વલસાડ : વલસાડમાં (Valsad) રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન વલસાડના દરિયામાંથી એક બોટ (Boat) બિનવારસી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક ધોરણે આ બોટ શંકાસ્પદ (Suspected Boat) હોવાની ચર્ચા ચાલી હતી. જોકે, આ બોટ યમનના (Yemen) દરિયામાંથી તણાઇને વલસાડના દરિયા કિનારે આવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડના દરિયામાં બિનવારસી હાલતમાં મળી આવેલી એક બોટને વલસાડના માછીમારો કોસંબા ગામના કાંઠે લઇ આવ્યા હતા. આ સંદર્ભે ડીએસપી ડો.કરનરાજ વાઘેલાએ ગુજરાત મિત્ર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, ‘બોટ શંકાસ્પદ નથી. બોટ વલસાડના દરિયા કિનારે તણાઇને આવે એવા મેસેજ પહેલા જ પ્રાપ્ત થઈ ગયા હતા. જે હાલ તણાઇને આવી ગઇ છે. આ બોટ યમનના માછીમારોની છે. જે ડૂબતી હોય તેના માછીમારોને બચાવી લેવાયા હતા પરંતુ બોટને દરિયામાં તરતી મુકી દેવાઇ હતી.
- યમનના માછીમારોની બોટ તરતી વલસાડ દરિયા કિનારે આવી પહોંચી
- કોસ્ટગાર્ડે મધ દરિયામાં જ બોટમાંથી સાધનો કબજે કરી મુંબઇ યલ્લોગેટ પોલીસ સ્ટેશનમાં આપી દીધા હતા
તેમણે વધુમાં જણાવ્યું કે, બોટ ભારતની સરહદમાં પ્રવેશી ત્યારે થોડા સમય અગાઉ જ કોસ્ટ ગાર્ડે બોટમાંથી મોબાઇલ તેમજ વોકી ટોકી જેવી ચીજ વસ્તુઓને લઇ તેને મુંબઇના યલ્લોગેટ પોલીસ મથકે જમા કરાવી દીધા હતા. ત્યારબાદ તેમણે પણ આ બોટને મધ્યદરિયે રહેવા દીધી હતી. જે ગમે ત્યારે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે આવશે એવા મેસેજ આપવામાં આવ્યા હતા. ત્યારે આ બોટ હાલ વલસાડ દરિયા કિનારે આવી ગઇ છે. જેની ઓળખ પણ થઇ ગઇ છે અને યમનના માછીમારોની જ આ બોટ હોવાનું સાબિત થયું છે.’
આ બોટ કોઇ પણ રીતે શંકાસ્પદ નથી અને તેમાં કોઇ વ્યક્તિ અહીં આવી ગયા હોય એ વાતમાં કોઇ દમ લાગતો નથી. જોકે, શરૂઆતમાં બોટ આવતા અનેક માછીમારોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. તેમના દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. જોકે, પોલીસે ખરાઇ કરી બોટ શંકાસ્પદ નહી, પરંતુ જાણિતી અને કોના નામે રજિસ્ટર છે તે પણ શોધી કાઢ્યું હતું.
બોટમાંથી બે મોબાઇલ મળ્યા હતા- સરલા વસાવે પીઆઇ
આ ઘટના સંદર્ભે મહારાષ્ટ્રના યલ્લો ગેટ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ સરલા વસાવે સાથે ગુજરાત મિત્રએ વાત કરતાં તેમણે જણાવ્યું કે, આ બોટની તપાસ કોસ્ટ ગાર્ડ કરી રહી છે. કોસ્ટ ગાર્ડે તેમને બોટમાંથી મળી આવેલા બે મોબાઇલ સુપ્રત કર્યા હતા. આ મોબાઇલ સ્માર્ટ ફોન હતા. જો કે, આ સિવાય બોટમાંથી કંઇ પણ વસ્તુ મળી ન હતી. જેને લઇ તેઓ પણ બોટ અંગે તપાસમાં જ હતા. બોટ વલસાડ આવી ગઇ હોય તો તેની તપાસ કરી રિપોર્ટ કરાશે.