National

દેશમાં મધરાતથી પેપર લીક વિરોધી કાયદો અમલમાં આવ્યો, જાણો વિગતો

નવી દિલ્હી: પેપર લીક (Paper leak) કરનારા ઇસમો હવે માત્ર જેલની સજા ભોગવીને છૂટી શકશે નહીં. કારણ કે પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી કાયદો (Law) લાગુ કર્યો હતો. સરકારે શુક્રવારે મોડી રાત્રે આ કાયદાને લઈને નોટિફિકેશન (Notification) બહાર પાડ્યું હતું. જેમાં પેપર લીક કરાનારા લોકો વિરુધ્ધ સજાની પણ માહિતી આપવામાં આવી છે.

આ કાયદાને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ 2024 નામ આપવામાં આવ્યું છે. આ કાયદો ફેબ્રુઆરી 2024માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ કાયદાને મંજૂરી આપી દીધી છે. આ કાયદાના અમલ પછી પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી 10 વર્ષ સુધીની સજા અને 10 લાખથી એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. UPSC, SSC, રેલવે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને NTA દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ આ કાયદા હેઠળ આવશે.

NET અને NEET પરીક્ષામાં ગોટાળાના સમાચાર સામે આવ્યા બાદ દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. આવી સ્થિતિમાં, NTA એ CSIR-UGC-NET પરીક્ષા પણ સ્થગિત કરી દીધી હતી. NTAનું કહેવું હતું કે સંસાધનોની અછતને કારણે આવું કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 25 જૂનથી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. ત્યારે આગામી તારીખ NTAની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

હવે જો ગેંગ પકડાય તો 1 કરોડનો દંડ
નોટીફિકેશન મુજબ જો કોઈ વ્યક્તિ અથવા સાથે જૂથ સાથે મળીને યોજના બનાવીને પેપર લીક કરે છે તો તેને 5-10 વર્ષની જેલ અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે. જો કોઈ સંસ્થા પેપર લીકમાં સંડોવાયેલી હોય તો તેની મિલકતનો નાશ કરવાનો અને પરીક્ષાનો સમગ્ર ખર્ચ તે સંસ્થા પાસેથી વસૂલવાનો નિયમ છે. આ કાયદા હેઠળ આરોપીઓને જામીન આપવાની કોઈ જોગવાઈ નથી. આ સાથે જ ડીએસપી કે આસિસ્ટન્ટ કમિશનરથી નીચું હોદ્દો ધરાવતા કોઈપણ અધિકારી આ કાયદા હેઠળ તપાસ કરી શકતા નથી.

ઝારખંડના હજારીબાગમાંથી પેપર લીક થવાની આશંકા
ગુજરાત અને બિહાર બાદ હવે ઝારખંડથી NEET પેપર લીકની તાર જોડાઈ રહ્યા છે. અસલમાં પટનામાં NEET પેપરની બળી ગયેલી પુસ્તિકા હજારીબાગ સેન્ટરમાંથી લીક થઈ હોવાની શંકા છે. ત્યારે EOU (ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટ) એ બળી ગયેલી પુસ્તિકા સાથે મેચ કરવા NTA પાસેથી મૂળ પ્રશ્નપત્રની માંગણી કરી છે.

Most Popular

To Top