ગાઝામાં બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે આજે તા. 10 ઓક્ટોબર બપોરથી યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો છે. આ સાથે જ ઇઝરાયેલી દળોએ ગાઝાથી પાછા ફરવાનું શરૂ કર્યું હોવાનું સૈન્યએ જાહેર કર્યું છે. જોકે ઘણા લોકો આ કરારને અસ્થાયી અને રાજકીય હેતુસર લેવાયેલો નિર્ણય માની રહ્યા છે.
ગાઝા યુદ્ધવિરામ કરાર આજે તા. 10 ઓક્ટોબર 2025એ સ્થાનિક સમય મુજબ બપોરે 12 વાગ્યેથી અમલમાં આવ્યો છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું છે કે હમાસ સાથેના સંઘર્ષને રોકવા માટે કરાયેલ આ કરાર હેઠળ સૈનિકો સંમત વિસ્તારોમાંથી પાછા ફરવા લાગ્યા છે.
યુદ્ધવિરામની જાહેરાત પહેલાં શુક્રવારે સવારે ઉત્તર ગાઝામાં ભારે ગોળીબાર થયો હતો. પેલેસ્ટિનિયનોએ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયલ યુદ્ધવિરામના સમયે પણ હુમલા કરીને કરારનો ભંગ કરી રહ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર યુદ્ધવિરામ લાગુ થવા પહેલા જ ગાઝાના કેટલાંક વિસ્તારોમાં હવાઈ હુમલા અને બોમ્બમારો કરવામાં આવ્યા હતા.
આ યુદ્ધ તા. 7 ઓક્ટોબર 2023થી શરૂ થયું હતું. જેમાં બંને પક્ષોમાં હજારો લોકોનાં મોત અને અનેક નાગરિકો ઘાયલ થયા હતા.
યુદ્ધવિરામ કરાર હેઠળ બંને પક્ષો બંધકોની મુક્તિ અંગે પણ સંમત થયા છે. ઇઝરાયલ તરફથી કેટલીક પેલેસ્ટિનિયન કેદીઓને છૂટા કરવાની તૈયારી બતાવવામાં આવી છે. જ્યારે હમાસ પણ પોતાના કબજામાં રહેલા ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે.
જોકે રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ કરાર અસ્થાયી છે અને સાચી શાંતિ માટે હજી લાંબી પ્રક્રિયા જરૂરી છે.
ગાઝામાં લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ પગલાને આશાની કિરણ તરીકે જુએ છે. જ્યારે અન્ય માને છે કે ઇઝરાયલ આ કરારનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ યુદ્ધવિરામ કેટલો સમય ટકે છે અને શું તે સ્થાયી શાંતિ તરફ દોરી શકે છે કે નહીં!.