સુરત: 21મી સદીમાં જીવન ફાસ્ટ બન્યું છે. લગ્ન જીવન પર પણ તેની અસર થઈ છે. આજના નવયુગલો વર્કિંગ કપલ તરીકે ઓળખાય છે. સ્વાભાવિક પણે જ કામ અને ઘર બંને સંભાળવાના સંઘર્ષમાં યુગલો જીવનની કિંમતી પળો ગુમાવી રહ્યાં છે. મધુર ક્ષણો માણવાના બદલે આજના યુગલોમાં તકરારના કિસ્સા વધુ બની રહ્યાં છે. વર્કિંગ કપલની આવા જ સંઘર્ષની વાત કરતી ગુજરાતી ફિલ્મ (Gujarati Film) ‘લકીરો (Lakiro)’ રીલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટ ખાસ સુરત આવી હતી. કલાકારોએ ફિલ્મ વિશે માહિતી આપી હતી. આ ફિલ્મ 6 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે લાગણીઓ, સંબંધ અને પ્રેમથી ભરપૂર છે. જેમાં એક યુગલની લગ્ન પછીની સફર દર્શાવે છે.
ફિલ્મનું ટ્રેલર લોકોમાં છવાયું
‘લકીરો’ ફિલ્મનું ટ્રેલર અને તેનું સંગીત પહેલેથી જ દર્શકોના હૃદયમાં છવાઈ ગયું છે. નિર્માતાઓ હવે સંપૂર્ણ ફિલ્મને દર્શકો સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ એવા તમામ વર્કિંગ કપલ્સ વિશે છે કે જેઓ કરિયરની ભાગાદોડીમાં ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે વિતાવવાની કિંમતી ક્ષણો ગુમાવી રહ્યાં છે. મહત્વકાંક્ષા અને કારકિર્દીની પાછળ ભાગતા આજના યુવાન યુગલો પોતાના પરિવારને દૂર એકબીજાને સમય આપવા કરતા કામ કરવાનું પસંદ કરે છે.
‘લકીરો’નું ટાઈટલ ટ્રેક પ્રતિભાશાળી અને પ્રખ્યાત ગાયક અમિત ત્રિવેદીએ ગાયું છે. પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે અને ગીત ચિરાગ ત્રિપાઠી અને તુષાર શુક્લાએ શબ્દો લખ્યા છે. પાર્થ ભરત ઠક્કરે આપણા ભારતીય બીટ્સ સાથે જેઝ ઉમેર્યુ છે. આ પહેલીવાર છે કે જ્યાં જેઝનો ઉપયોગ આટલી વ્યાપક રીતે કરવામાં આવ્યો છે. આ વોર્નર મ્યુઝિક ઈન્ડિયાનું પહેલું પ્રાદેશિક આલ્બમ છે.
ફિલ્મ કેટલીક સાચી ઘટનાઓથી પ્રેરિત: ડિરેક્ટર
‘લકીરો’ ડિરેક્ટર ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની આગલી સફળ ફિલ્મો ‘મૃગતૃષ્ણા’ અને ‘મારા પપ્પા સુપર સ્ટાર’ પછીની ત્રીજી ફિલ્મ છે. તેઓ કહે છે, “આ ફિલ્મ ખરેખર મારા હૃદયની નજીક છે અને કેટલીક સાચી ઘટનાઓથી પ્રેરિત છે. મેં આ ફિલ્મને સંબંધ, પ્રેમ અને લાગણીઓના અનોખા અભિગમ સાથે બનાવી છે. ફિલ્મ સાથે મારુ જે વિઝન હતું એ મારી કાસ્ટ અને ટીમના સહકાર સાથે બહુ જ સારી રીતે પડદા પર પરિપૂર્ણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ ફિલ્મના સંગીત સાથે પાર્થ ભરત ઠક્કરે અદભૂત કામ કર્યું છે. ફિલ્મના રિચા અને ૠષિનું પાત્ર ભજવનાર કલાકારો રૌનક કામદાર અને દીક્ષા જોશી આ ફિલ્મ માટે બહુ જ ઉત્સુક છે.