સુરત: રેમડેસિવિર ઈન્જેકશન(REMDESIVIR INJECTION)ના મામલે સુરત(SURAT)માં નીતનવા ફતવા બહાર પાડનાર સુરતના જિલ્લા કલેકટર (SURAT DISTRICT COLLECTOR) દ્વારા હવે કોરોનાના દર્દીઓને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી તેની સલાહ ડોકટરોને આપવાનું શરૂ કર્યું છે. ઈન્જેકશનની વ્યવસ્થા નહીં કરી શકનાર સરકારે અધિકારીઓના ખભે ‘બંદુક’ ફોડવાની કરેલી શરૂઆતમાં કલેકટરે ડોકટરોને એવું કહ્યું છે કે, ગમે તેવી સ્થિતિ હોય ટોસિલિઝુમેબ ઈન્જેકશન દર્દી માટે લખો જ નહીં અને રેમડેસિવિર ઈન્જેકશન મામલે પણ દર્દીની સ્થિતિ જોઈને જ તેની જરૂરીયાત લખો!
સુરત શહેર સહિત સમગ્ર રાજયભરમાં કોરોના ઉપર નિયંત્રણ રહ્યું નથી. કોરોનાનો ગ્રાફ રોકેટગતિએ ઉપર જઇ રહ્યો છે. જેને લઇને ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ કોરોના પેશન્ટસથી ઉભરાઇ ગઇ છે. કોરોના માટે પેશન્ટને પૂરતી સારવાર અને દવા પહોચાડવામાં સરકાર નાપાસ થઇ છે. પરંતુ સરકારે પોતાની આ નિષ્ફળતા છુપાવવા માટે હવે જિલ્લા કક્ષાએ કલેકટરો મારફત નીતનવા ‘દાવ’ રમી રહી છે.આજે જિલ્લા કલેકટેર સુરત શહેરના અલગ અલગ 12 તબીબી તજજ્ઞો સાથે મસલતો કરી હતી. આ ચર્ચામાં કલેકટરે ડોકટરોને સલાહ આપી હતી કે ઈન્જેકશનોનો વપરાશ ઘટાડો. તબીબો સમજી વિચારીને ઈન્જેકશન લખો. કલેકટરે આડતકરી રીતે ઇન્જેકશન પૂરતા નહિ મળતા હોવાનો એકરાર કરી આગામી દિવસોમાં ઓકિસજનની કટોકટીનો સામનો કરવા માટે આયોજન કરવાની પણ અપીલ કરી દીધી હતી.
સરકારે ખરેખર ઈન્જેકશન પૂરા પાડવા જોઈએ, પરંતુ અધિકારીઓને બલીનો બકરો બનાવે છે
વાસ્તવમાં આ મામલે સરકારે પૂરતા પ્રયાસ કરવા જોઇએ. તેના બદલે સરકારે અધકચરા પ્રયાસ કરી બાજી કલેકટરનો હાથમાં સોપી દીધી છે. સમાજમાં લોકોની વચ્ચે સરકારે પોતાની પોલ છુપાવવા માટે કલેકટરે તાસકે ચઢાવી દીધા છે. સરકાર ઉપરથી જ દવા કે ઇન્જેકશન આપવામાં નિષ્ફળ છે. તે વાત છુપાવવા હવે તબીબો સામે મસલતોના નામે નાટકો ચાલું કરાયા છે.
સુરત તો શું ગુજરાતમાં એક મહિનાથી ટોસિલિઝુમેબ ઈન્જેકશન નથી, તેથી તેને પ્રિસ્ક્રાઈબ નહીં કરો: કલેકટર
સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલએ તબીબોને એવું કહ્યું હતું કે, કોરોનાના દર્દીઓ માટે ટોસિલિઝુમેબ લખવાનું બંધ કરો. જે ઇન્જેકશન આઉટ ઓફ પ્રોડકટ છે તે શા માટે લખવામાં આવે છે? આ રીતે જે પ્રોડકટ માકેર્ટમાં અવેલેબલ ન હોય તે લખી પેશન્ટના સંબંધીઓને દોડાવવાની જરૂરીયાત નથી. આ ઈન્જેકશન જ હવે બંધ થઈ ગયા છે.
ઓકિસજનનો બિનજરૂરી વપરાશ ઘટાડવા પણ અપીલ
એક તરફ સરકાર ઓક્સિજનનો પૂરતો જથ્થો હોસ્પિટલોને આપી શકતી નથી, બીજી તરફ આ મામલે મોટો હોબાળો નહીં થાય તે માટે સરકાર અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે. આજની બેઠકમાં સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલએ ઓકિસજન વપરાશ ઉપર પણ તબીબોને સમજાવવાની કોશિષ કરી હતી. તેમણે એવું કહ્યું કે કેટલેક ઠેકાણે ઓકિસજનનો દૂરુપયોગ ધ્યાન ઉપર આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં જ 70 ટન ઓક્સિજનની બચત કરવામાં આવી છે. ઓકિસજન કયારે આપવો? કયારે બંધ કરવો? કયારે વાલ્વ ચેક કરવો? તે અંગે તબીબોને ચાંપતી નજર રાખવા કલેકટરે કહ્યું હતું.
કલેકટરની વાત સાચી છે: ડો.પારૂલ વડગામા
નવી સિવિલ હોસ્પિટલના ચેસ્ટ વિભાગના પ્રા.ડો.પારૂલ વડગામાએ કહ્યું હતું કે આજે કલેકટર સાથે મીટિંગ થઇ હતી. જેમાં આઇએમએના ડો.હિરલ શાહ, ડો. ધીરને પટેલ, ડો.નિર્મલ ચોરારીયા, ડો.આર.સી.જૈન, ડો.અજય જૈન, ડો.અનિલ ગોસ્વામી સહિત વિવિધ ફેમિલી ફીઝિશ્યન હાજર રહ્યાં હતાં. ડો.પારૂલ વડગામાએ કહ્યું હતું કે, જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલએ જે અપીલ કરી છે. તે સાચી છે. તેમણે ઓકિસજનનો બગાડ અટકાવવા તેમને ઓકિસજન ઓડિટ કમિટી બનાવવા અપીલ કરી છે.