Comments

AI ની રેપ્લિકા એપ, લાઈફ પાર્ટનર્સ બનવા થનગની રહી છે…!

AIના સંશોધક, ‘એમેનિયા મિલર’નું એક સ્ટેટમેન્ટ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે: ‘નજીકના સમયમાં એ.આઈ. તમારું વિશ્વાસું સાથી પાર્ટનર કે પ્રેમી બની જશે.‘! મિલરની આ ધારણાને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ હાથ ધરેલા સંશોધને સમર્થન આપ્યું છે!! વાતમાં દમ છે. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ‘એ.આઈ. ઈમ્પેક્ટ સમિટ’નું તારણ પણ આવું જ છે! આગામી થોડાં વર્ષોમાં ‘સુપર એ.આઈ.ના વિકાસ પછી કંપનીઓને કદાચ સીઈઓની જરૂર નહિ પડે!

એ.આઈ. હવે દરેક ક્ષેત્રને અકલ્પનીય ગતિએ બદલી નાખવા સક્ષમ છે. તે માત્ર નોકરી જ નહિ, પણ માણસનું સ્થાન પણ ઝૂંટવી લેવા તત્પર છે! સાથી માનવીને એક ‘નિર્જન ટાપુ’માં બદલી નાંખવા ઉત્સુક છે! હવે, ધીમાં પગલે, મક્કમતાથી તેણે માનવીના અંગત જીવનમાં દસ્તક લેવાનું શરૂ કર્યું છે. જે ભૂમિકાઓ માત્ર માણસો જ અદા કરી શકતા હતા અને માણસો માટે જ અનામત હતી તેમાં હવે એ.આઈ. કમ્પેનિયન એપ્સ પ્રવેશ્યુ છે. તમારે શું જોઈએ છે? મિત્ર, પાર્ટનર, પ્રેમી- નક્કી કરો. એ.આઈ. બધુ જ બનવા તૈયાર છે! એક સર્વે મુજબ એ.આઈ. સાથીઓનું બજાર અત્યારે 40 અબજ ડોલરને પાર કરી ગયું છે! અને આગામી દાયકામા આ આંકડો ડબલ થવા જઈ રહ્યો છે!

શું ટેકનોલોજી પ્રત્યેના આકર્ષણ અને મોહને કારણે આજની પેઢી એ.આઈ. તરફ આકર્ષાય છે? તેનો સ્પષ્ટ જવાબ નથી. પરંતુ તે અંગે થયેલા મનોવૈજ્ઞાનિક કેસ સ્ટડીઝ એવું સૂચવે છે કે તેના કારણોમાં વ્યક્તિના સામાજિક અને માનસિક પરિબળો, સંઘર્ષ અને અસંતુષ્ટતા જવાબદાર છે. વર્તમાન સમયમાં ઘણાં માનવીઓ ભયંકર એકલતા અને અસલામતિનો અનુભવ કરી રહ્યા છે. રોજે રોજ એ નૈરાશ્યનો અનુભવ કરે છે. વિશ્વયુધ્ધનો ભય સતાવે છે. વિશ્વના હજારો માનવીઓ અસંતોષના પરિતાપથી પીડાય છે! કેટલાંક અસાધ્ય રોગોથી પીડાય છે અને જીવનથી છૂટકારો ઈચ્છે છે. કેટલાંકને પોતાની જાતથી સંતોષ નથી અને બીજાઓ સાથેના સંબંધોથી પણ સંતોષ નથી!

આ ટાણે, એ.આઈ. કહે છે: ‘ડોન્ટ વરી, મૈં હું ના!’ માનવીના આવા અસંતોષ ને દૂર કરી તેને ‘કમ્ફર્ટઝોન’માં લઈ જવા એ.આઈ. પાર્ટનર હાજર છે!  એ.આઈ. પાર્ટનર બીજા અર્થમાં ‘કમ્ફર્ટ ક્રિયેટર્સ’ છે. એ.આઈ. પાર્ટનરને વ્યક્તિ સાથેના જોડાણ માટે કોઈ સ્વાર્થ હોતો નથી. તેથી આ પ્રકારનું જોડાણ વિશ્વસનીય બની રહે છે તેને વ્યક્તિગત કોઈ અપેક્ષાઓ પણ હોતી નથી. યુઝર પોતાની મરજી મુજબ તેની સાથે ભાવાત્મક રીતે જોડાયેલા રહી શકે છે. આ પ્રકારની ફલેકસેબિલીટી, યુવાપેઢીને વધુ આકર્ષિક કરે છે.

