Columns

વૈશ્વિક મંદીના આગમનની રાહ જોવાઈ રહી છે

એક અહેવાલ  પ્રમાણે આ ઉનાળામાં ગરમી ખૂબ પડી તો પણ જ્યાં ઉનાળો છે ત્યાં અને યુરોપ-અમેરિકામાં જ્યાં શિયાળો હતો ત્યાં લોકોએ વીજળીનો ઉપયોગ ઘટાડયો. ખાસ કરીને પ્રકાશનાં સાધનો ઓછા વાપર્યાં. તેલ અને ગેસની કિંમતો વધીને ત્રણ ગણી થઈ ગઈ. યુક્રેન-રશિયા યુદ્ધને કારણે માલસામાન, જીવનજરૂરી સામગ્રીઓનું વહન અને વેપાર મોંઘા બન્યાં અને પ્રતિબંધોને કારણે પુરવઠા પર કાપ મુકાયો.

તેમાં વળી બળબળતા ઉનાળાએ ઉષ્ણકટિબંધમાં ખેતઉત્પાદન ઘટાડ્યું. એક સાથે અનેક તકલીફો આવી ચડી. મોંઘવારી ખૂબ વધી ગઈ. સ્વાભાવિકપણે આપણે ભારતમાં છીએ તેથી ભારતની સમસ્યાઓથી વધુ વાકેફ અને વધુ ચિંતિત રહેતા હોઈએ. એ જ રીતે દરેક દેશના નાગરિકો પોતપોતાના દેશોમાં ચાલી રહેલી સ્થિતિ વિષે ચિંતા કરે. એ સંદર્ભમાં જોઈએ તો દુનિયામાં કોઈ સ્થળે હાલમાં ચિંતામુક્ત વાતાવરણ નથી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા વગેરે વિકસિત દેશો ચિંતામાં પડ્યા છે ત્યારે અવિકસિત કે અર્ધવિકસિત દેશો ભારે પનોતી ભોગવી રહ્યા છે તે અપેક્ષિત જ છે.

મોંઘવારીને કારણે જગતભરમાં ફુગાવો સર્જાયો છે. અનેક દેશોમાં ચીજવસ્તુની કિંમતોમાં 40% જેટલો વધારો થયો છે અને લગભગ તમામ દેશોનો પ્રાઈસ ઈન્ડેક્સ 8% અને તેથી વધુ ઉપર ગયો છે. દરેક દેશોની રિઝર્વ બેન્કો વ્યાજના દર વધારી રહી છે જેથી બજારમાં નાણાંનું પ્રમાણ ઘટે. લોકો આમેય મોંઘવારી વધવાથી બિનજરૂરી ચીજોની ખરીદી લગભગ બંધ કરે છે અથવા સાવ ઓછી કરી નાંખે છે. પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ ઘટવા માંડે અને અર્થતંત્ર ફુગાવામાંથી નીકળીને મંદીમાં જતું રહે. વરસાદ અગાઉ ખૂબ ગરમી હોય અને વરસાદ બાદ ઠંડક પ્રસરે તેવી આ સ્થિતિ છે. પણ અર્થતંત્રની ઠંડક (મંદી) ફુગાવા કરતાં પણ વધુ દઝાડે. કોરોના સંકટમાં ઉદ્યોગધંધામાં ઠંડક પ્રસરી ગઈ હતી તે અનુભવ તાજો છે.

જગતને હવે આવી રહેલી મંદીનો ડર સતાવી રહ્યો છે. રશિયા યુક્રેનના નિર્દોષ નાગરિકોની અમાનવીય કતલ બેરોકટોક ચલાવી રહ્યું છે. અમુક અપવાદ સમાન દેશો, જેમ કે ભારત, ચીન, ઈરાન વગેરેને બાદ કરતાં બાકીના વિકસિત દેશોએ રશિયા સાથેના હુક્કાપાણી અને ધંધારોજગારો બંધ કર્યાં છે. રશિયાને યુદ્ધ લડવા માટે રોજની રોકડ આવકની ખૂબ જરૂર છે, પણ જે દેશો રશિયાના દાયકાઓથી ઘરાક છે તેમણે રશિયાનાં ઓઈલ-ગેસ ખરીદવાનું બંધ કર્યું છે. ખૂબ આવશ્યક હોય એટલી ખરીદી જ જર્મની વગેરે કરે છે. છ મહિનામાં એ ખરીદી બંધ કરી દેશે. પરંતુ જર્મનીએ ખરીદી ચાલુ રાખી તેથી ભારતને કારણ મળી ગયું. પ્રતિબંધોની અવગણના કરી ભારત પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદશે.

