Columns

પ્રેમની સીમા!

આજથી 30 વર્ષ પહેલાં જ્યારે સ્માર્ટ ફોન ન હતા ત્યારે કોઈ અજાણી જગ્યાએ જવું એ બહુ ચેલેન્જીંગ બની જતું. એમાં પણ મોટા શહેરમાં એકલી અજાણી 23 વર્ષની યુવતી માટે પરિસ્થિતિ જરા વિચાર માંગી લે તેવી તો બની જ જાય.
53 વર્ષની વર્ષાના ચહેરા પર એ દિવસની યાદ સાથે સ્મિત ઝળકી ગયું. એ તારીખ હતી – 8 જૂન. સૌરાષ્ટ્રના નાના ગામમાંથી લગ્ન કરીને વર્ષા સુરત આવી હતી. માર્ચમાં લગ્ન થયા. સાસુ – સસરા ગામ રહેતાં હતાં એટલે લગ્ન પછી વર્ષા 2 – 3 મહિના એમની સાથે રહી. એ પછી વિનય એને સુરત લઇને આવી ગયો. એમાં પણ વિનય હજીરા કંપનીના કવાર્ટરમાં રહેતો હોવાથી સુરત આવવા – જવાનું બહુ ઓછું બને. એથી બન્ને એકાદ – બે વાર સુરત ખરીદી માટે ગયા હોય તે જ. સુરત એ સમયે પણ ‘સિલ્ક સિટી’ હતું પણ વર્ષાને માર્કેટ ક્યાં આવી, તે વિશે કોઈ માહિતી ન હતી.

હજીરા જવા માટે એમની કંપનીની બસ સ્ટેશન પાસેથી ઉપડતી એટલી માહિતી હતી. બસ જે રસ્તા પરથી ફરતી તે રસ્તા પર આવેલી દુકાન પર એની નજર ફરતી રહેતી. એમાં વર્ષાની નજર એક દુકાન પર પડી હતી. એ રેડીમેડ કપડાંની દુકાન હતી. દુકાનની બહાર હેન્ગર પર જાત જાતના શર્ટ લટકતા. એમાં એક ગુલાબી કલરના શર્ટ પર એની નજર પડી. ગુલાબી અને લાલ પણ નહીં એવા એ શર્ટમાં સફેદ કલરની ઊભી લાઈનિંગ હતી. શર્ટ બહુ આકર્ષક લાગતો હતો. વર્ષાની આંખમાં એ શર્ટ પહેરેલા વિનયની ઝલક આવી ગઈ. આ શર્ટ વિનય પહેરે તો કેટલો હેન્ડસમ દેખાય?

વિનયનો BIRTHDAY એક અઠવાડિયા પછી હતો. જો આ શર્ટ ગિફટ તરીકે લેવો હોય તો જાતે એકલા જ જવું પડે. સુરત મોટું શહેર અને એમાં પણ અજાણ્યું. પળભર એ વિચારમાં પડી ગઈ પણ એ શર્ટ તો વિનય માટે ખરીદી લેવો એવો મક્કમ નિર્ધાર કરી લીધો. વિનય રોજ સવારે 8:30 ઓફિસ જાય અને બપોરે 12:30 જમવા પાછો આવે એટલે પોતાની પાસે 4 કલાક રહે. વર્ષાએ બસનું ટાઈમટેબલ જોયું. સુરત જવા માટે સવારે બસ 8 વાગે છે, પછી સીધી 10 વાગે છે અને પાછા આવવા માટે બસ સુરતથી 11:30 છે અને પછી 12:30 મળે. વિનય 8:30 જાય એટલે 8 વાગ્યાની બસમાં તો જઈ ન શકાય.

10 વાગ્યાની જ બસ પકડવી પડે. એ બસ 11 વાગ્યે પહોંચે અને પેલી દુકાન ત્યાંથી 10 મિનિટના અંતરે છે. 10 મિનિટમાં ચાલીને જવું, શર્ટની ખરીદી કરવી અને પાછા 11:30ની બસમાં પાછું ફરી જવું, જેથી વિનયને જાણ ન થાય ને સરપ્રાઈઝ સરપ્રાઈઝ રહે. પોતાની પાસે અડધો કલાક છે. એમાં પૂરી રમત રમી લેવાની છે. વર્ષાએ ફૂલપ્રૂફ પ્લાન બનાવી લીધો પણ આપણે પ્લાન બનાવીએ તે કરતાં કિસ્મતનું પ્લાનિંગ જોરદાર છે. 8 જૂનની સવાર પડી. વર્ષાએ નાસ્તો બનાવવાની સાથે જ રસોઈની તૈયારી કરવા માંડી. વિનય ચા – નાસ્તો કરીને ઓફિસ ગયો, એ સાથે જ એણે રસોઈ કરી અને બીજી બાજુ ઘરમાં કચરા – પોતા કરવા લાગી. નાહતા સમયે કપડાં ધોઈ નાખ્યા.

