Editorial

સંચાલકોની ઉદ્દંડ લાપરવાહી અને ભ્રષ્ટ પ્રશાસનની બેદરકારીનો સરવાળો એટલે માસૂમ જિંદગીઓનો કરૂણ અંત

ગત શનિવારે દિલ્હીના રાજીન્દર નગર વિસ્તારમાં આવેલ એક કોચીંગ ક્લાસના ભોંયતળિયામાં વરસાદનું પાણી ભરાઇ જતાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્રણેય મૃતકો આઇએએસની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને આ કોચિંગ ક્લાસમાં તાલીમ લેવા આવતા હતા. બેઝમેન્ટમાં બનાવેલી લાયબ્રેરીમાં તેઓ વાંચી રહ્યા હતા તે સમયે પાણી ધસી આવતા તેઓ ડૂબી ગયા હતા એમ કહેવાય છે.

મૃતકોમાં બે છોકરીઓ અને એક છોકરો હતા. આ ઘટનાએ આપણા સુરતની ૨૦૧૯ની તક્ષશિલા કાંડની યાદ તાજી કરાવી દીધી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડ નામની બિલ્ડિંગમાં આગ લાગતા આ બિલ્ડિંગમાં આવેલ એક કોચીંગ ક્લાસના બાવીસ વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. હવે દિલ્હીના કોચિંગ ક્લાસમાં પાણી ભરાઇ જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતક છોકરા-છોકરીઓની સંખ્યા બાવીસ હોય કે ત્રણ, ઉગતા તારલાઓનો આ રીતે ભોગ લેવાઇ જવાની ઘટનાઓ ખૂબ જ દુ:ખદ ગણાય. વળી, દિલ્હીની ઘટનામાં આઇએએસ જેવી ખૂબ ઉચ્ચ કક્ષાની સનદી સેવા માટેની પરીક્ષાની તૈયારી કરી રહેલા આશાસ્પદ  વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ હતા.

વિગતો પ્રમાણે દિલ્હીના રાજીન્દર નગર વિસ્તારમાં આવેલ રાવ્ઝ આઇએએસ સ્ટડી સર્કલ નામના કોચિંગ ક્લાસમાં આઇએએસ ઉપરાંત યુપીએસસીની અન્ય પરીક્ષાઓ માટે શિક્ષણ અને તાલીમ અપાય છે. એમ જાણવા મળે છે કે આ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં એક લાયબ્રેરી બનાવવામાં આવી હતી. જો કે પાલિકામાં તેની નોંધણી સ્ટોરરૂમ તરીકે કરાવાઇ હતી! આ લાયબ્રેરીમાં બેસીને છોકરા-છોકરીઓ વાંચી રહ્યા હતા તે સમયે બહાર ભારે વરસાદ પડતા તેનું પાણી બેઝમેન્ટમાં ધસી આવ્યું હતું. બેઝમેન્ટનો દરવાજો બંધ હતો પણ પાણીના ભારે દબાણને કારણે દરવાજાને નુકસાન થયું હતું અને ધસમસતું પાણી અંદર ઘૂસવા માંડ્યું હતું. જોત જોતામાં બેઝમેન્ટ પાણીથી ભરાઇ ગયું હતું અને સમયસર બહાર નહીં નિકળી શકેલા વિદ્યાર્થીઓ આ પાણીમાં ડૂબી ગયા હતા.

મૃત્યુ પામેલા આ ત્રણેય વિદ્યાર્થીઓ આઇએએસની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. આ બનાવ અંગે પોલીસે કોચિંગ ક્લાસના માલિક અભિષેક ગુપ્તા અને કોઓર્ડિનેટર દેશપાલ સિંહની ધરપકડ કરી છે અને તેમની સામે સદોષ માનવવધ સહિતના વિવિધ ગુનાઓ દાખલ કર્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બેઝમેન્ટ જમીનના લેવલથી આઠ ફૂટ નીચે છે અને પાણી ધસી આવ્યું ત્યારે તેમાં ૧૮ વિદ્યાર્થીઓ હતા. બાકીના બધા સલામત રીતે નિકળી જવામાં સફળ રહ્યા હતા કે બચાવી લેવાયા હતા પણ આ ત્રણ ફસાઇને ડૂબી ગયા હતા. એમ પણ જાણવા મળ્યું કે બેઝમેન્ટમાં પાણીના નિકાલ માટે કોઇ ડ્રેઇનેજની વ્યવસ્થા જ ન હતી!  આ બનાવ પછી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. 

દિલ્હીના મેયરના નિવાસસ્થાન સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનો થયા હતા. દેખાવો દરમ્યાન કેટલાક વિદ્યાર્થીઓને પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું અને પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. તો આવી દરેક ઘટના પછી પછી બને છે તેમ આ બનાવ અંગે રાજકીય આક્ષેપબાજી શરૂ થઇ ગઇ જેમાં ભાજપ અને કોંગ્રેસે આપ પર પ્રહારો કરીને આ ઘટનાને હત્યા ગણાવી તો બીજી બાજુ આપ પક્ષે એમસીડીમાં પોતાના પહેલા ભાજપના વર્ષોના શાસનમાં બેદરકારીને આ બનાવ માટે જવાબદાર ગણાવી. રાજકીય પક્ષો આવા બનાવોમાં પોતાના રોટલા શેકી લેવાનો પ્રયાસ કરે છે, મૃતકોના કુટંબીજનો માટે વળતર જાહેર થાય છે, બનાવના જવાબદારોને સખત સજા થશે તેવા વચનો અપાય છે, થોડા દિવસોમાં બધું ભૂલી જવાય છે અને જાણે આવી બીજી કોઇ ઘટના બને તેની રાહ જોવાય છે.

આવી ઘટનાઓની આપણા દેશને જાણે કોઇ નવાઇ જ રહી નથી. વર્ષો પહેલાની દિલ્હીની ઉપહાર સિનેમાની ઘટના પછી પણ આપણા સરકારી તંત્રો કશો જ બોધપાઠ શીખ્યા નથી એમ લાગે છે. ૧૯૯૭માં ઉપહાર સિનેમા ગૃહમાં લાગેલી આગમાં ૫૯ જણા જીવતા ભૂંજાઇ ગયા હતા અને બીજા એકસોથી વધુ લોકો ઇજા પામ્યા હતા. આ ઘટના પછી જાહેર ઇમારતો, પાર્કો, મોટા એપાર્ટમેન્ટો વગેરેમાં ફરજિયાત ફાયર સેફટીની સુવિધાઓની ઘણી વાતો થઇ. ઘણા નિયમો ઘડાયા. પણ અ નિયમોનું ચુસ્તતાથી ભાગ્યે જ પાલન થાય છે. આપણા નિંભર સરકારી અને વહીવટી  તંત્રો જાહેર સ્થળો, વર્ગો, શાળા, કોલેજો, હોસ્પિટલો વગેરેમાં હોનારત સામે સલામતી માટેના નિયમોનું યોગ્ય રીતે પાલન કરાવવાની ખાસ તસ્દી લેતા જ નથી અને આવી ઘટનાઓ બનતી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં આવી તો અનેક ઘટનાઓ બની ગઇ. આપણા ગુજરાતમાં મોરબીના પુલ અને રાજકોટના ગેમઝોનની ઘટનાઓ તો તાજી જ છે. ભ્રષ્ટ અને લાપરવાહ પ્રશાસનની લાપરવાહી અને મનોરંજન સ્થળો, પાર્કો, ક્લાસીસ વગેરેના સંચાલકોની બેદરકારીના પાપે અનેક નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાતો જ જાય છે.

Most Popular

To Top