National

ઠાકરે બધુઓ પ્રેક્ટિસ મેચ પણ જીતી ન શક્યા, BEST ક્રેડિટ સોસાયટીની 21 બેઠકોમાં હાર મળી

મુંબઈમાં શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ગઠબંધનને BEST કર્મચારી સહકારી ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં કરારી હાર મળી છે. બંને પક્ષોએ સાથે મળીને ‘ઉત્કર્ષ પેનલ’ બનાવી ચૂંટણી લડી હતી. પરંતુ તમામ 21 બેઠકો પર પરાજય વેઠવો પડ્યો. આ હાર એવા સમયે આવી છે જ્યારે બંને પક્ષો વચ્ચે આગામી સ્થાનિક ચૂંટણી માટે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે.

સોમવારે યોજાયેલી મતદાન પ્રક્રિયા બાદ મંગળવાર મોડી રાત્રે પરિણામ જાહેર થયા હતા. જેમાં શશાંક રાવની પેનલ સૌથી આગળ રહી અને કુલ 14 બેઠકો જીતી. બાકી બેઠકો અન્ય પેનલોને મળી. આ ચૂંટણીમાં ભાજપના એમએલસી પ્રસાદ લાડના નેતૃત્વ હેઠળની ‘સહકાર સમૃદ્ધિ’ પેનલ પણ મેદાનમાં હતી. જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થનવાળી પેનલ પણ લડી હતી.

શિવસેના (UBT) સાથે સંકળાયેલી બેસ્ટ કામગાર સેનાના પ્રમુખ સુહાસ સામંતે કહ્યું “અમારા તમામ 21 ઉમેદવારોની હાર આઘાતજનક છે. આ ચૂંટણીમાં પૈસાનો મોટા પાયે ઉપયોગ થયો છે.” મનસે નેતા સંદીપ દેશપાંડેએ પણ એવો જ આરોપ મૂક્યો કે મતદારોને લલચાવવા માટે પૈસાનો ઉપયોગ કરાયો હતો.

આ ઉત્કર્ષ પેનલમાં શિવસેના (UBT)ના 18, મનસેના 2 અને અનુસૂચિત જાતિ-જનજાતિના 1 ઉમેદવારનો સમાવેશ હતો. આ ચૂંટણીને બંને પક્ષો માટે તેમની સંયુક્ત તાકાત ચકાસવાની કસોટી માનવામાં આવી રહી હતી. પરંતુ તમામ બેઠકો ગુમાવ્યા બાદ ગઠબંધનની અસરકારકતા પર સવાલો ઊભા થયા છે.

BEST કર્મચારી સહકારી ક્રેડિટ સોસાયટીનું રાજકીય મહત્વ ઘણું છે. અહીં બેસ્ટના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ સભ્યો છે. જેમાંથી 15,000થી વધુ સભ્યો મતદાન માટે લાયક છે. લાંબા સમયથી ઉદ્ધવ ઠાકરેના સમર્થનવાળી બેસ્ટ કામગાર સેના આ સોસાયટીમાં મજબૂત રહી છે. પરંતુ આ વખતે તમામ બેઠકો ગુમાવવાથી પક્ષની સ્થિતિ કમજોર બની છે.

આ પરિણામને આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીના સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એક તરફ જ્યાં શિવસેના (UBT) અને મનસે વચ્ચે જોડાણની ચર્ચાઓ તેજ છે. ત્યાં આ પરાજયથી બંને પક્ષો માટે નવા પડકાર ઊભા થયા છે.

Most Popular

To Top