વિનયને ભાવતો કેરીનો રસ બનાવી દીધો. ખાટા ઢોકળાની થાળી ઉતારી. કઢી – ભાત અને ભરેલા રીંગણનું શાક અને પૂરી. બધી રસોઈ બનાવીને તૈયાર થઈ ત્યારે 10માં 10 બાકી હતી. પર્સ લઈને એણે બસ સ્ટેન્ડ પર દોટ મૂકી. બસ આવી જ ગઈ હતી. બસમાં બેઠી એટલે હાશ થઈ. બસ સમયસર સુરત પહોંચી ગઈ. 11માં 5 મિનિટ કમ હતી. વર્ષાને ખબર હતી કે રિક્ષાવાળો આટલા નજીકને અંતરે આવવા તૈયાર નહીં થાય એટલે એણે ઉતાવળે પેલી દુકાન તરફ ચાલવા માંડ્યું. દુકાને પહોંચી ત્યારે 11ને 7 મિનિટ થઈ હતી. અઠવાડિયા પહેલાં ત્યાં લગાવેલો શર્ટ ત્યાં ન હતો. એણે દુકાનદારને એ શર્ટ વિશે પૂછયું, તો એણે જણાવ્યું કે એ શર્ટ વેચાઈ ગયો છે.
વર્ષાએ બીજા એવા શર્ટ હોય તો દેખાડવા માટે કહ્યું. દુકાનદારે બીજા શર્ટ દેખાડ્યા. તેમાં સહેજ લાઈટ લેમન અને વ્હાઈટ કલરનો એક શર્ટ એને ગમી ગયો. ફટાફટ પૈસા ચૂકવી શર્ટ લઈને એ દુકાનની બહાર નીકળી, ત્યારે 11:30માં 5 મિનિટ બાકી હતી. વર્ષા બસ સ્ટેશન તરફ દોડી. 11:30ની બસ કોઈ કાળે ચૂકવી નથી. એ બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે ઘડિયાળમાં 11:32 થઈ હતી. ડ્રાઈવરે એને દોડતા બસ તરફ આવતા જોઈ હતી એટલે એણે બસ એના માટે થોભાવી હતી. વર્ષા બસમાં ચડી અને બસ ઊપડી એટલે હાશ થઈ. બસ સમયસર આગળ વધી રહી હતી. બસ હવે ઘર નજીક જ હતું, પણ એ પહેલાં આવતું રેલવેફાટક બંધ હતું.
બસ ત્યાં 10 મિનિટ ઊભી રહી. તેમાં વર્ષાની બસ 12:30ના બદલે 12:45એ હજીરા પહોંચી. વિનય આવી ગયો હશે એટલે એનું સરપ્રાઈઝ હવે સરપ્રાઈઝ નહીં રહે. એ વિચારથી એ ઉદાસ થઈ ગઈ. ઘરનો દરવાજો ખોલતા એણે બહાના વિચારવા માંડ્યા કે પોતે કશે ગઈ હતી તેવું બહાનું કાઢવું પણ હજુ એને આવે થોડા દિવસ જ થયા છે. કોઈ એને ઓળખતું નથી. કમસેકમ શાકભાજી સાથે લીધા હોય તો કહેવા થતે કે પોતે શાકભાજી લેવા ગઈ હતી. જેથી વિનયને શક ન થાય, પણ હવે શું? પોતે જેને ફૂલપ્રૂફ પ્લાન સમજતી હતી તે ખરેખર ફૂલપ્રૂફ પ્લાન ન હતો.
ખેર! એણે દરવાજો ખોલ્યો તો ઘરમાં વિનય ન હતો. એ કશું વિચારે ત્યાં તો વિનયના સ્કૂટરનો અવાજ આવ્યો કે વર્ષાએ દોડીને શર્ટ કબાટમાં છુપાવી દીધો. ફટાફટ બાથરૂમમાં ઘૂસી ગઈ. નવાં કપડાં બદલીને ઘરમાં પહેરવાનાં કપડાં પહેરીને બહાર આવી.
‘તને તો આજે બહુ મોડું થયું ને?’
‘હા. મીટિંગ હતી. બહુ ભૂખ લાગી છે. જમવાનું તૈયાર છે ને?’
કેરીના રસ સાથે ખાટા ઢોકળા પીરસીને વર્ષા બાજુમાં શર્ટની થેલી મૂકી બોલી, ‘હેપી બર્થ ડે…’

Most Popular

To Top