બદલામાં જે કમાણી થાય તેનો ઉપયોગ રશિયનો વધુ યુક્રેનીઅનોને મારવા માટે કરશે. કોઈકને વ્યક્તિગત ધોરણે આ વાત અસર કરે પરંતુ આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને અર્થનીતિમાં સૌ પોતપોતાનું હિત જ જોતા હોય છે. આવી બાબતોને સ્થાન અપાતું નથી. અપાતું હોત તો હિટલર કે પુતિન જોર કરી શક્યા ન હોત. આ સ્થિતિની સાઈડઈફેક્ટ તરીકે ભારતને તેલ સસ્તું મળતું થયું અને સરકાર ભાવ ઘટાડી શકી. આ સાઈડઈફેક્ટની એક મુખ્ય અસર હવે ભારતમાં જોવા મળશે. બીજા દેશો પર ફુગાવા અને મંદીની જેટલી અસર પડશે એટલી ભારત પર નહીં પડે. તેમ છતાં જાગૃતિકરણના હાલના સમયમાં આર્થિક અસરોથી સાવ અલિપ્ત રહી શકાય નહીં કારણ કે અર્થતંત્રો આયાત-નિકાસના વેપારને આધારે જ ચાલતા હોય છે. હીરા, ઝવેરાત, કપડાં, પ્રવાસન, વિમાન સેવાઓ, નિકાસ આધારિત કોમોડીટીઝની આવક ઘટી જાય.

તેલ અને ગેસની કિંમતો વધી રહી છે. તેલ અને ગેસના ધંધામાં આઠેક વરસથી માર ખાઈ રહેલા ઓપેક દેશો હાલની સ્થિતિમાં રોકડી કરવા માગે છે તેથી રશિયાના તેલ પર પ્રતિબંધો મુકાયા છતાં ઓપેક દેશો ઉત્પાદન વધારવા માગતા નથી અને અછત ટકાવી રાખવા માગે છે. પુરવઠાની આ અડચણો અને અવ્યવસ્થાએ ફુગાવો નોતર્યો છે અને હવે મંદીને આમંત્રણ આપી રહી છે. મંદીના ભણકારાને કારણે જગતનાં મહત્ત્વનાં શેરબજારો નીચે જઈ રહ્યાં છે. ભારતમાં તેલ, ગેસની કિંમતોમાં ઘટાડાએ શેરબજારમાં થોડો ઉત્સાહ આણ્યો છે પણ આખરે શેરબજારો વૈશ્વિક ચાલ પર પણ ચાલતાં હોય છે. જગતમાં વ્યાજના દરો વધી રહ્યા છે. ગ્રાહકોના શ્રદ્ધા અને વિશ્વાસના ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા વગેરેની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. અમેરિકામાં હમણાં રોજગારીનું પ્રમાણ ઐતિહાસિક ગણાય એટલું મજબૂત બન્યું હતું, હવે તેમાં પણ નબળાઈ જણાવા માંડી છે. મકાનોની કિંમતો નીચે જઈ રહી છે. નિષ્ણાતોના મતે આ બધા આવી રહેલી મંદીનાં લક્ષણો છે. અમેરિકામાં હવે નવેમ્બરમાં કેટલીક મિડટર્મ ચૂંટણીઓ આવી રહી છે. નબળું અર્થતંત્ર શાસક ડેમોક્રેટિક પાર્ટી માટે પડકારરૂપ બનશે. જગતમાં તમામ રાજકીય નેતાઓ જાણે છે કે ફુગાવો, મંદી અને મોંઘવારીનું કારણ ક્યાંક અન્યત્ર છે પણ તેઓ તે માટે પોતપોતાના દેશોની સરકારને જવાબદાર ગણાવે છે. ખોટો વિરોધ કરવાનું અને ભાખરી શેકવાનું મહત્ત્વનું કારણ તેઓને મળી ગયું છે.

