Columns

અવિમુક્તેશ્વરાનંદજીનો વરવો વિવાદ, ધર્મ અને રાજકારણ

ભારતમાં ધર્મ સાથે રાજકારણની ભેળસેળ વધતી જાય છે. માઘ મેળામાં પ્રોટોકોલ સાથે સ્નાન કરવાના મુદે્ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીને  તંત્રે અટકાવ્યા અને વિવાદ શરૂ થયો. યુપી સરકારે તંત્ર દ્વારા સ્વામીજીને એક પછી એક નોટીસ અપાઈ રહી છે અને સ્વામીજી ધરણાં પર બેસી ગયા છે. તંત્ર દ્વારા કાયમી પ્રતિબંધની વાત થઇ રહી છે તો સામે પક્ષે સ્વામીજી દ્વારા સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કરી છે. આવો વરવો વિવાદ ના થવો જોઈએ પણ થયો છે એ કમનસીબ છે.

માઘ મેળામાં કેટલાક નિયમો બનાવાયા છે. કુંભ મેળામાંથી પાઠ ભણી તંત્રે માઘ મેળામાં નિયમો બનાવ્યા છે અને ગિરદી બેકાબૂ ના બને એ માટે વ્યવસ્થા થઇ છે અને એટલે બગી પર સવાર સ્વામીજીને અટકાવાયા પણ સ્વામીજી જીદ લઇને બેઠા અને વિવાદ વધતો ચાલ્યો. એ વાત પણ સાચી કે, સરકાર દ્વારા અમુકતમુક નેતાઓ અને ઉદ્યોગપતિઓ માટે ખાસ વ્યવસ્થા થાય છે. કુંભ મેળામાં એવું થયું હતું. આ પણ ખોટું છે. આસ્થાના મામલામાં ભેદભાવ ના હોવો જોઈએ. હા, સલામતીનાં કારણો હોય ત્યાં વાત જુદી છે.

બીજી બાજુ, યુપી સરકારે અવિમુક્તેશ્વરાનંદજીને શંકરાચાર્ય માનવા જ ઇનકાર કરી દીધો છે અને એમાંથી વિવાદ વધુ વકર્યો છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે પણ યુપી સરકાર આમંત્રણ-પત્રિકામાં સ્વામીને શંકરાચાર્ય ગણ્યા છે એનું શું? હવે વાત યુપી સરકાર અને સ્વામીજી વચ્ચે લડાઈ સુધી પહોંચી છે અને એનું રાજકારણ શરૂ થયું છે.બીજી બાજુ જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી છેલ્લા કેટલાક સમયથી તેમનાં નિવેદનો અને સક્રિયતાને કારણે સતત ચર્ચા અને વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે.

તેમનો વિવાદ મુખ્યત્વે ધાર્મિક સિદ્ધાંતો અને વર્તમાન રાજકારણના મિશ્રણને કારણે સર્જાયો છે. સૌથી મોટો વિવાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે થયો હતો. અવિમુક્તેશ્વરાનંદજીએ આ કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો હતો અને તેની પાછળ શાસ્ત્રોક્ત કારણો આપ્યાં હતાં. સ્વામીજી ભાજપ સરકારની નીતિઓની ટીકા કરતા રહ્યા છે. તેમની ટીકાઓને કારણે વિપક્ષી નેતાઓ (ખાસ કરીને કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથ) તેમને સમર્થન આપતાં જોવા મળ્યા છે, જેનાથી એક છાપ એવી પડી છે કે તેઓ શાસક પક્ષની વિરુદ્ધમાં છે. તેમણે કેદારનાથ મંદિરમાંથી ૨૨૮ કિલો સોનું ગુમ થયાનો ગંભીર આરોપ લગાવીને વિવાદ છેડ્યો હતો.

જો કે, જે રીતે વ્યવસ્થા તંત્રે સાધુઓ સાથે વ્યવહાર કર્યો એ ટીકાપાત્ર છે અને કમનસીબી તો એ છે કે, આ મુદે્ સંતોમાં પણ બે ભાગ પડી ગયા છે. શારદાપીઠના શંકરાચાર્ય બ્રહ્માનંદ સરસ્વતીએ સરકારનાં પગલાંની ટીકા કરી છે. તો સતુઆ બાબા અને રામભદ્રાચાર્યે સરકારનું સમર્થન કર્યું છે. સંતોમાં રાજકારણ મુદે્ બે ભાગ પડે એ ઇચ્છનીય નથી. સંતો પણ કોઈ પક્ષને વફાદાર બને એ તો વધુ કમનસીબ છે અને બંને પક્ષે આવું બની રહ્યું છે. જેઓ ધર્મસ્થાન પર બેઠા છે અને સમાજને રાહ ચીંધે છે એ જ વિવાદમાં ફસાય અને તા તડુક પર આવી જાય એ આજની સ્થિતિ છે. યુપીમાં આવા વિવાદો વધતા જાય છે જ્યાં ધર્મનો મામલો આવે છે. આવા વિવાદો ના થવા જોઈએ પણ હવે વારેવારે થાય છે અને એમાં સરકાર અને સંતો સામેલ હોય ત્યારે આમ આદમીએ શું સમજવાનું? આ સ્થિતિ જરાય શોભનીય નથી.

