પતંગની દોરીથી એક પરિવારના 3ના મોત બાદ હવે બ્રિજ પર ગ્રીલ કામ શરૂ
ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બનેલી દુઃખદ ઘટનાને આજે લગભગ બે મહિના વીતી ગયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે પતંગની જીવલેણ દોરીના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને બ્રિજ પર ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરતના અડાજણ અને કતારગામને જોડતા આ મહત્વના બ્રિજ પર બનેલી આ ઘટના ખૂબ જ કરુણ હતી. માહિતી મુજબ, રેહાન પોતાની પત્ની અને 7 વર્ષની પુત્રી સાથે બાઈક પર ફરવા નીકળ્યા હતા. તેઓ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગની દોરી તેમના ગળા અને શરીરને અડકી ગઈ હતી. દોરીમાંથી છૂટવાનો પ્રયાસ કરતાં બાઈકનું સંતુલન બગડી ગયું અને બાઈક પુલની દિવાલ સાથે જોરદાર અથડાઈ ગઈ હતી.
આ અથડામણ બાદ આખો પરિવાર આશરે 65 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો. ઘટના સ્થળે જ પિતા અને પુત્રીનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ દુર્ભાગ્યવશ મોત થયું હતું. એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં સ્થાનિકોમાં ભારે શોક અને રોષ ફેલાયો હતો.
આ ઘટનાએ ફરી એકવાર બ્રિજ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજના વળાંકવાળા ભાગોમાં ગ્રીલ ન હોવાને કારણે અગાઉ પણ અનેક અકસ્માતો બન્યા છે. લોકો લાંબા સમયથી અહીં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા હતા.
હવે આખરે તંત્ર દ્વારા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકો આશા રાખી રહ્યા છે કે આ પગલું ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓ અટકાવવામાં મદદરૂપ બનશે અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાશે.