકશાહી પર વિશ્વાસ જળવાયેલો રહ્યો છે. જોકે, સરકારો દ્વારા પોતાની કામગીરીમાં ધ્યાન રાખવામાં નહીં આવે તો અન્ય દેશોની જેમ ભારતમાં પણ લોકોનો લોકશાહી પરનો ભરોસો ઘટશે તે નક્કી છે.