National

રાહુલ ગાંધીએ ઉલ્લેખ કરેલી બ્રાઝિલિયન મોડેલે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..?

હરિયાણાની મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગત રોજ તા. 5 નવેમ્બર બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 25 લાખ બોગસ મતદારો છે અને ઉદાહરણ તરીકે એક બ્રાઝિલિયન મોડેલનું નામ આપ્યું હતું. જેને હરિયાણામાં “22 વખત મતદાન કર્યું” તેવું બતાવવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ આ મોડેલનું નામ Matheus Ferrero જણાવ્યું હતું.

આ નિવેદન બાદ બ્રાઝિલની આ મોડેલે પોતાનો જવાબ આપ્યો છે અને જણાવ્યું કે તેનો ભારતની રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી. તેણીએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું “હેલો ઇન્ડિયા! હા, હું જ એ બ્રાઝિલિયન મોડેલ છું જેના વિશે તમે વાત કરી રહ્યા છો. પરંતુ સૌ પ્રથમ હું સ્પષ્ટ કરી દઉં કે મારો ભારતની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. હું ક્યારેય ભારત ગઈ પણ નથી. મને માત્ર એક વીડિયો બનાવવા માટે કહ્યું હતું અને મેં એટલું જ કર્યું હતું.”

તેણે આગળ કહ્યું કે તે અગાઉ મોડેલ હતી પરંતુ હવે ડિજિટલ ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરે છે. લારિસ (Laris) નામની આ યુવતીએ કહ્યું કે તેને હવે ભારતના ઘણા પત્રકારો તરફથી મેસેજ મળી રહ્યા છે. “ભારતના લોકો મને પ્રેમ અને સમર્થન આપી રહ્યા છે. જે માટે હું ખૂબ આભારી છું”

લારિસે મજાકીય અંદાજમાં કહ્યું “ઘણા લોકો કહે છે કે હું ભારતીય જેવી લાગું છું. પણ મને લાગે છે કે હું થોડી મેક્સિકન જેવી દેખાઉં છું! કદાચ હવે હું ભારતમાં ફેમસ થવાની છું. મને હિન્દીના કેટલાક શબ્દો શીખવા પડશે. હાલ તો હું માત્ર ‘નમસ્તે’ જ જાણું છું.”

રાહુલ ગાંધીએ આ મુદ્દે જણાવ્યું હતું કે હરિયાણામાં એક જ વ્યક્તિના ફોટાનો ઉપયોગ 22 અલગ-અલગ નામો હેઠળ મતદાર યાદીમાં થયો છે. તેમણે ચૂંટણી પંચને જવાબદારીપૂર્વક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

લારિસે અંતમાં કહ્યું “હા, હું જ એ મહિલા છું જેના ફોટા ભારતમાં વાયરલ થયા પણ આ તસવીરોનો મતદાર યાદી સાથે કોઈ સંબંધ નથી. હું હવે મોડેલ પણ નથી માત્ર બાળકો સાથે કામ કરું છું. હું ભારતના લોકોની દયા અને સન્માન માટે ખૂબ આભારી છું.”

આ રીતે હરિયાણાની ચૂંટણી ગેરરીતિનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યાં એક બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સરનું નામ રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી ગયું છે. જ્યારે તેણી પોતે સ્પષ્ટપણે કહી રહી છે કે “મારો આ મામલાથી કોઈ સંબંધ નથી.”

Most Popular

To Top