એ.આઈ. પાર્ટનરની ખૂબીએ છે કે, તેને હંમેશા યુઝર્સને ખુશ રાખવા માટે અને તેની શારીરિક- માનસિક જરૂરિયાતો સંતોષવા માટે જ ડિઝાઈન કરવામાં આવે છે. તેના ફિક્સ કરેલા અલ્ગોરિધમ મુજબ તે ખૂબ જ અસરકારકતાથી અને પ્રમાણિકતાથી તેનાં કાર્યો કરે છે એક ભય સ્થાન એ છે કે લાંબે ગાળે તે વ્યક્તિને વાસ્તવિકાતાથી વિમુખ કરી શકે છે! આ એક નૈતિક પડકાર છે.

હાલમાં ચાર પ્રકારના એ.આઈ.મોડેલ ખૂબ જ ચર્ચામાં છે. જેણે ટેકનોલોજીના આર્થિક ક્ષેત્રને ગરમ કર્યું છે ! પહેલું મોડેલ ‘ રેપ્લિકા એપ ’ છે. આ મોડેલ, વ્યક્તિ સાથે ખૂબ જ આત્મીયતાથી વાતચીત કરી શકે છે અને વ્યક્તિને ભાવનાત્મક રીતે સપોર્ટ કરે છે. વ્યક્તિની ઈચ્છા – અનિચ્છાને જાણી લઈ એ મુજબ તેની સાથે વર્તન – વ્યવહાર કરે છે! અને વ્યક્તિને સંપૂર્ણ કમ્પફર્ટ ઝોન માં લઈ જાય છે!! બીજું મોડેલ ‘ કેરેક્ટર ડોટ. એ. આઈ. ’ છે. જે તમને તમારી મનપસંદ વ્યક્તિ કે પાત્ર સાથે વાત કરાવે છે. જો તમે એન્જલીના જોલીનું કેરેકટર પસંદ કરો તો તે બિલકુલ તેની જેમજ જવાબો આપશે.

ત્રીજું મોડેલ ‘ ગેટ બોક્સ ’ છે. તે એક પ્રકારનું આભાસી ‘ હૉમ રોબોટ ’ છે. જે કાચના જારમાં હોલોગ્રાફિક પાત્ર તરીકે દેખાય છે. જે લોકો એકાંકી જીવન વિતાવે છે. એકલા – અટલા, નિ:સહાય છે તેમને તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડે છે અને એક જીવંત સાથી જેવો અહેસાસ કરાવે છે! ચોથું મોડેલ ‘હાર્મની’ છે. આ એવો હ્યુમનોઈડ રોબોટ છે જે માત્ર વાતચીત જ નથી કરતો, પરંતુ વ્યક્તિની તમામ પ્રકારની સંવેદનાઓ, જરૂરિયાતો સમજી, તેને અભિવ્યક્ત પણ કરી શકે છે! છે ને એ.આઈ. પાર્ટનરની કમાલ ?! ‘કમાલ કરે છે, હવે એ.આઈ. આપણને વ્હાલ કરે છે?!’ જીવનસાથી દગો દઈ શકે. એ.આઈ. પાર્ટનર દગો નહિ દે !

ચીનમાં આવા જ એક હ્યુમનોઈડ રોબોટને પી.એચ.ડી. ના અભ્યાસ માટે એક યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે! ત્યાંની ઘણી શાળાઓમાં હ્યુમનોઈડ રોબોટ શિક્ષકની ભૂમિકા અદા કરે છે.!!
હવે લાગણી, સંવેદના, પ્રેમ, હૂંફ બધું જ એ.આઈ. પાર્ટનર આપણને પૂરાં પાડશે. આપણાં જીવનનો એ સાચો મિત્ર, સાચ્ચો જીવન સાથી બની રહેશે.
એ માટે કેટલી કિંમત ચૂકવતી પડશે એ તો સમય જ કહેશે.
બ્રેકિંગ ન્યૂઝ તો એ છે કે એ.આઈ.પાર્ટનર હવે માત્ર ચેટબોટ્સ નથી પણ એક વિશાળ આર્થિક તંત્ર બની ગયું છે! આ વર્ષનો અંત સુધીમાં આ મોડેલ 49 અબજ ડોલર અને 2035 સુધીમાં 550 અબજ ડોલરને આંબી જશે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top