
હાલમાં ઓક્સફામનો વૈશ્વિક આર્થિક અહેવાલ બહાર પડ્યો તેમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આમ તો ઓક્સફામના અહેવાલ અને આર્થિક અસમાનતા અંગે આ સ્થળે અગાઉ ચર્ચા થઇ ચુકી છે પણ આ વખતે આ અહેવાલમાં કેટલીક નવી અને ચોંકાવનારી બાબતો છે અને તેમાં મહત્વની એ છે કે ઘણા અબજપતિઓની મિલકત મહેનત કે આવડતથી કમાયેલી નથી. અને વળી તેમાં હાલમાં અસાધારણ વધારો થયો છે અને આ વધારામાં પણ ગરીબોના શોષણનો મોટો હિસ્સો હોઇ શકે છે. અબજપતિઓની મિલકતો વિશ્વભરમાં ૨૦૨૪ના વર્ષમાં બે અબજ ટ્રિલિયન ડોલરથી વધી હતી, અને મિલકતો વધવાનો આ દર અગાઉના વર્ષ કરતા ત્રણ ગણો ઝડપી હતો, એમ ડાવોસમાં હાલમાં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં રજૂ થયેલા એક અભ્યાસમાં જણાવાયું હતું જ્યારે વિશ્વભરના સૌથી ધનવાનો અહીંના આ સ્કી રિસોર્ટ ટાઉનમાં તેમના વાર્ષિક મેળાવડા માટે જમા થયા હતા.
દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકના પ્રથમ દિવસે ઓક્સફામ ઇન્ટરનેશનલ પોતાનો ફ્લેગશીપ અસમાનતાનો અહેવાલ જારી કરે છે. આ વખતે આ અહેવાલ રજૂ કરતા આ સંસ્થાએ જણાવ્યું હતું કે ગરીબીમાં જીવતા લોકોની સ્થિતિમાં ૧૯૯૦થી ભાગ્યે જ કોઇ ફેરફાર થયો છે જ્યારે અબજપતિઓની મિલકતોમાં મોટો ઉછાળો આવ્યો છે. એશિયામાં વસતા અબજપતિઓની મિલકતો ૨૦૨૪માં ૨૯૯ અબજ ડોલર વધી છે જ્યારે આ અહેવાલ જારી કરતા ઓક્સફામે આગાહી કરી હતી કે હવેથી એક દાયકામાં દુનિયામાં ઓછામાં ઓછા પાંચ ટ્રિલિયોનરો હશે.
વર્ષ ૨૦૨૪માં ૨૦૪ નવા અબજપતિઓ ઉમેરાયા છે – અને દર સપ્તાહે સરેરાશ એક નવો અબજપતિ ઉમેરાયો છે. એશિયામાં જ આ એક વર્ષમાં ૪૧ નવા અબજપતિઓ ઉમેરાયા છે. ટેકર્સ, નોટ મેકર્સ નામના આ અહેવાલમાં જણાવાયું છે કે ગ્લોબલ નોર્થના એક ટકા સૌથી વધુ ધનિકોએ કલાકના ૩૦ મિલિયન ડોલરના દરે ૨૦૨૩માં ફાયનાન્શ્યલ સિસ્ટમો વડે ગ્લોબલ સાઉથમાંથી ઉલેચ્યા છે. આ અહેવાલમાં વિવિધ વર્ગોને પગારની ચુકવવણીમાં કરાતા ભેદભાવનો પણ ઉલ્લેખ કરાયો છે જેમ કે ધનવાન દેશોમાં અન્ય દેશોમાંથી કમાણી કરવા આવતા કામદારોને ત્યાંના સ્થાનિક કામદારો કરતા ૧૨.૬ ટકા ઓછી કમાણી થાય છે જ્યારે આ ઉંચી આવક વાળા દેશોમાં સ્થાનિક પુરુષ નાગરિકો કરતા માઇગ્રન્ટ મહિલા કામદારોને ૨૦.૯ ટકા ઓછી આવક મળે છે.
