ટણીનો માહોલ છે. આસામ, કેરળ, પોન્ડિચરી, તમિલનાડુ અને પ.બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. એ રીતે આસપાસ રાજકારણનો માહોલ પ્રસર્યો છે. આપણા દેશનું રાજકારણ અટપટું રહ્યું છે. ભારતીય રાજકારણની આ તાસીરનો અભ્યાસ અનેક નિષ્ણાતોએ કર્યો છે. તેમાંના એક રજની કોઠારી છે. તેમની ઓળખ પોલિટિકલ સાયન્ટિસ્ટ તરીકેની રહી છે અને દેશના સામાજિક અને રાજકીય અભ્યાસ માટે તેમણે 1963માં ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ [સીએસડીએસ] નામે સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે આપણા દેશના રાજનીતિ પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમાં અગત્યના કહી શકાય તેવાં ‘પોલિટિક્સ ઇન ઇન્ડિયા’, ‘કાસ્ટ ઇન ઇન્ડિયન પોલિટિક્સ’, ‘રિથીંકિંગ ડેમોક્રસી’ જેવા ખૂબ અગત્યનાં પુસ્તકો છે. તેમની કારકિર્દીની શરૂઆત વડોદરા સ્થિત એમ.એસ.યુનિવર્સિટીથી થઈ હતી. અહીંયા તેઓ લેક્ચરર રહ્યા હતા. તે પછી તેઓ દિલ્હી ગયા અને ત્યાં જ વસ્યા. રાજકીય બાબતમાં તેમનો મત અગત્યનો ગણાતો અને તેથી તેઓ લાંબા સમયગાળા સુધી પ્રતિષ્ઠિત સામયિક ‘ઇકોનોમિક ઍન્ડ પોલિટિકલ વીકલી’ માં લખતા રહ્યા. તેમનું એક પુસ્તક હિંદી ભાષામાં ‘રાજનીતિ કી કિતાબ’ છે. આ પુસ્તકનું સંપાદન જાણીતા પત્રકાર અભયકુમાર દુબેએ કર્યું છે. પુસ્તકમાં શરૂઆતમાં સંપાદક અભયકુમાર દુબેએ ભારતીય રાજનીતિ અંગે રજની કોઠારીની લીધેલી મુલાકાતમાં અનેક પ્રશ્નો કર્યા છે. આ પ્રશ્નોના જવાબમાં ભારતીય રાજનીતિ પ્રત્યેની સમજણ ઝળકે છે.
અજયકુમાર દુબે રજની કોઠારીને પ્રશ્ન કરે છે કે, ‘‘તમારા મતે ભારતના અત્યાર સુધી સૌથી સારા અને સૌથી ખરાબ વડા પ્રધાન કોણ રહ્યા છે?’’ આ પુસ્તક 2003માં પ્રકાશિત થયું હતું એટલે તે પ્રમાણે રજની કોઠારીનો ઉત્તર છે. તેઓ કહે છે કે: ‘‘મને જવાહરલાલ નેહરુની સાથે વ્યક્તિગત રીતે કામ કરવાની તક મળી નથી પરંતુ હું આરંભથી જ નેહરુવાદી દૃષ્ટિકોણથી પ્રભાવિત હતો. નેહરુને મેં જેટલા વાંચ્યા છે અને જેટલું મેં અન્યના નજરેથી નેહરુ વિશે સાંભળ્યું છે. એવું કહી શકાય કે બેશક તેઓ એક સારા વડા પ્રધાન હતા. તેઓ સમાજના પ્રભાવશાળી વર્ગથી નજદીક હતા.

