મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ ચાલુ છે. શિવસેના-ભાજપ ગઠબંધનમાં તિરાડના અહેવાલો વચ્ચે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવારના ભત્રીજા અને વિરોધ પક્ષના નેતા અજિત પવારે તેમની પાર્ટીને આંચકો આપ્યો છે. તેઓ એનસીપીના 40 ધારાસભ્યો સાથે NDA એટલે કે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમણે રવિવારે બપોરે ડેપ્યુટી સીએમના શપથ લીધા હતા. એનસીપીમાં મતભેદ એવા સમયે શરૂ થયો જ્યારે પાર્ટીના 25માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી.
હકીકતમાં, પ્રમુખ શરદ પવારે NCPના સ્થાપના દિવસ સમારોહમાં મોટી જાહેરાત કરી હતી. પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે અને પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. જ્યારે ભત્રીજા અજિત પવારને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પવારે કરેલી જાહેરાતમાં સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. એનસીપીમાં રાજકીય પરિવર્તનની વાર્તા નવેમ્બર 2019થી શરૂ થઈ હતી. ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. ભાજપને 105 બેઠકો મળી હતી. શિવસેનાના 56 અને એનસીપીના 54 ઉમેદવારોએ ચૂંટણી જીતી હતી. કોંગ્રેસે 44 બેઠકો જીતી હતી.
ભાજપ સાથે ચૂંટણી લડનાર શિવસેનાએ મુખ્યમંત્રીના મુદ્દે ગઠબંધન તોડી નાખ્યું હતું. ભાજપ સૌથી મોટો પક્ષ હોવા છતાં બહુમતીના આંકડાથી દૂર હતો. બહુમતી માટે પાર્ટીને 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. ઉતાવળમાં અજિત પવારે એનસીપીને ટેકો આપ્યો અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા. અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતાં. બીજી તરફ એનસીપી, શિવસેના અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી છે. ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, જ્યારે અજિત પવારને ફરીથી નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું.
જ્યારે શિવસેનામાં ભાગલા પડ્યા અને ભાજપની સરકાર બની, ત્યારે અજીત જૂથમાં હલચલ તેજ થઈ ગઈ હતી. ઘણા નિષ્ણાતો કહે છે કે અજિત જૂથ ભાજપ સાથે ગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં રાજનીતિ કરવા માંગે છે, જ્યારે પવાર તે ઈચ્છતા નથી. જો કે, આ તમામ સ્થિતિનો સીધો લાભ ભાજપને મળશે તેના પર એક નજર કરીએ તો સૌથી પહેલા શિવસેનામાં શિંદે જૂથે બળવો કર્યો એટલું જ નહીં પરંતુ શિવસેનાના સિમ્બોલ અને નામ પર દાવો કર્યો અને તેમાં તેઓ સફળ પણ રહ્યાં. તેના જ પગલાં પર અજિત પવાર પણ ચાલી રહ્યાં છે. તેઓ ખુલ્લેઆમ કહી રહ્યાં છે કે, તેમણે એનસીપી સાથે છેડો નથી ફાડ્યો એનસીપી તેમની જ પાર્ટી છે.
તેમણે પણ શિંદેજૂથના પગલે એનસીપીના નામ અને સિમ્બોલ પર દાવો કરી દીધો છે. મહારાષ્ટ્રમાં મુખ્ય પાંચ પક્ષ છે જેમાં એનસીપી અને કોંગ્રેસની વિચારધારા સરખી છે. તો શિવસેના અને ભાજપની વિચારધારા સરખી છે અને મનસે કેટલાક પરીબળોને અસર કરવા પૂરતી સિમિત છે. હવે શિવસેનાના બે ભાગ પડી ગયા છે એટલે તેના મતદારો શિંદે અને ઉદ્ધવ જૂથમાં વહેંચાઇ ગયા છે. તો બીજી તરફ હવે એનસીપીમાં ફાડચા પડી ગયા છે એટલે તેના મતદારો પણ શરદ જૂથ અને અજિત જૂથમાં વહેંચાઇ જશે. જ્યારે ભાજપની વોટબેંક અકબંદ છે એટલે આવતી ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતિની સરકાર બનાવે તો નવાઇ નહીં.