CBSE ધોરણ 10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ,
Central Board of Secondary Education દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો આજથી દેશભરમાં સત્તાવાર પ્રારંભ થયો છે. સુરત શહેર અને જિલ્લામાં આજે સવારથી પરીક્ષા કેન્દ્રો બહાર ઉત્સાહ, આતુરતા અને થોડી ગભરાહટનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું.સવારે 10:30 વાગ્યે પરીક્ષા શરૂ થતાં પહેલાં જ વિદ્યાર્થીઓને 10:00 વાગ્યા સુધી કેન્દ્ર પર હાજર રહેવાની કડક સૂચના આપવામાં આવી હતી.

આ વર્ષે સુરતમાં કુલ 77 જેટલી CBSE સંલગ્ન શાળાઓના અંદાજે 16,410થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં બેઠા છે. જેમાં ધોરણ 10ના 7,760 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના કોમર્સ તથા સાયન્સ પ્રવાહના મળીને 8,650 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.શહેર અને જિલ્લામાં કુલ 21 પરીક્ષા કેન્દ્રો પર સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજનો પ્રથમ પેપર ગણિત વિષયનો, જેને લઈને અનેક વિદ્યાર્થીઓમાં વિશેષ તૈયારી અને થોડી ચિંતા પણ જોવા મળી. બીજી તરફ, ધોરણ 12 કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ એન્ટરપ્રેન્યોરશિપ વિષયની પરીક્ષા આપી.પરીક્ષા કેન્દ્રોની બહાર માતા-પિતાની હાજરી પણ નોંધપાત્ર રહી, જ્યાં તેઓ પોતાના બાળકોને શુભેચ્છા આપી પ્રોત્સાહન આપી રહ્યા હતા.
બોર્ડ પરીક્ષા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો મહત્વપૂર્ણ પડાવ માનવામાં આવે છે.આજથી શરૂ થયેલી આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યના અભ્યાસક્રમ અને કારકિર્દીની દિશા નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવશે.તેથી જ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક મહિનાથી સતત તૈયારીમાં વ્યસ્ત રહ્યા હતા.પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સીસીટીવી દેખરેખ, બેઠક વ્યવસ્થાની ચકાસણી, સ્ટાફની નિમણૂંક અને બોર્ડની માર્ગદર્શિકા મુજબ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે. કેન્દ્ર સુપરવાઇઝર અને નિરીક્ષકોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ, ઓળખપત્ર અને જરૂરી લેખન સામગ્રી સાથે સમયસર હાજર રહેવા માટે પહેલેથી જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુરતના હજારો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સપનાઓની દિશામાં પહેલું મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે. હવે આગામી દિવસોમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ સાથે આ શૈક્ષણિક મહાયજ્ઞ આગળ વધશે.