Columns

પરફ્યુમની સુગંધ

સલોની સાંજ આકાશને રંગીન બનાવી રહી હતી. રાતવાસો કરવા માટે ઝાડ પર જગ્યા સિક્યોર કરવાની લાહ્યમાં પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. ડ્રોઈંગરૂમની ગેલેરીમાં ઝૂલતાં હીંચકાને પગની ઠેસથી હલાવી રહેલી ઋતુ આ બધું ભાવશૂન્ય આંખે જોઈ રહી હતી. હજુ બે-ત્રણ મહિના પહેલાં આવી સાંજે એ કોઈની સાથે ઝૂલતી હતી અને અચાનક એ ગોઝારા દિવસ પછી એ અમાપ વિશ્વમાં એકલી થઈ ગઈ. એણે ઊંડા ઊંડા શ્વાસ લીધા પણ કશેથી પ્રતીકના પરફ્યુમની સુવાસ ન આવી. આંખમાં આંસુ આવી ગયાં.

ઋતુએ ઘીમે ઘીમે ઝૂલ્યા કર્યું. બીજું કરવાનું પણ શું હતું? રસોઈ સવારે બનાવી હતી એ હજુ ફ્રીજમાં પડી છે. પ્રતીકને ભરેલાં રીંગણાનું શાક ખૂબ ભાવતું. આજે ઋતુએ સવારે એ જ બનાવી દીધું હતું. ભરેલાં રીંગણાનું શાક-ભાત અને રોટલી. સાથે કેરીનો રસ. બધું બનાવીને જમવા બેઠી, પહેલો કોળિયો ભર્યો ત્યાં જ પ્રતીક યાદ આવી ગયો. પછી કેમ કરીને જમવા પ્રયત્ન કર્યો પણ ખાઈ ન શકી.

બધું ફ્રીજમાં મૂકી દીધું. બપોર આખી વેબ સીરિઝ જોવામાં પસાર કરી દીધી. વેબ સીરિઝ જોવામાં એક જાતનું સુખ છે. તમારા દુ:ખદર્દ ભૂલીને એ કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જવાનો મોકો મળે. જાણે જીવનમાં કોઈ દુ:ખનું અસ્તિત્વ જ નથી. ‘વેબ સીરિઝ જાણે કોઈ ડ્રગસ જેવું કામ આપે છે. પોતે એની બંધાણી થઈ ગઈ છે કે શું?’ઋતુને સવાલ થયો. એણે છેલ્લા એક મહિનામાં પોતે જોએલી વેબ સીરિઝનું મનોમન લિસ્ટ બનાવ્યું. અલમોસ્ટ રોજના 5થી 6 કલાક એ OTT પ્લેટફોર્મ પર પસાર કરે છે. ક્ષણભર તો ઋતુને પોતાના પર દાઝ ચડી, ‘પાકી બંધાણી થઈ ગઈ છું.’પણ બીજી જ પળે કોઈ ડ્રગ એડિક્ટની જેમ એણે પોતાને માફ કરી દીધી. ‘તો હવે કરવાનું પણ શું?’

2-3 મહિના પહેલાં જીવનમાં પ્રતીક હતો. મજાની લાઈફ હતી. પતિ-પત્ની બન્ને સુખી હતા. બન્ને યુવાન, બન્ને જોબ કરે, લહેરથી જીવન જીવી શકાય તેવી કમાણી. કોઈ વાતની ખોટ ન હતી. અઠવાડિયાના 5 દિવસ કામ કરવાનું અને પછી શનિ-રવિમાં મજેથી ફરવાનું. મૂવી જોવા જવાનું કે પછી દોસ્તો સાથે ફાર્મ પર પાર્ટી કરવાની. ટ્રેકિંગ કરવા જવાનું કે પછી જંગલમાં પક્ષી-પ્રાણીઓ જોવા જવાનું. કેટલી મજાની લાઈફ હતી!

એ દિવસે પ્રતીક ઓફિસથી બાઈક પર આવતો હતો. રસ્તામાં રોંગ સાઈડથી આવતી ગાડીએ ટક્કર મારી અને એ ડિવાઈડર સાથે અથડાઈ ગયો. રસ્તા પર જ બેભાન થઈ ગયો હતો. હેલ્મટે પહેરી હતી પણ કેમ કરતાં હેલ્મેટ નીકળી ગઈ એ કોઈને ખબર ન પડી. માથામાંથી થોડું લોહી નીકળ્યું હતું. બસ એ પછી હોસ્પિટલ લઈ ગયા. તો ડૉકટર્સે એને બ્રેન ડેડ જાહેર કરી દીધો.

