ઓર્ડર ઘટ્યા , ખર્ચ વધયો , નિકાસમાં મંદીથી ઉદ્યોગ ધ્રૂજી ઉઠ્યો , સુરત સહિત દેશભરના વેપારીઓ ચિંતિત
દેશનો મહત્વપૂર્ણ ગણાતો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને સુરત જે દેશનું સૌથી મોટું ટેક્સટાઇલ હબ માનવામાં આવે છે, ત્યાં ઉદ્યોગકારો અને વેપારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ટેક્સટાઇલ સેક્ટરમાં ઓર્ડર્સમાં ભારે ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા નિકાસ પર સીધી અસર પડી છે. સાથે જ કાચા માલના ભાવમાં વધારો અને ઉત્પાદન ખર્ચ વધી જતા ઉદ્યોગકારોની સ્થિતિ વધુ બગડી છે. નાના અને મધ્યમ ઉદ્યોગો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. ઉદ્યોગ સંગઠનોનું કહેવું છે કે ઘણા યુનિટ્સ બંધ થવાની કગર પર છે, જ્યારે કેટલાકએ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો મજૂરોની રોજગારી પર ખતરો ઊભો થયો છે. ખાસ કરીને પાવરલૂમ અને પ્રોસેસિંગ યુનિટ્સ પર સૌથી વધુ અસર પડી છે.
ટેક્સટાઇલ વેપારીઓએ જણાવ્યું કે બેંકો દ્વારા લોન મેળવવામાં મુશ્કેલી, વધતા વ્યાજ દર અને બજારમાં નાણાંની અછત પણ ઉદ્યોગને અસર કરી રહી છે. તેઓએ સરકારને વિનંતી કરી છે કે વ્યાજમાં રાહત, સબસિડી અને ટેક્સમાં છૂટ આપવામાં આવે જેથી ઉદ્યોગ ફરી ઉભો રહી શકે.
ઉદ્યોગ સંસ્થાઓએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેઓએ એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા, નિકાસ પ્રોત્સાહન વધારવા અને MSME સેક્ટરને સહાયતા આપવા માંગ કરી છે.આ સંજોગોમાં ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા માટે સરકાર તરફથી ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. નહીં તો દેશના આ મહત્વપૂર્ણ ઉદ્યોગ પર લાંબા ગાળાની નકારાત્મક અસર પડી શકે છે.