જો કે દરેક વખતે તેઓ ખોટા હોય છે તેમ કહેવાનો આશય નથી પરંતુ હાલની મોંઘવારી વૈશ્વિક છે અને સરકારોનો ક્યારેક તેમાં દોષ હોતો નથી, ક્યારેક હોય છે. જો કે અમેરિકામાં વિપક્ષોએ હાલના ફુગાવાને ‘બાઈડનફલેશન’ નામ આપ્યું છે. નિષ્ણાતો ચેતવે છે કે હવે જે મંદી આવશે તે કમસે કમ છ મહિના ચાલશે. આજના સમયમાં છ મહિનાનો ગાળો પણ લાંબો ગણાય. હાલમાં જ અમેરિકામાં જે ફુગાવો અને મોંઘવારી નોંધાયાં છે તે છેલ્લાં 40 વરસમાં સૌથી વધુ છે. આમાં પણ જો ફરીથી કોવિડ વ્યાપક બન્યો તો દુકાળમાં અધિક માસ. નિષ્ણાતોના મતે જો મંદીને આવતા અટકાવી શકાશે તો તે એક ચમત્કાર હશે. સફોક યુનિવર્સિટી દ્વારા હમણાં એક સર્વે કરાયો તેમાં 35% લોકોએ પ્રતિભાવ આપ્યો કે હાલમાં અમેરિકાનું અર્થેતંત્ર ધીમું પડ્યું છે અને 16% લોકોનું કહેવું હતું કે તે ઓલ રેડી મંદીમાં સપડાઈ ગયું છે. જો કે હાલમાં આ બેમાંથી કોઈ ખરાબ સ્થિતિ સર્જાઈ નથી. જો કે 10% અમેરિકનો કશું જાણતા ન હતા. અને જો જાણતા હતા તો ખોટું જાણતાં હતાં.

મોટા ભાગના મતદારો કે લોકોને માત્ર એટલr જ ખબર હોય છે કે મોંઘવારી છે, પણ તેની પાછળનાં કારણો જાણતાં હોતાં નથી અને મોંઘવારી માટે સરકારને જ જવાબદાર ગણે છે. અમેરિકાનું ઉદાહરણ લઈએ તો અમેરિકાની સરકારે વ્યૂહાત્મક કારણોથી તેલના જે ભંડારો ભરી રાખ્યા છે તેમાંથી તેલ રિલીઝ કરવા માગે છે જેથી કિંમતો અને ફુગાવો નીચે આવે. વાસ્તવમાં યુધ્ધ જેવી આત્યંતિક સ્થિતિમાં આ ભંડારણોનો ઉપયોગ કરવાનો હોય. ગયા સપ્તાહે અમેરિકામાં તેલ – ગેસની કિંમતોએ નવો વિક્રમ સજર્યો હતો.

બાઈડને જાહેર કર્યું છે કે કિંમતો નીચે આણવી તે અમેરિકન સરકારની ઘરઆંગણાંની ટોપ પ્રાયોરિટી છે. બાઈડન ગમે એટલું સમજાવે પણ એમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. માત્ર 12 % અમેરિકનો જ માની રહ્યા છે કે અમેરિકાનું અર્થતંત્ર સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકન પ્રજાને મોંઘવારી એ અમેરિકાની હાલની સૌથી મોટી સમસ્યાઓમાંની એક જણાય છે. ત્યાં લોકોને રોજગારી મળી રહે છે. દિવસનું સારું મહેનતાણું મળે છે. જો રોજગારી ન હોય તો બેરોજગારી ભથ્થું એટલું મળે છે કે એ રકમમાં મહિનો સારી રીતે પસાર થાય. તે હિસાબે ભારતની પ્રજાની સ્થિતિ ખૂબ આકરી કસોટી જેવી ગણાય.

લોકો એક સાંધે અને તેર તૂટે. 23 %  અમેરિકનો એમ પણ માને છે કે બાઈડન અર્થતંત્રના પડકારોનો યોગ્ય સામનો કરી રહ્યા છે. મતલબ કે 77 %  નાખુશ છે. તે જોતાં ભારતના શાસકોએ વધુ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ. અમેરિકામાં વિમાન પ્રવાસ અવ્યવસ્થિત બન્યો છે. લોકોએ વિમાનમથકો પર ફલાઈટ માટે ચારથી પાંચ કલાક રાહ જોવી પડે છે. અનેક ચીજવસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. અર્થતંત્ર પાટા પરથી ઊતરી જાય ત્યારે આવી દુવિધાઓ પેદા થતી હોય છે. ભારત સરકારે તેમાંથી બોધપાઠ શીખવો પડશે. આગામી વરસમાં સરકારે ચૂંટણીઓ માટે તૈયારી કરવાની છે. કોઈક નાનકડી ભૂલ મોટી ભૂતાવળ બની શકે. દરેકે કમર કસીને તૈયાર રહેવું પડશે.

Most Popular

To Top