જેના અહેવાલની ડબલ્યુઇએફની વાર્ષિક બેઠકમાં સઘન ચર્ચા થાય છે તે ઓક્સફામે જણાવ્યું હતું કે લોકપ્રિય ખયાલથી વિપરીત અબજપતિઓની મિલકતો મોટે ભાગે વણકમાયેલી છે. ૬૦ ટકા અબજપતિઓની મિલકતો ક્યાંથી વારસામાં મળી છે, એકહથ્થુતાની શક્તિથી મળી છે કે પછી તેમના લાગવગના સંપર્કોમાંથી મળી છે. ઓક્સફામે ગણતરી કરી હતી કે ૩૬ ટકા અબજપતિઓની મિલકતો વારસામાં મળી છે. ઘણા અતિ-ધનિકો, ખાસ કરીને યુરોપના દેશોના અતિ-ધનિકો તેમની મિલકતમાં ઐતિહાસિક સંસ્થાનવાદનો હિસ્સો પણ ધરાવે છે.
સંસ્થાનવાદી યુગમાં ઘણા યુરોપિયન દેશો ગરીબ દેશો પર રાજ કરતા હતા અને આ ગરીબ દેશોમાંથી શોષણ કરીને મેળવેલ મિલકતોનો કેટલોક હિસ્સો આજના કેટલાક અતિ-ધનિકોને પણ વારસામાં મળ્યો છે એ મુજબ ઓક્સફામનો અહેવાલ જણાવે છે. ઓક્સફામે અગાઉના સંસ્થાનવાદી શાસક દેશોને વિનંતી કરી છે કે તેઓ આ નુકસાન ભરપાઇ કરવા પ્રયાસો કરવા જોઇએ. યુકેએ ૧૭૬પ અને ૧૯૦૦ વચ્ચેના ભારતમાં સંસ્થાનવાદી શાસનના તેના એક સદી કરતા વધુ સમયગાળા દરમ્યાન ભારતમાંથી ૬૪.૮૨ ટ્રિલિયન ડોલર જેટલી રકમનું દોહન કર્યું હતું જેની સામે વિશ્વના ૧૦ ટકા સૌથી ટોચના ધનિકો પાસે ૩૩.૮ ટ્રિલિયન ડોલરની મિલકતો છે.
આ એટલા નાણા છે કે જો તેની પ૦ બ્રિટિશ પાઉન્ડનો નોટોની જાજમ જેમ લંડનમાં પાથરવામાં આવે તો તે ચાર વખત પાથરી શકાય. આ પણ એક રોચક હકીકત છે. અધિકારવાદી જૂથ ઓક્સફામ દ્વારા ડબલ્યુઇએફની વાર્ષિક બેઠકના પ્રથમ દિવસે જે આર્થિક અસમાનતાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેમાં આવા અનેક ચોંકાવનારા તથ્યો છે. ઓક્સફામે પોતાના અહેવાલમાં એમ પણ જણાવ્યું હતું કે અનેક મલ્ટિનેશનલ કોર્પોરેટ કંપનીઓ સંસ્થાનવાદની જ પેદાશ છે. સંસ્થાનવાદ સમયની ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવી કંપનીઓ કે જેઓ ઘણા સંસ્થાનવાદી અપરાધો માટે જવાબદાર છે તેમાંથી આ કંપનીઓને પ્રેરણા મળી છે.
આ અહેવાલમાં એક ચોંકાવનારી વાત એ પણ જણાવાઇ છે કે ગ્લોબલ નોર્થના ધનિક દેશો કરતા ગ્લોબલ સાઉથના ગરીબ દેશોમાં એક જ સરખી કુશળતાના કામ માટે ૮૭થી ૯પ ટકા ઓછો પગાર મળે છે. મોટી મલ્ટિનેશનલ કંપનીઓ વૈશ્વિક સપ્લાય ચેઇન પર પ્રભુત્વ ધરાવે છે, જેમને સસ્તી મજૂરી અને ગ્લોબલ સાઉથના દેશોમાંથી સ્ત્રોતોના દોહનનો લાભ મળે છે. ઓકસફામ કહે છે કે ખાનગી મલ્ટિનેશનલ કંપનીઓને સંસ્થાનવાદ સમયે મોનોપોલીઓ આપી દેવાઇ હતી અને તેમણે વિદેશોમાંથી જંગી નફો મેળવ્યો હતો, તે જ પેટર્ન આજે પણ મોટી મલ્ટિનેશનલ કંપનીઓની બાબતમાં જોવા મળી રહી છે. આ બધી આજના વિશ્વની વરવી વાસ્તવિકતા છે.
