દેશના સૌથી મોટા રાજ્ય અને સૌથી મોટી લોકસભાની બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની ધમાધમ શરૂ થઈ ગઈ છે. કહે છે કે દિલ્હીમાં સત્તાનો રસ્તો મોટાભાગે યુપીમાંથી જાય છે. યુપીમાં લોકસભાની વધુ બેઠકો હોવાથી જો યુપીમાં જીત મેળવી શકાય તો લોકસભા સુધીનો રસ્તો સરળ બની જાય તેમ છે. લોકસભાની ગત વખતની ચૂંટણીમાં કોંગ્રેસે મહામંત્રી બનાવીને ચૂંટણી લડવાની બાગડોર પ્રિયંકા ગાંધીને સોંપી દીધી હતી. લોકસભાની ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસ કંઈ ખાસ ઉકાળી શકી નહીં પરંતુ પ્રિયંકા ગાંધી હિંમત હાર્યા નથી. લોકસભા બાદ હવે વિધાનસભામાં પણ કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પ્રિયંકા ગાંધીએ લીધી છે. સરવે પ્રમાણે યુપીમાં કોંગ્રેસને એટલો ફાયદો થાય તેમ નથી પરંતુ તેમ છતાં પ્રિયંકા ગાંધીએ યુપીમાં મહેનત કરવાનું છોડ્યું નથી.
કોંગ્રેસના તમામ ઉમેદવારોને પ્રિયંકા ગાંધીએ જ પસંદ કર્યા છે અને તેમાં રાહુલ ગાંધીનું પણ ચાલવા દીધું નથી. ખુદ પ્રિયંકા ગાંધીએ જ નવા ઉમેદવારો શોધ્યા અને તેમને ટિકીટ આપી. કોંગ્રેસે 70 ટકાથી વધારે એટલે કે 117 ઉમેદવારો એવા પસંદ કર્યા છે કે જે પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં કોઈક પિડીતાના સંબંધી છે, તો કોઈક પત્રકાર, કોઈક આશાવર્કર કે પછી વિદ્યાર્થી નેતાઓ કે પછી અભિનેત્રી પણ છે. પ્રિયંકા ગાંધીનો આ દાવ કેટલો સફળ થશે તે તો સમય જ કહેશે પરંતુ સાથે સાથે પ્રિયંકા ગાંધી દ્વારા જે યુપીમાં મહેનત કરવામાં આવી રહી છે તે ભાજપને મથાવશે જરૂર. કોંગ્રેસમાં સોનિયા ગાંધીએ પક્ષને 2004માં સત્તા અપાવી હતી. બાદમાં 2009માં પણ કોંગ્રેસને સત્તા અપાવી હતી. પરંતુ સોનિયા ગાંધી જેટલી સફળતા રાહુલ ગાંધીને મળી શકી નથી. રાહુલ ગાંધી દ્વારા ક્યારેક ભાષણમાં પણ છબરડા વાળવામાં આવે છે પરંતુ પ્રિયંકા ગાંધી વધારે પરિપકવ હોવાને કારણે તેમના ભાષણમાં ક્યારેય છબરડા વળતા નથી.
લોકો પ્રિયંકા ગાંધીમાં ઈન્દિરા ગાંધીની છબી જુએ છે. પ્રિયંકા ગાંધીએ એ સત્ય સ્વીકારી લીધું છે કે જ્યાં સુધી યુપી હાથ પર નહીં આવે ત્યાં સુધી દેશમાં સત્તા મેળવવી અઘરી છે. આ કારણે જ તેમણે યુપીમાં ભાજપ સહિતના પક્ષો સામે લડવાનું ચાલુ રાખ્યું છે. પ્રિયંકાએ અન્ય કોઈ મોટા પક્ષો સાથે ગઠબંધન પણ કર્યું નથી. એકલે હાથે ચૂંટણી લડવા માટે નીકળેલા પ્રિયંકા ગાંધીની હિંમત કાબીલેદાદ છે પરંતુ સાથે સાથે સફળતા માટે અનેક આશંકાઓ પણ ઊભી કરે છે. જે રીતે પ્રિયંકા ગાંધી દ્વારા પાયાના ક્ષેત્રે કામ કરવાની સાથે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે તે ભવિષ્યમાં ભાજપને મોટો પડકાર ઊભો કરશે. રાહુલ ગાંધી કરતાં પણ પ્રિયંકા ગાંધી ભાજપને વધારે ભારે પડી શકે તેમ છે.
લોકસભાની ચૂંટણીને બે વર્ષની વાર હોવા છતાં પણ યુપીની ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણી પર વધારે અસર કરશે. યુપીની ચૂંટણી પછી પ્રિયંકા ગાંધી આખા દેશ પર ધ્યાન આપે તેવી સંભાવના છે. બની શકે કે આગામી દિવસોમાં પ્રિયંકા ગાંધી દ્વારા પક્ષના સંગઠન પર વધારે ધ્યાન આપવામાં આવે. રાહુલ ગાંધીને આગળ કરીને પ્રિયંકા ગાંધી પક્ષ માટે મહેનત કરે તેવી સંભાવના છે. કોંગ્રેસ પક્ષની હાલત હાલના સમયે તેના ઈતિહાસમાં સૌથી ખરાબ છે. કોંગ્રેસનું ગત વખતે લોકસભાનું પ્રદર્શન તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસના સિનિયરોનો અલગ ચોકો છે. જી-23ના નામે સિનિયરો દ્વારા કોંગ્રેસ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી આ સિનિયરોને હેન્ડલ કરી શકતા નથી. આ સંજોગોમાં પ્રિયંકા ગાંધીમાં આ સિનિયરોને પણ કંટ્રોલ કરવાની ક્ષમતા દેખાઈ રહી છે. યુપીની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિને જોઈને ભલે ભાજપ દ્વારા પ્રિયંકા ગાંધીને હળવાશથી લેવામાં આવે પરંતુ ભવિષ્યમાં ભાજપની સામે કોંગ્રેસને ફરી પડકારરૂપ બેઠી કરી શકે તેવી શક્યતા પ્રિયંકા ગાંધીમાં દેખાઈ રહી છે. આ સંજોગોમાં ભાજપે સૌથી વધુ પ્રિયંકા ગાંધીથી ચેતતા રહેવું પડશે તે નક્કી છે.