તેઓ દેશમાં નિરંતર પ્રવાસ કરતા હતા. તેઓ લોકોને મુક્ત કરવા ઇચ્છતા હતા. તેઓ પ્રજાને આઝાદી અને સમૃદ્ધિ આપવા માંગતા હતા પરંતુ તેમની શૈલી એવી હતી કે તેઓ લોકશાહીની ભાગીદારીમાં લોકોને સમાવિષ્ટ ન કરી શક્યા. જો કે તેઓ લોકોને ભવિષ્યમાં વધુ બહેતર સ્થિતિમાં મૂકવા માટે નિષ્ફળ રહ્યા તેથી હું તેમને સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન માનતો નથી. લાલબહાદુર શાસ્ત્રીનો કાર્યકાળ ટૂંકો રહ્યો પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન જે કંઈ થયું જો તેમને વધુ સમય મળ્યો હોત તો તેઓ ચોક્કસ વધુ પરિણામદાયી કામ કરી શકતે. ટૂંકા સમયગાળા માટે જે વડા પ્રધાન મળ્યા તેમાં વી. પી. સિંહ, ચરણસિંહ, ચંદ્રશેખર, દેવ ગૌડા અને ગુજરાલનો રેકોર્ડ મિશ્ર રહ્યો છે. આમાંથી સૌથી નિરાશાજનક કામ ગુજરાલે કર્યું છે. ખરેખર તેમણે કશુંય કર્યું નથી. જો કે તેમનાથી આશા ઘણી હતી. તમને મારા આકલનથી આશ્ચર્ય થશે પરંતુ સત્ય એ છે કે ઇંદિરા ગાંધી એક એવાં વડાં પ્રધાન હતાં, જેઓ રાજનીતિની યોગ્ય પરખ ધરાવતાં હતાં. ઉપરાંત તેમની પાસે ભારતને એક મહાન શક્તિ બનાવવાની દૃષ્ટિ પણ હતી. તેમની પાસે દેશના માનસને પ્રભાવિત કરવાની ક્ષમતા પણ હતી. ‘ગરીબી હટાવો’ નું સૂત્ર માત્ર એક રાજકીય તુક્કેબાજી નહોતી, બલકે આ સૂત્રથી પૂરા દેશમાં સામાન્ય જનને જે સમર્થન મળ્યું, તેવું આમજનતાને સમર્થન કમ્યુનિસ્ટ પાર્ટીઓથી પણ નથી મળ્યું. હું ઇંદિરા ગાંધીના ગુણગાન નથી ગાતો પરંતુ આ એક તથ્ય છે કે તેઓ અન્યની સરખામણીમાં ખાસ્સા સફળ વડાં પ્રધાન માનવામાં આવશે. સૌથી ખરાબ વડા પ્રધાન તરીકે હું નરસિંહરાવનું નામ લઈશ. રાવના કાર્યકાળમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થયો, બાબરી મસ્જિદ તૂટી, સરકાર બચાવવા માટે લોકોને ખરીદવામાં આવ્યા, તેઓ પોતે પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવા પુરાવા મળ્યા. તેમના જ કાર્યકાળમાં મુક્ત બજારવાદનો ખ્યાલ વધુ વિકસ્યો અને દેશે તેમાં છલાંગ લગાવી.’’
પુસ્તકમાં રજની કોઠારીનું ઘણું આકલન આજની રાજકીય સ્થિતિ મુજબ યોગ્ય ન લાગે તેવુંય છે. જેમ કે તેમણે ભાજપનું ભવિષ્ય ભાખતા કહ્યું હતું કે, ‘‘ભાજપ હિંદુત્વની પાર્ટી તરીકે નિષ્ફળ થઈ ચૂકી છે. આજે લોકોને રામશિલા અયોધ્યા લઈ જવા માટે તૈયાર ન કરી શકાય.’’ આ નિવેદનો એક બહોળા સંદર્ભને અનુલક્ષીને તેમણે આપ્યાં છે પરંતુ આજે હિંદુત્વ પર ભાજપ એક અજેય પક્ષ બન્યો છે અને અયોધ્યામાં રામમંદિર નિર્માણ થઈ ચૂક્યું છે. આજે રાજકારણમાં કેટલીક ન કલ્પી શકાય તેવી બાબતો આવી ચૂકી છે. જેનાથી ભારતની રાજનીતિ ધરમૂળથી બદલાઈ ચૂકી છે. તેમાં એક અસરકારક સાધન સોશિયલ મીડિયાનું છે. એ પ્રમાણે ’90ના દાયકાની પરિસ્થિતિ જોઈને રજની કોઠારીએ કહ્યું હતું કે, ગઠબંધનની રાજનીતિ લાંબા સમય સુધી ટકશે. રાજકીય પક્ષોથી લોકોનો મોહભંગ થઈ ચૂક્યો છે અને કોઈ એક પક્ષને બહુમત મળવાની શક્યતા દૂર દૂર સુધી નથી. જો કે આપણે જોયું કે ગત લોકસભાની ચૂંટણીને છોડીને 2014 અને 2019માં ભાજપે કેન્દ્રમાં બહુમતી મેળવી હતી.