મુંબઈ મહાપાલિકામાં સત્તા માટે સંઘર્ષ
મુંબઈ મહાપાલિકામાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો પણ એકનાથ શિંદેના સાથ વિના સત્તા મળે એમ નથી. મહાયુતિ ચૂંટણી જીતી છે ઠાકરે શાસનનો અંત આવ્યો છે. પણ મેયર કોણ બને એ મુદે્ મહાયુતિમાં ખેંચતાણ વધી છે. મહારાષ્ટ્રમાં ઘણી પાલિકામાં સત્તા માટે ભાજપ અને સાથી પક્ષોએ ઓવૈસી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને વિવાદ થયો પછી એ જોડાણ રદ કરાયાં હતાં. પણ કલ્યાણમાં શિંદે જૂથે  મનસા સાથે હાથ મિલાવ્યા છે. તાજેતરની ચૂંટણીમાં શિંદે જૂથને ૫૩ અને ભાજપને ૫૦ બેઠકો મળી હતી.

બહુમતી માટે ૬૨ બેઠકોની જરૂર હતી. શિંદે જૂથે મનસેના ૫ થી ૭ નગરસેવકોનો ટેકો મેળવીને પોતાનો મેયર બનાવવાની તૈયારી કરી છે. આ પગલાંને કારણે ભાજપ સાથેના તેમના સંબંધોમાં તણાવ વધ્યો છે. બીજી બાજુ મુંબઈ મહાપાલિકામાં શિંદે જૂથે મેયરપદ માગ્યું છે અને પોતાના નગરસેવકોને એક હોટેલમાં શિફ્ટ કર્યા.  મામલો ભાજપ મોવડીમંડળ પાસે પહોંચ્યો છે. મુખ્યમંત્રી ફડણવીસ કહે છે કે, મેયર તો ભાજપના જ હશે. શિંદે અને ભાજપ વચ્ચે મનમેળ રહ્યો નથી. મતભેદો વધતા જાય છે અને સત્તા માટે સોદાબાજી થવા લાગી છે. દેશના આર્થિક પાટનગરમાં સત્તાનો આ વરવો ખેલ ચાલે છે એ કમનસીબ છે.

અનાર પટેલ રાજકારણમાં આવશે?
પાટીદાર આંદોલનનાં કારણે જેમની ખુરશી ગયેલી એ આનંદીબહેન પટેલની પુત્રી અનાર પટેલ લેઉવા પટેલનાં ધામ ખોડલધામમાં સંગઠનનાં પ્રમુખ બને એ સમયની બલિહારી નહિ તો  બીજું શું? પણ આ નિયુક્તિથી ઘણી બધી અટકળો શરૂ થઇ જાય એ સ્વાભાવિક છે. છેલ્લા એક વર્ષથી અનાર પટેલ  ખોડલધામમાં સક્રિય છે. અગાઉ એમને ટ્રસ્ટી બનાવાયાં અને તાલુકા અને જિલ્લા કક્ષાએ ખોડલધામની સમિતિ અને એના હોદે્દારો માટે અનારે મહેનત કરી છે. અનાર આમ તો સામાજિક સંસ્થા ચલાવે છે પણ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જે રીતે અનાર પટેલની જાહેરાત કરી એ કેટલાક રાજકીય સંકેતો આપે છે.

ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં અનાર પટેલને ટિકિટ અપાશે એવી વાતો બહુ થઇ હતી પણ એમને ટિકિટ અપાઈ નહોતી. એ લડ્યાં નહોતાં પણ હવે ખોડલધામમાં એમને હોદ્દો અપાયો છે એ એમના રાજકારણમાં જવાનો સંકેત છે એમ માનવાને ઘણાં બધાં કારણો છે. પટેલ મત બેંક પર ખોડલધામનું વર્ચસ્વ છે એ સ્વીકાર્ય બાબત છે અને એમ પણ કહેવાતું રહ્યું છે કે નરેશ પટેલ બધા પક્ષો પાસેથી ટિકિટ અપાવી દે છે.

તો શું અનાર પટેલ ૨૦૨૭માં ધારાસભા લડશે? એમના વિજય વિષે તો શંકા ના હોય પણ જીત્યા બાદ એમનું સ્થાન ક્યાં હશે? એવા પ્રશ્નો પુછાય એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. ભાજપ કંઈક નવું કરવાની તૈયારીમાં છે એવા અણસાર અત્યારથી આવી રહ્યા છે. અને એ પણ નોંધવું જોઈએ કે, ૨૦૨૭માં ધારાસભાની ચૂંટણી છે અને એ જ વર્ષમાં ખોડલધામને દસ વર્ષ પૂરાં થાય છે અને એનો મહોત્સવ થવાનો છે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top