ઋતુ શોકથી સ્તબ્ધ હતી.2 દિવસ પ્રતીકને વેન્ટિલેટર પર રાખ્યો. ઋતુ નિર્ણય કરવા માટે સક્ષમ થઈ એટલે એણે પ્રતીકનાં અંગોનું દાન કર્યું. જે ગયું તે ગયું , પણ એને કારણે બીજા 5-6 જણના જીવનમાં ઉજાસ પ્રતીક ફેલાવતો ગયો એનો સંતોષ ઋતુને હતો. થોડા દિવસ ઘરમાં ચહલપહલ રહી. મમ્મી અને દીદી બે મહિના રોકાઇ ગયા પણ પછી દીદીને પોતાનું ફેમિલી અને મમ્મીને અહીં શહેરમાં ગમે નહીં એટલે એમને જવા દીધા. 2-3 મહિના થયા પણ હજુ ઓફિસ જવાનું મન થતું ન હતું. કોના માટે કમાવાનું? પ્રતીકના વીમા પોલિસીના એટલા પૈસા આવ્યા છે કે એ ક્યાં વાપરવા એ મોટો સવાલ છે એટલે કમાઈને શું કરવાનું? મિત્રોએ બહુ સમજાવી કે જોબ ચાલુ રાખ. તારો સમય પસાર થશે પણ ઋતુનું મન માનતું ન હતું. છેવટે રાજીનામું ન આપવાનો નિર્ણય કરીને એ રજા પર ઊતરી ગઈ. મમ્મીએ એની સાથે ગામ લઈ જવા બહુ આગ્રહ કર્યો હતો પણ ઋતુ ન ગઈ. ગામ જાય તો બધાં સગાં-વહાલાં મળવા આવે અને વળી પાછું એ રોના-ધોના! પ્રતીકને કોઈ રડે તે કોઈ દિવસ ગમ્યું ન હતું.

છેલ્લા કેટલા દિવસથી સરખી ઊંઘ જ આવતી નથી. રાતે વહેલી સૂઈ જવા પ્રયત્ન કરે પણ આંખ મિંચાઈ જ નહીં. બેડરૂમના TV પર વેબ સીરિઝ જોયા કરે. રાતે રોજ 2-3 વાગે અને રોજના સમય સાડા છએ ઊંઘ ઊડી જાય. કાલે બાજુવાળા પાડોશી કહેતાં હતાં, ‘’ઋતુબહેન તમે બહુ પાતળાં થઈ ગયાં છો’’.પ્રતીકના ગયા પછી છેલ્લે ક્યારે સરખું જમી હતી તે ઋતુને યાદ નથી. કપડાં બધાં મોટા લાગે છે કે નહીં એને ખબર નથી. બસ કપડાં થોડા ખૂલતાં થાય છે એટલે ગરમી નથી લાગતી. એટલી એને ખબર છે.

બહાર હવે અંધારુ થઈ ગયું હતું. પક્ષીઓનો કલબલાટ શમી ગયો હતો. અચાનક પ્રતીકના પરફ્યુમની સુગંધ એને મહેસૂસ થઈ. ઋતુ આશ્ચર્યથી હીંચકા પરથી ઊભી થઈ ગઇ. એણે આજુબાજુ નજર કરી પણ કોઈ દેખાતું ન હતું. ઋતુએ ખાતરી કરવા ફરી ઊંડા ઊંડા શ્વાસ લીધા. તો ફરી એ પરફ્યુમની સુવાસ તીવ્રતાથી આવી રહી હતી. એણે ગેલરીમાંથી ડોકિયું કર્યું તો એક વ્યક્તિ નીચેની ગેલેરીમાં ઊભો હતો. કદાચ આ પરફ્યુમની સુગંધ એનામાંથી આવી રહી છે. ઋતુ એ સુવાસને શ્વાસમાં ભરતી રહી. બહુ ભૂખ લાગી હોય તેવો અહેસાસ થયો. એ ફ્રીજમાંથી જમવાનું લઈ આવી. એણે હીંચકા પર બેસીને ખાઈ લીધું કટેલા દિવસ પછી તૃપ્તિનો ઓડકાર આવ્યો. મોડી રાત સુધી ઋતુ ગેલેરીમાં બેઠી રહી. પણ એ રાતે એને સરસ ઊંઘ આવી. બીજે દિવસે નાહીને એણે પ્રતીકનું પરફ્યુમ કાઢીને લગાવ્યું અને ઓફિસમાં ફોન કરીને જાણ કરી દીધી, ‘આજથી હું ઓફિસ જોઈન કરું છું.’

Most Popular

To Top