સ્વાભાવિક છે કે રાજકારણ કે કોઈ પણ બાબતમાં સટીક આકલન કરવું મુશ્કેલ છે પરંતુ રજની કોઠારીના વિચારો પુસ્તકમાં વાંચવા મળે છે તેમાં તેઓ ‘વિકલ્પહીનતા કા મહાસંકટ’ નામના પ્રકરણમાં કહે છે કે, ‘રાજ્યની જગ્યા બજાર લઈ રહ્યું છે. આ એક મોટાં પરિવર્તનની શરૂઆત છે અને તેનો સંબંધ કોઈ પણ પ્રકારના વૈકલ્પિક સત્તાના કેન્દ્રોની નાબૂદીથી છે.’ આ પ્રકરણમાં રજની કોઠારીએ જે કહ્યું હતું તે જાણે સાચું પડી રહ્યું છે. તેઓ કહે છે કે બજારીકરણથી જમીની સ્તર પર થનારાં આંદોલન મજબૂત નહીં થઈ શકે. તેઓ એમ સુધ્ધાં કહે છે કે રાજનીતિના માધ્યમથી થનારા આયોજન અને નિયંત્રણ પણ હવે ઉદ્યોગોના હાથમાં જતા રહેશે. આજે આપણા દેશમાં બજાર અને મોટા ઉદ્યોગોનું એ સ્થાન જોઈ રહ્યા છે. જેમાં તેઓ ઘણું બધું નિયંત્રિત કરે છે. આ પુસ્તકમાં એકેડેમિક રીતે લખાયું છે. હિંદી ભાષામાં કેટલાંક શબ્દોનો અર્થવિસ્તાર પકડી શકાતો નથી. તેથી પણ પુસ્તકમાં રજની કોઠારી તમામ વિચારોને ગુજરાતીમાં મૂકી શકતા નથી. તેમ છતાં જો કોઈ ભારતીય રાજકારણને સમજવા માંગે છે તો ચોક્કસ ‘રાજનીતિ કી કિતાબ’ ઉપયોગી થઈ શકે. પુસ્તકમાં વિગતે ‘કોંગ્રેસ પ્રણાલી’,‘દલિત ઉભાર કે માયને’,‘સ્પર્ધા આધારિત સમતા યા ન્યાય?’ જેવા કેટલાક અતિ પડકારજનક વિષયોની ચર્ચા રજની કોઠારીએ કરી છે. પુસ્તકનું સંપાદન અભયકુમાર દુબેએ કર્યું છે. કેટલાક હિંદી શબ્દોનો અર્થવિસ્તાર પાછળનાં પૃષ્ઠો પર આપવામાં આવ્યો છે.
આખરના એક પ્રકરણ ‘સ્પર્ધા આધારિત સમતા યા ન્યાય?’ માં રજની કોઠારી કહે છે કે, ‘‘આધુનિકતાવાદી વિચારનો દાવો છે કે આર્થિક વિકાસથી સમૃદ્ધિ આગળ વધશે અને તે ટીપે ટીપે નીચેના વર્ગ સુધી જશે પરંતુ આ વિચારના ચક્કરમાં એ ભૂલાઈ ગયું છે કે નવી સમૃદ્ધિ ઊભી કરવામાં સદીઓથી ખેતીની જમીન, જંગલ અને સામૂહિક માલિકી ધરાવતી સંપત્તિનો નાશ થઈ જશે. ગ્લોબલાઈઝેશનમાં ગરીબીના ઉકેલનો દાવો કરનારાઓ હજુ સુધી ગરીબીના મૂળ સમસ્યા સુધી પહોંચ્યા પણ નથી. તેના જ કારણે ભૂખમરો, વિસ્થાપન, કુપોષણ ને અસંગઠિત ક્ષેત્રની સમસ્યાઓ વધુ સામે આવી રહી છે.’’
આજની હિંદુત્વની રાજનીતિ વિશે પણ તેમણે ‘સાંપ્રદાયિકતા કા અષ્ટાવક્ર’માં લખ્યું છે કે, ‘‘ભારતીય અંદરથી એ પ્રકારનો ‘ધાર્મિક’ નથી, જે રીતે વિશ્વ હિંદુ પરિષદ તેનો પ્રચાર કરે છે. એક સમાજ અને સભ્યતાના સ્વરૂપે ભારતનો રાષ્ટ્રીય વારસો કોઈ એક ધર્મને માન્યતા આપતો નથી. હિંદુવાદ પણ એ પ્રકારનો ધર્મ નથી, જેની ઓળખ ધાર્મિક પ્રકારની હોય. તમે દેશના કોઈ પણ ગામમાં જતા રહો, કોઈ પણ દરવાજો ખખડાવો અને તેનો પરિચય પૂછો. કોઈ પણ વ્યક્તિ હિંદુના રૂપે પોતાનો પરિચય નહીં આપે. બલકે તે પોતાની જ્ઞાતિ, ગામ કે મોહલ્લાનો પરિચય આપશે.’’ આવું ઘણું બધું રજની કોઠારીએ પોલિટિકલ સાયન્ટિસ્ટ તરીકે નોંધ્યું છે.