અત્યાર સુધીના જેટલા બજેટ રજૂ થયા છે તેમાં મુખ્યત્વે રાજકારણ અને સત્તાધારી પક્ષને થતા ફાયદાને જ ધ્યાનમાં રાખવામાં આવતા હતાં. પરંતુ આ વખતે રજૂ થયેલા બજેટમાં પ્રથમ વખત વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં પણ વધુ મહત્વ જિયો પોલિકિટ્સને આપવામાં આવ્યું છે. ભારતમાં રજૂ થયેલા તમામ અંદાજપત્ર કરતા આ વખતે જુદી સ્થિતિ જોવા મળી છે. ગઇ કાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ ભારતનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયું હતું.
જેમાં ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026-27માં બાંગ્લાદેશને અપાતી મદદમાં મોટો ઘટાડો કર્યો છે. આ વર્ષે બાંગ્લાદેશ માટે માત્ર 60 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષે 120 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે ભારતે બાંગ્લાદેશની મદદ અડધી કરી દીધી છે. ત્યારે અહાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ભારતે બાંગ્લાદેશને 60 કરોડની મદદ પણ શા માટે કરવી જોઇએ?

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. તેનું કારણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિંદુ સમુદાય વિરુદ્ધ થઈ રહેલી હિંસા અને ત્યાંની વિદેશ નીતિમાં બદલાવ આવી રહ્યો છે. 2024માં શેખ હસીનાની સરકાર પડ્યા પછી બાંગ્લાદેશે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો મજબૂત કરવાનું શરૂ કર્યું છે. બાંગ્લાદેશ ઉપરાંત માલદીવને 550 કરોડ રૂપિયા મળશે, પરંતુ તે ગયા વર્ષ કરતાં ઓછું છે. મ્યાનમાર માટે 300 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે, જે પહેલાં કરતાં ઓછા છે.
વિદેશ મંત્રાલયે 29 જાન્યુઆરીએ રાજ્યસભાને જણાવ્યું કે ભારત સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓના અહેવાલો પર સતત નજર રાખી રહી છે. આ હુમલાઓમાં તેમના ઘરો, દુકાનો, સંપત્તિઓ અને પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે ભારતે અનેકવાર રાજકીય અને રાજદ્વારી સ્તરે બાંગ્લાદેશ સરકાર સમક્ષ લઘુમતીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે PM મોદીએ 4 એપ્રિલ 2025ના રોજ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત દરમિયાન આ મામલો ઉઠાવ્યો હતો.
વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટીકા કરતા કહ્યું કે ત્યાં અવારનવાર લઘુમતીઓ પરના હુમલાઓને અંગત અદાવત અથવા રાજકીય મતભેદ ગણાવીને ટાળી દેવામાં આવે છે. મંત્રાલય અનુસાર, તેનાથી ગુના કરનારાઓનો ઉત્સાહ વધે છે અને લઘુમતીઓમાં ડર અને અસુરક્ષા વધે છે. આ દરમિયાન બાંગ્લાદેશની વર્તમાન સરકાર પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ એક મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે.
તેવી જ રીતે બીજી ધ્યાન ખેંચે તેવી બાબત ઇરાનનું ચાબહાર બંદર છે. ભારત સરકારે યુનિયન બજેટ 2026-27માં ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે આ વખતે કોઈ પૈસા રાખ્યા નથી, ન્યૂઝ એજન્સી PTIએ આ માહિતી આપી છે. જ્યારે દર વર્ષે ભારત આ પ્રોજેક્ટ માટે લગભગ 100 કરોડ રૂપિયા આપતું રહ્યું છે. ચાબહાર પોર્ટ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન વિસ્તારમાં છે અને તેના વિકાસમાં ભારતની મહત્વની ભૂમિકા રહી છે.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાએ ઈરાન પર નવા અને કડક પ્રતિબંધો લગાવ્યા છે. 13 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જે પણ દેશ ઈરાન સાથે વેપાર કરશે, તેના પર 25% સુધીનો વધારાનો ટેક્સ લગાવી શકાય છે. ત્યારથી ભારત ચાબહાર પોર્ટ પ્રોજેક્ટને લઈને અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યું છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.
