બ્રિટિશરોની ગુલામીમાંથી દેશ ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે આઝાદ થયો, તેના પછી બંધારણ ઘડવાની કામગીરી શરૂ થઇ. એક લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્રના સંચાલન માટે અને તેને દીર્ઘકાળ સુધી માર્ગદર્શન આપવા માટે બંધારણ જરૂરી હતું. દેશના સદભાગ્યે આ બંધારણ ઘડવા માટે જે બંધારણ સભા રચાઇ તેમાં બહુ ઉત્કૃષ્ટ વિચારધારા ધરાવતા દીર્ઘદષ્ટા લોકો હતા અને ત્રણેક વર્ષની કવાયત પછી જે બંધારણ ઘડાયું તે આજે વિશ્વના લિખિત બંધારણ ધરાવતા દેશોના સૌથી શ્રેષ્ઠ બંધારણોમાંનું એક ગણાય છે.
બંધારણ રચાયા બાદ દેશે બંધારણ કે સંવિધાન સ્વીકાર્યું તેને ૭પ વર્ષ પુરા થઇ રહ્યા છે અને માટેની એક વર્ષ ચાલનારી ઉજવણી ૨૬મી નવેમ્બરથી શરૂ થઇ ગઇ છે. આ ઉજવણીનો આરંભ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકથી થયો. આ બેઠકને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું, વડાપ્રધાન સહિતના નેતાઓએ પણ કર્યું અને તે સાથે દેશભરમાં એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીઓનો આરંભ થયો છે. બંધારણને આટલું માન આપીને તેની ઉજવણી કરવી એ સારી બાબત છે પરંતુ તે સાથે જ તેના મૂલ્યોને રાજકીય અને જાહેર જીવનમાં ચરિતાર્થ કરવાનો પ્રયાસ થવો જોઇએ, જે યોગ્ય રીતે થતો નથી. પરંતુ હાલમાં આ વાત બાજુએ રાખીએ.
ભારતીય બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તે દેશના રાજકારણ અને જાહેર જીવનમાં બંધારણની સર્વોપરિતાને સ્થાપિત કરે છે. આપણા દેશમાં સંસદ સર્વોપરિ નથી પરંતુ બંધારણ સર્વોપરી છે, જે બંધારણ સંસદે રચ્યું નથી પણ ખાસ રચાયેલ બંધારણ સભાએ ઘડ્યું છે અને તેના આમુખમાંના જાહેરનામા સાથે લોકોએ તેને સ્વીકાર્યું છે. સંસદે બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર ચાલવાનું છે અને સંસદ પણ પોતાને બંધારણથી ઉપરવટ ગણાવી શકે નહીં. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ મંગળવારે યોગ્ય જ કહ્યું છે કે બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. સામાન્ય લોકોનું જીવન બહેતર બનાવવા માટે કારોબારી, સંસદ અને ન્યાયપાલિકાની એ ફરજ છે કે તેઓ બંધારણની ભાવનાને અનુરૂપ ભેગા મળીને કાર્ય કરે એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું.
દેશે બંધારણ સ્વીકાર્યું તેને ૭પ વર્ષ પુરા થવા પ્રસંગે યોજાયેલ આ ખાસ સમારંભને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે દેશના સ્થાપક દસ્તાવેજમાં દરેક નાગરિકની પાયાની ફરજો સ્પષ્ટપણે વર્ણવવામાં આવી છે, જે એના પર ભાર મૂકે છે કે દેશની એકતા અને અખંડિતાનું રક્ષણ કરવું, સંવાદિતાને પ્રોત્સાહન આપવું અને મહિલાઓની ગરિમા સુનિશ્ચિત કરવી. બંધારણના આદર્શોને કારોબારી, સંસદ અને ન્યાયતંત્રની અને સાથો સાથ નાગરિકોની સક્રિય ભાગીદારીથી બળ મળે છે એમ તેમણે કહ્યું હતું. જો કે તેમણે વર્તમાન સરકારની પ્રશંસા કરતા પણ કેટલાક વાક્યો કહ્યા હતા, અલબત્ત, આવું તો થતું રહે છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સંસદ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ઘણા કાયદાઓમાં લોકોની આકાંક્ષાઓ વ્યક્ત થાય છે અને છેલ્લા કેટલાક વર્ષમાં સરકારે સમાજના તમામ વર્ગો, ખાસ કરીને નબળા વર્ગોના વિકાસ માટે ઘણા પગલાઓ લીધા છે. આવા નિર્ણયોએ લોકોના જીવન સુધાર્યા છે અને તેમને વિકાસ માટેની નવી તકો પુરી પાડી રહ્યા છે એમ તેમણે કહ્યું હતું. મુર્મુએ એમ પણ કહ્યું હતું કે તેમને એ વાતની નોંધ લેતા આનંદ થાય છે કે સુપ્રીમ કોર્ટના પ્રયાસોથી દેશની ન્યાયપાલિકા ન્યાય પ્રણાલિને વધુ અસરકારક બનાવવા પ્રયાસો કરી રહી છે.
જૂના સંસદભવનના મધ્યસ્થ ખંડમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરતા તેમણે બંધારણને એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ ગણાવ્યો હતો. રાષ્ટ્પતિ મુર્મુએ કહ્યું હતું કે બંધારણે ભારતના લોકશાહી પ્રજાસત્તાકનો પાયો નાખ્યો છે અને દેશનું સામૂહિક અને વ્યક્તિગત ગૌરવ સુનિશ્ચિત કર્યું છે. જો કે પંડિત નહેરૂ સહિતના બંધારણના ઘડવૈયાઓને યાદ કરીને રાષ્ટ્રપતિએ તેમની પ્રશંસા કરી તે સારું થયું. મુર્મુએ કહ્યું હતું કે બંધારણ એક અર્થમાં દેશના કેટલાક સૌથી મહાન મસ્તિકોની ત્રણ વર્ષની ચર્ચા-વિચારણાઓનું પરિણામ છે, પણ તે ખરા અર્થમાં તે આપણા લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ છે.
સંસદમાં સંવિધાન દિવસના આ સમારંભની સાથે બંધારણની હીરક જયંતિની એક વર્ષ દેશભરમાં ચાલનારી ઉજવણીઓનો આજથી આરંભ થયો હતો. કેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પદયાત્રાઓ પણ કાઢી હતી. તો ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર બંધારણનું ઉલ્લંઘન કરવાના આક્ષેપો કર્યા હતા. જેમાં કોંગ્રેસ બંધારણ રક્ષક અભિયાન શરૂ કર્યું હતું તો ભાજપે બંધારણનો ખરો રક્ષક પોતે જ હોવાનો દાવો કર્યો હતો. બંધારણની હીરક જયંતિની ઉજવણીની સાથે જ આ સામસામી આક્ષેપબાજી અને કાદવ ઉછાળની રમત પણ શરૂ થઇ છે. આશા રાખીએ કે આવું વધારે નહીં થાય અને બંધારણના ૭પ વર્ષની ઉજવણી સુચારુ ઢબે થાય.