Editorial

અનાથ બાળકોને દત્તક લેવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની જરૂર છે

ભારત હવે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને ૧૪૦ કરોડ જેટલી તેની વિશાળ વસ્તીમાં અનાથ બાળકોનું પ્રમાણ પણ સ્વાભાવિક રીતે જ મોટું હોય. બીજી બાજુ, દેશમાં સંતાનહીન દંપતિઓનું પ્રમાણ પણ વધ્યું છે અને તેમાંના ઘણા દંપતિઓ અનાથ બાળકોને દત્તક લેવા ઇચ્છતા હોય છે. પરંતુ વિવિધ કારણોસર તેમાંથી ઘણા લોકો આવા બાળકોને દત્તક લઇ શકતા નથી. દેશમાં વર્ષ ૨૦૧૯થી ૧૮૧૭૯ બાળકોને દત્તક લેવાયા હોવાનું નોંધાયુ છે જેમાંથી શારીરિક, માનસિક રીતે ખાસ  જરૂરિયાતો ધરાવતા માત્ર ૧૪૦૪ બાળકોને દત્તક લેવાયા છે, જો કે છેલ્લા પાંચ વર્ષમાં બાળકોને દત્તક લેવાનું કુલ  એકંદર પ્રમાણ વધ્યું છે એ મુજબ સત્તાવાર આંકડાઓ જણાવે છે. જો કે ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોને દત્તક  લેવાનું પ્રમાણ પણ વધ્યું છે આમ છતાં દત્તક લેવાનો દર હજી પણ નોંધપાત્ર નીચો છે એમ કાર્યકર્તાઓએ  જણાવ્યું છે. ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોને તેમના શારીરિક, વિકાસકીય, વર્તણૂક અને ભાવનાશીલ પડકારોને  કારણે વધારાના ટેકાની જરૂર હોય છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતમાં કુલ ૩૭૪પ બાળકોને દત્તક લેવાયા હતા  જેમાંથી ૩૩૫૧ બાળકોને દેશની અંદર અને ૩૯૪ બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરે દત્તક લેવાયા હતા.આમાંથી ફક્ત  પ૬ છોકરાઓ અને ૧૧૦ છોકરીઓ ખાસ જરૂરિયાતોવાળા હતા એમ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(કારા)એ એક આરટીઆઇ પૂછપરછના જવાબમાં જણાવ્યું હતું. ૨૦૨૦-૨૧માં કુલ ૩૫૫૯ બાળકો દત્તક લેવાયા  હતા જેમાં ખાસ જરૂરિયાત વાળા ૧૧૦ છોકરાઓ અને ૧૩૩ છોકરીઓ હતા. ૨૦૨૧-૨૨માં દત્તક લેવાયેલ  બાળકોની સંખ્યા થડોી ઘટીને ૩૪૪૧ થઇ હતી. ૨૦૨૩-૨૪માં આ સંખ્યા નોંધપાત્ર વધીને ૪૦૨૯ થઇ હતી જેમાં  ખાસ જરૂરિયાત વાળા ૧૩૫ છોકરાઓ અને ૧૭૪ છોકરીઓ હતી. દેખીતી રીતે જેઓ બાળકોને દત્તક લે છે તેઓ સાજા સમા બાળકોને દત્તક લેવાનું વધુ પસંદ કરે છે.

ભારતમાં ત્રણ કરોડ અનાથ બાળકો છે, પરંતુ એક વર્ષમાં માત્ર 3,500 થી 4,000 બાળકો જ દત્તક લેવા માટે ઉપલબ્ધ છે અને લગભગ 30,000 ભાવિ માતાપિતાએ બાળકને ઘરે લાવવા માટે ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડે છે. આ વિસંગતતાની નોંધ લેતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે તાજેતરમાં અવલોકન કર્યું કે તેઓ (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી) શા માટે દત્તક લેવાનું અટકાવી રહ્યા છે? CARA તે કેમ નથી કરી રહ્યું? સેંકડો બાળકો વધુ સારા જીવનની આશામાં દત્તક લેવાની રાહ જોઈ રહ્યા છે. 

આ ટીપ્પણી ત્યારે કરવામાં આવી હતી જ્યારે સર્વોચ્ચ અદાલત બે અરજીઓની સુનાવણી કરી રહી હતી જેમાં પ્રક્રિયામાં ઉણપોની ચર્ચા કરવામાં આવી હતી જે દત્તક લેવામાં વિલંબ કરી રહી હતી અને સમગ્ર પ્રક્રિયાને ગુંચવી રહી હતી. દત્તક લેવાની વ્યવહારિક મુશ્કેલીઓ પણ કોર્ટમાં પ્રકાશિત કરવામાં આવી હતી. CARA, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વૈધાનિક સંસ્થા, ભારતીય બાળકોને દત્તક લેવા માટેની કેન્દ્રીય સંસ્થા તરીકે કાર્ય કરે છે અને દેશમાં અને આંતર-દેશ દત્તક લેવાનું નિરીક્ષણ અને નિયમન કરવા માટેનું કાર્ય તેને સોંપાયું છે.

CARA તેની સંલગ્ન અને માન્ય દત્તક એજન્સીઓ દ્વારા મુખ્યત્વે અનાથ, ત્યજી દેવાયેલા બાળકોને દત્તક લેવા સાથે કામ પાર પાડે છે. ૨૦૨૨-૨૩માં થોડા ઘટાડા છતાં ઓવરઓલ  પ્રવાહ બાળકોને દત્તક લેવાના પ્રમાણમાં વધારો સૂચવે છે અને ખાસ  જરૂરિયાત વાળા બાળકોને દત્તક લેવાનું  પ્રમાણ પણ વધ્યું છે છતાં સાથે એ હકીકત છે કે આવા ઘણા બાળકો એવા છે કે જેમને કોઇ દત્તક લે તેવી જરૂર  હોય છે જેઓ ભારતભરમાં બાળસંભાળ સંસ્થાઓ ખાતે તેમને કોઇ આવીને દત્તક લઇ જાય તેની રાહ જોતા હોય  છે. ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વળી, અહીં હજી પણ ગરીબીનું પ્રમાણ નોંધપાત્ર છે. તેથી અનાથ કે ત્યજી દેવાયેલા બાળકોનું પ્રમાણ પણ ઘણુ મોટું હોય તે સ્વાભાવિક છે.

મોટા શહેરો અને મહાનગરોમાં તો સંખ્યાબંધ બાળકો રસ્તે રઝળે છે. સંતાન વગરના અને સંતાનો ધરાવતા પરગજુ ધનિક કુટુંબો પણ ઘણીવાર આવા બાળકોને દત્તક લેવા આતુર હોય છે. જો કે આપણા દેશમાં અનાથ, ત્યજી દેવાયેલા બાળકોનું પ્રમાણ વિશાળ છે અને આગળ જોયું તેમ આમાં પણ વિકલાંગ બાળકોને દત્તક લેવા લોકો સહેલાઇથી તૈયાર થતા નથી. આથી બાળકોને સંભાળી શકે તેવા કેન્દ્ર સંસ્થાકીય ધોરણે શરૂ કરવાની પ્રવૃતિને પણ વેગ આપવાની જરૂર છે અને તે સાથે જ વ્યક્તિગત ધોરણે લોકો અનાથ બાળકોને દત્તક લે તે પ્રવૃતિને પણ પોત્સાહન આપવાનું ચાલુ જ રહેવું જોઇએ.

Most Popular

To Top