જોકે, ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે ભારતને છ મહિનાની ખાસ છૂટ આપવામાં આવી હતી, પરંતુ આ છૂટ 26 એપ્રિલે પૂરી થવાની છે. ડિફેન્સ બજેટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. બજેટ 2026-27માં ઓપરેશન સિંદૂરની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. સરકારે સંરક્ષણ કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે હથિયારો અને મોટા ઉપકરણો પરના ખર્ચને 21.84% વધારીને 2.19 લાખ કરોડ રૂપિયા કરી દીધો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંરક્ષણ બજેટ માટે 7.84 લાખ કરોડ રૂપિયા આપ્યા છે, જે ગયા વર્ષ કરતાં 15% વધુ છે. આંકડા મુજબ, સંરક્ષણ બજેટમાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે. સરકારનું માનવું છે કે બદલાતી સુરક્ષા પરિસ્થિતિઓમાં સેનાને આધુનિક હથિયારો, બહેતર ટેકનોલોજી અને મજબૂત સપ્લાય સિસ્ટમની જરૂર છે. આ જ કારણ છે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે પણ બદલાતી જિયો-પોલિટિક્સ અને પડકારોનો ઉલ્લેખ કર્યો. રક્ષા બજેટમાં સૌથી વધુ ધ્યાન વિમાન અને એરો એન્જિન પર આપવામાં આવ્યું છે. આ માટે 63,733 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે, નેવીના કાફલા માટે 25,024 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આનાથી ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને તેમના એન્જિન ખરીદવામાં આવશે અથવા અપગ્રેડ કરવામાં આવશે. આગામી વર્ષે ઘણા મોટા રક્ષા સોદા થવાના છે. રિપોર્ટ્સ અનુસાર, ભારત-ફ્રાન્સ વચ્ચે 114 રાફેલ જેટની ડીલ થવાની છે.
ટૂંક સમયમાં ફ્રાન્સની એરોસ્પેસ કંપની ડસૉલ્ટ એવિએશન 18 રાફેલ જેટ તૈયાર સ્થિતિમાં ભારતને આપશે. જ્યારે, આ સમગ્ર પ્રોજેક્ટમાં ઓછામાં ઓછું 60% કામ ભારતમાં જ થશે. એટલે કે મોટાભાગના સ્પેરપાર્ટ્સ અને પાર્ટ્સ બનાવવાનું કામ ભારતમાં કરવામાં આવશે. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ પર પણ ખર્ચ વધારવામાં આવ્યો છે. આ માટે 17,250 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. આ રકમથી નવી ટેકનોલોજી, સ્વદેશી હથિયારો અને આધુનિક સિસ્ટમ વિકસાવવામાં આવશે.
સરકાર ઈચ્છે છે કે ભારત માત્ર હથિયારો ખરીદે નહીં, પરંતુ બનાવે પણ. આ બજેટમાં ચીન સાથેના સંબંધો પર પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું પણ કહી શકાય તેમ છે. કારણ કે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ માટે 14.74 ટકાનો વધારો કરી રૂપિયા 11,324 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જવાનો ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ફરજ બજાવે છે. આ બજેટમાં તેના માટે જંગી ફાળવણી કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન બાંગ્લાદેશની સરહદ પર ફરજ બજાવતી બીએસએફ માટે નજીવો વધારો કરવામાં આવ્યો છે એટલે કે માત્રે 2.20 ટકાનો જ વધારો કરવામાં આવ્યો છે.
ભારત પાસેથી સહાય મેળવનારા દેશોમં સૌથી વધુ સહાય ભૂટાનને કરવામાં આવી છે. ભારતની સહાય મેળવનારા દેશોમાં ભૂતાન રૂ. 2,150 કરોડ સાથે ટોચ પર છે. આ રકમ મુખ્યત્વે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, રોડ કનેક્ટિવિટી અને આર્થિક સહયોગ માટે ફાળવવામાં આવી છે. તેવી જ રીતે નેપાળને રૂ.700 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે દ્વિપક્ષીય વિકાસ સહયોગમાં સાતત્ય દર્શાવે છે. આ બજેટમાં ભારતે ભૂટાન માટે 2,288.55 કરોડ રૂપિયા રાખ્યા છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 138 કરોડ રૂપિયા વધુ છે. આમ જે રીતે રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેમાં નાણામંત્રીએ જિયો પોલિટિક્સને ધ્યાનમાં રાખ્યું હોવાનું સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે. આ બજેટ સામાન્ય લોકોને સીધુ સ્પર્શતુ નથી પરંતુ વિઝન 2047ને મહત્વ આપનારુ હોવાનું સ્પષ્ટપણે કહી શકાય તેમ છે.