લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યા છતાં પણ ત્યારબાદની ચૂંટણીઓમાં કોંગ્રેસ તેવો દેખાવ કરી શકી નથી. કોંગ્રેસ માટે ખાટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસનું સંગઠન દિવસેને દિવસે નબળું પડી રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પક્ષનું સંગઠન મજબુત થાય તેવા કોઈ જ પ્રયાસો અત્યાર સુધી કરવામાં આવતા નહોતા. બીજી તરફ ભાજપ સહિતના વિપક્ષો દ્વારા કોંગ્રેસના સંગઠનને સતત નબળું પાડવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપે તો કોંગ્રેસના મોટાભાગના મજબુત નેતાઓને પોતાના પક્ષમાં લઈ લીધા છે અને સરવાળે ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસના સંગઠનની હાલત ‘હું બાવો અને મંગળદાસ’ જેવી થઈ ગઈ છે.
રાહુલ ગાંધીએ અગાઉ લોકસભામાં જોરશોરથી કહી દીધું હતું કે અમે મોદીને ગુજરાતમાં હરાવીશું, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનની હાલત એટલી નબળી છે કે હાલના તબક્કે ચૂંટણી થાય તો કોંગ્રેસ 25 બેઠકો જીતી શકે તેમ નથી. જોકે, રાહુલ ગાંધીએ લોકસભામાં પડકાર ફેંક્યો છે એટલે કોંગ્રેસે હવે ગુજરાતના મામલે સક્રિય થવા સિવાય છુટકો નથી. કોંગ્રેસને હવે જ્ઞાન લાધ્યું છે કે, પક્ષના સંગઠનને મજબુત બનાવવું જોઈએ. અને એ કારણે જ કોંગ્રેસ પાર્ટી 16 વર્ષના લાંબા અંતરાલ બાદ જિલ્લાની કોંગ્રેસ કમિટીઓને મજબુત કરવા માટે પગલાઓ લઈ રહી છે. એઆઈસીસીએ આખા દેશ 700 જેટલા જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખોની ત્રણ દિવસીય બેઠકનું આયોજન કરી રહી છે. આ બેઠક 27-28 માર્ચ અને 3 જી એપ્રિલે નવી દિલ્હીમાં યોજી રહી છે.
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મુકવાનો છે. જેમાં પાયાના સ્તરે પાર્ટીના સંગઠનને મજબુત બનાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આ પ્રયોગ પ્રથમ વખત ગુજરાતમાં કરવામાં આવશે. ગુજરાતમાં આગામી 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેને કારણે આ બેઠકમાં ઉમેદવારોની પસંદગીથી માંડીને સંગઠનને મજબુત બનાવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખોની ભૂમિકા મહત્વપૂર્ણ બનાવવામાં આવશે.
કોંગ્રેસ એવું માની રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસની પરંપરાગત વોટબેંક, ગ્રામીણ વિસ્તારો, આદિવાસી વિસ્તારોમાં હજુ પણ મજબુત છે. સાથે સાથે શહેરી મતદારોમાં પણ ક્યાંક ક્યાંક કોંગ્રેસ જીવે છે. ભૂતકાળમાં કોંગ્રેસે 2017માં વિધાનસભાની 77 બેઠક જીતી હતી. જ્યારે 2022માં કોંગ્રેસ માત્ર 17 જ બેઠક જીતી શકી છે. જોકે, જો કોંગ્રેસ પોતાના મતમાં 5થી 10 જ ટકાનો વધારો કરે તો ગુજરાતમાં સત્તા મેળવી શકે તેમ છે. કોંગ્રેસ એવું પણ માની રહી છે કે લોકસભામાં ગુજરાતમાંથી ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા હતા. ત્યારે વિધાનસભામાં પણ પાર્ટી નવો ચમત્કાર કરી શકે છે. કોંગ્રેસ માટે છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા થઈ રહી હતી કે, તેણે સંગઠનને મજબુત બનાવવાની જરૂરીયાત છે.

