છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવોમાં ભારે તેજી જોવા મળી રહી છે. માત્ર સાત જ માસમાં સોનાનો ભાવ 1000 ડોલર સુધી વધી ગયો. તા.8મી સપ્ટેમ્બરના રોજ સોનાનો ભાવ 1.25 લાખ અને ચાંદીનો ભાવ 1.56 લાખની આસપાસ જોવા મળ્યો હતો. સોનું અને ચાંદી, બંને ધાતુમાં તેજીને કારણે ભાવો નવા નવા વિક્રમો સર્જી રહ્યા છે અને તેને કારણે ઈન્વેસ્ટરોને ફાયદો થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ જરૂરીયાતવાળા વર્ગને ચિંતા થઈ રહી છે કે ભવિષ્યમાં સોનાનો ભાવ એટલી હદે વધી જશે કે તેને ખરીદી શકાશે કે કેમ? બુલિયન માર્કેટમાં જે રીતે ચાંદી અને ખાસ કરીને સોનાનો ભાવ વધી રહ્યો છે તેણે કેટલીક ચિંતાઓ પણ ઉભી કરી છે. સોનાનો ભાવ વધારો હવે એક જોખમના લેવલે પહોંચી ગયો છે અને ગમે ત્યારે તેનો ફુગ્ગો ફુટે તેવી સંભાવના જોવાઈ રહી છે.
સોનાના ભાવોમાં થઈ રહેલો વધારો કેટલો ઝડપી છે તે જોવામાં આવે તો માર્ચ 2008માં સોનાનો ભાવ પ્રતિ ઔંશ 1000 ડોલર હતો. 2020માં આ ભાવ વધીને 2000 ડોલર અને માર્ચ 2025માં 3000 ડોલર થઈ ગયો હતો. જ્યારે હાલમાં માત્ર સાત જ માસમાં સપ્ટેમ્બરમાં સોનાનો ભાવ 4000 ડોલર થઈ ગયો છે. એટલે કે એક ગ્રામ સોનાનો ભાવ 130 ડોલર થઈ ગયો છે. એટલે કે ભારતમાં સોનાનો ભાવ 8મી સપ્ટેમ્બરે પ્રતિ 10 ગ્રામે રૂપિયા 1,25,970 નોંધાયો હતો.
જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 1,56,300 નોંધાયો હતો. એક જ દિવસમાં સોનામાં પ્રતિ ગ્રામ 1470 અને ચાંદીમાં પ્રતિ કિલોએ 3300નો વધારો જોવા મળ્યો છે. આ વધારા સાથે સોનાના બિસ્કિટ એટલે કે 100 ગ્રામનો ભાવ 12,59,700 બોલાયો હતો. એવું માનવામાં આવે છે કે અમેરિકામાં શટડાઉન અને નબળી પડેલી આર્થિક સ્થિતિને જોતાં વિશ્વ માર્કેટમાં બેંકો દ્વારા મોટાપાયે સોના અને ચાંદીની ખરીદી કરવામાં આવી રહી છે. જેને કારણે સોના અને ચાંદીના ભાવોમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે.
આમ તો બજારમાં એવી ચર્ચા છે કે આગામી દિવસોમાં પણ આ બંને કિંમતી ધાતુમાં ભાવોની નવી સપાટી જોવા મળશે પરંતુ સાથે સાથે એ મોટો ભય પણ સતત ઝળુંબી રહ્યો છે કે ગમે ત્યારે આ બંને ધાતુમાં મોટું કરેકશન પણ આવશે. છેલ્લા 50 વર્ષોમાં ભુતકાળમાં સોનામાં 1980ના દાયકાની શરૂઆતમાં જ સોનાના ભાવોમાં મોટો વધારો જોવા મળ્યો હતો. નવા વિક્રમો સર્જાયા હતા પરંતુ ત્યારબાદ સતત 20 વર્ષ સુધી સોનામાં મંદીનો માહોલ રહ્યો હતો.
છેલ્લે ઓક્ટોબર 2008માં આર્થિક કટોકટી અને મંદીને કારણે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ ધીરેધીરે ભાવો વધતા રહ્યા હતા. 2008માં તો સોનામાં એટલો ભાવ તૂટ્યો હતો કે તેને કારણે ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે ૧૬.૮%નું નુકસાન નોંધાવ્યું હતું. આ ઘટાડો વિકસિત બજારોમાં રોકાણકારો દ્વારા મંદીવાળા વેચાણને આભારી હતો જેઓ અન્ય નાણાકીય ક્ષેત્રોમાં નુકસાનને પહોંચી વળવા માટે સંપત્તિઓનું વેચાણ કરી રહ્યા હતા.
હાલમાં પણ ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતા જેવા પરિબળોને કારણે સોનાનો ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ તીવ્ર તેજી ટૂંકા ગાળાના નફા-વળતર અને ભાવમાં ઘટાડો તરફ દોરી શકે છે. અગાઉ જુલાઈ 202 માં ભારતમાં રૂ. 1 લાખથી નીચેનો તીવ્ર ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં પણ ગમે ત્યારે સોનાના ભાવો તૂટે તેવી સંભાવના છે ત્યારે રોકાણકારોએ સોનામાં સમજી વિચારીને રોકાણ કરવું અન્યથા મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે તે નક્કી છે.