SURAT

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી વર્લ્ડ ટ્રાયથ્લોન સ્પર્ધામાં સુરતનાં આ ખેલાડીએ આર્યન મેન મેડલ જીત્યું

સુરત: દક્ષિણ આફ્રિકા(South Africa)માં યોજાયેલી વર્લ્ડ ટ્રાયથ્લોન ઓર્ગેનાઇઝેશન કોમ્પિટિશન(World Triathlon Organization Competition)માં ગુજરાત(Gujarat)થી સુરત(Surat)ના એકમાત્ર સ્પોર્ટસમેને ભાગ લીધો હતો અને સ્વિમિંગ, સાઇકલિંગ અને ત્યારબાદ 42 કિ.મી.ની દોડ પૂર્ણ કરી આર્યન મેન મેડલ(Aryan Man Medal) પ્રાપ્ત કર્યું હતું. સુરતના મહેશ પ્રજાપતિ એક નહીં, પરંતુ ચોથી વખત આ સ્પર્ધામાં ભાગ લઇ ચૂક્યા છે.

  • ટ્રાયથ્લોન સ્પર્ધામાં ગુજરાતમાં સુરતથી એકમાત્ર ખેલાડી મહેશ પ્રજાપતિએ આ મેડલ હાંસલ કર્યું
  • દરિયામાં 3.8 કિ.મી. તરવાનું, અને 180 કિ.મી. સાઇકલ ચલાવવા અને અંતે 42 કિ.મી. દોડીની સ્પર્ધા હતી
  • 17 કલાકનાં બદલે માત્ર 13 કલાક 18 મિનીટમાં જ ટ્રાયથ્લોન પૂર્ણ કરી

વર્લ્ડ ટ્રાયથ્લોન ઓર્ગેનાઇઝેશન દ્વારા આર્યન મેન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિશ્વભરમાંથી રમતવીરો ભાગ લેતા હોય છે. દ.આફ્રિકાના પોર્ટ એલિઝાબેથ ખાતે ગત એપ્રિલ મહિનામાં યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં માત્ર સુરતથી મહેશ મનુભાઇ પ્રજાપતિ (ઉં.વ.46)એ ભાગ લીધો હતો. ચોથી વખત તેઓએ સ્પર્ધામાં ભાગ લઇ આર્યન મેનનું મેડલ મેળવ્યું છે. મહેશ પ્રજાપતિ 2017થી આવી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. તેમને વર્ષ-2006માં સુરતમાં આવેલા પૂર બાદ તરવાનું શીખવાની ઇચ્છા જાગી હતી અને તેમણે તરવાનું, ત્યારબાદ સાઇકલ ચલાવવાની પ્રેક્ટિસ અને દોડવાની પ્રેક્ટિસ કરી હતી. 2017થી મહેશ પ્રજાપતિ વર્લ્ડ ટ્રાયથ્લોનમાં ભાગ લઇ રહ્યા છે.

17 કલાકની સ્પર્ધા 13 કલાકમાં પૂરી કરી
તેમણે જણાવ્યું હતું કે, વર્લ્ડ ટ્રાયથ્લોન ઓર્ગેનાઇઝેશન બે કેટેગરીમાં યોજાઇ છે. જનરલ કેટેગરી અને પ્રોફેશનલ કેટેગરી પ્રોફેશનલ કેટેગરીમાં યુવા વયના સ્પર્ધકો વધારે હોય છે. આ સ્પર્ધકો જે રૂટ ઉપર ટ્રાયથ્લોન યોજાવાની હોય છે તેની અઠવાડિયામાં 20થી 30 કલાક પ્રેક્ટિસ કરે છે. જનરલ કેટેગરીમાં ગુજરાતમાંથી આર્યન મેન મેડલ એકમાત્ર મહેશ પ્રજાપતિને મળ્યું છે. ગત એપ્રિલમાં યોજાયેલી કોમ્પિટિશનમાં 3.8 કિ.મી. દરિયામાં સ્વિમિંગ ત્યારબાદ 180 કિ.મી. સાઇકલિંગ અને 42.2 કિ.મી. દોડવાનું હતું. 17 કલાકની આ સ્પર્ધા મહેશ પ્રજાપતિએ 13 કલાક 18 મિનીટમાં પૂર્ણ કરી હતી.

17 વર્ષ પહેલાં થઇ હતી કમરની તકલીફ
આર્યન મેન મેડલ મેળવનાર મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મને 17 વર્ષ પહેલાં કમરમાં તકલીફ ઊભી થઇ હતી. તબીબોએ ઓપરેશન કરવાની સલાહ આપી હતી. જો કે, આરામ અને ફિઝિયોથેરાપીથી મને તકલીફ દૂર થઇ ગઇ હતી. ત્યારબાદ 2017થી શોખ ખાતર તરવાનું શીખી, રનિંગ અને સાઇકલિંગ કરી સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. વિશ્વમાં આર્યન મેન ટ્રાયથ્લોન સૌથી અઘરી સ્પર્ધામાંની એક છે. કારણ કે, તે એક દિવસ પૂરતી જ યોજાઇ છે.

Most Popular

To Top