કોંગ્રેસે પોતાના નેતાઓની પણ નવી જ કેડર ઊભી કરવી પડે તેમ છે. વર્ષોથી જુના છપાયેલા કાટલાને કારણે લોકો કોંગ્રેસથી ઉબાઈ ગયા છે. નવાને આગળ વધવાનો ચાન્સ મળતો નથી અને અંતે થાકીને પાર્ટી છોડી દે છે. કોંગ્રેસ માટે બીજી મોટી સમસ્યા એ પણ છે કે ચૂંટણી આવે તો ઉમેદવાર બનવા માટે આગેવાનો દોડી આવે છે પરંતુ પક્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમને સમય મળતો નથી.
કોંગ્રેસે આવા આગેવાનોને પક્ષમાંથી કાઢી મુકવા જોઈએ. જે આગેવાન કે કાર્યકર પક્ષના કાર્યક્રમમાં હાજર નહીં રહે તેને પક્ષમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી. કોંગ્રેસ જ્યાં સુધી આવા વિઝિટિંગ નેતાઓને પડતા નહીં મૂકે ત્યાં સુધી પક્ષનો ગુજરાતમાં ક્યારેય ઉદ્ધાર થઈ શકે તેમ નથી. રાહુલ ગાંધીએ જેમ તાજેતરમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં રહેલા ભાજપીઓને ઓળખવા પડશે, તેમ આવા આગેવાનોને પક્ષમાંથી બહાર ધકેલવા પડશે. આટલું જ નહીં પણ જ્યારે પણ કોંગ્રેસના ઉમેદવાર બનાવવાની વાત હોય ત્યારે કોંગ્રેસમાં કેટલા સમયથી છેથી માંડીને કેટલા કાર્યક્રમમાં ભાગ લીધો, કોંગ્રેસને મજબુત બનાવવા માટે શું કર્યુંથી માંડીને અન્ય તમામ મહત્વની બાબતોને પણ ચકાસવાની જરૂરીયાત છે.
સૌથી મોટી જરૂરીયાત કોંગ્રેસમાં શિસ્ત લાવવાની છે. ગમે તેટલો મોટો નેતા હોય પરંતુ જો શિસ્તમાં નહીં રહેતો હોય તો તેને પક્ષમાંથી તાકીદના ધોરણે દૂર કરી દેવો જોઈએ. સાથે સાથે પક્ષના આગેવાનો દ્વારા જે પોતાની રીતે પક્ષના નામે ઉઘરાણા કરવામાં આવે છે તે પણ બંધ થવા જોઈએ. કોંગ્રેસને જેટલા રૂપિયાનું ફંડ મળે છે તેનાથી અનેકગણું વધારે ફંડ આ નેતાઓ ઉસેટી જાય છે. અને તેના દ્વારા પોતાના જુથને મજબુત બનાવે છે. આ રીતે જ કોંગ્રેસ જુથવાદમાં વહેંચાયેલી રહે છે. જુથવાદ જે પણ ચલાવે તેને પણ તાકીદના ધોરણે કોંગ્રેસમાંથી બહાર કાઢી મુકવાની જરૂરીયાત છે.
બીજી સૌથી મોટી જરૂરીયાત એ છે કે કોંગ્રેસને જીવંત રાખવા માટે સતત કાર્યક્રમો ચલાવવા જોઈએ. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ મામલે પણ વિચારવાની જરૂરીયાત છે. જો સતત કાર્યક્રમો ચાલતા રહેશે તો કોંગ્રેસ લોકોની નજીક જશે. ઉપરાંત સામાજિક રીતે પણ જે રીતે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ લોકોથી કપાઈ ગઈ છે તેમાં પણ સુધારો થવો જોેઈએ. કોંગ્રેસના નેતાઓ લોકોની સાથે સહભાગી થતા નથી અને માત્ર ચૂંટણી લડવા માટે જ બહાર આવે છે તેવી છાપ પણ ભૂંસાવવી જોઈએ. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ભલે હાલમાં જિલ્લા કોંગ્રેસ સમિતીને મજબુત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવતા હોય પરંતુ જ્યાં સુધી મહેમાન કલાકાર જેવા નેતાઓને બહારનો રસ્તો નહીં બતાવાય ત્યાં સુધી કોંગ્રેસ ફરી બેઠી થશે નહીં તે નક્કી છે.
