સુરત : સુરતમાં કોરોના(SURAT CORONA)નો અજગરી ભરડો રોજે રોજ વધી રહ્યો છે. ત્યારે સુરત મનપા (SMC) દ્વારા વધુમાં વધુ કોરોના સંક્રમિતોને પકડી પાડી ચેઇન તોડવાના પ્રયાસ રૂપે ટેસ્ટિંગ (TESTING), ટ્રીટમેન્ટ (TREATMENT) અને વેક્સિનેશન (VACCINATION) પર ભાર મુકવામાં આવી રહ્યો છે. શહેરમાં કોરોનાના દર્દીઓનો આંક ઉંચો જવાનું એક કારણ ટેસ્ટિંગમાં થયેલો ઘરખમ વધારો પણ છે. કેમકે જયારે અઢીસો રોજિંદા દર્દીઓ નોંધાતાં હતાં ત્યારે સુરત મનપા રોજ 12 હજાર જેટલા ટેસ્ટિંગ કરતી હતી. જયારે હવે 20 હજાર સુધી રોજિંદા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે તેમાંથી 480 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી રહ્યાં છે.
હાલમાં દેશની રાજધાની (CAPITAL) દિલ્હી કે જેની વસ્તી સવા બે કરોડની આસપાસ છે તેમાં રોજના 50 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે સુરતની વસ્તી તેના કરતાં ચોથા ભાગની હોવા છતાં પણ સુરતમાં 20 હજાર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. જેને પગલે વસતીના પ્રમાણમાં સુરતમાં દિલ્હી કરતાં પણ કોરોનાના વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છે. સુરતમાં ટેસ્ટિંગનો આંક વધતાં કોરોના પોઝિટિવ કેસ પણ વધી ગયાં છે અને ટેસ્ટિંગ સામે કોરોનાના પોઝિટિવ દર્દીઓનો રેશિયો પણ અઢી ટકા પર પહોંચી જવા પામ્યો છે.
ટેસ્ટિંગની સાથે સાથે મનપા દ્વારા વેક્સિનેશનને પણ વધુમાં વધુ વેગ આપવા આયોજન કર્યુ છે. મ્યુનિ.કમિ.એ જણાવ્યું હતું કે અત્યાર સુધી 130 સેન્ટરો કાર્યરત હતાં. જેમાં હવે આગામી દિવસોમાં વધુ 50 સેન્ટરોનો ઉમેરો કરવા આયોજન કરાયું છે. તેમજ 1લી તારીખથી 45 વર્ષથી ઉપરના લોકોને પણ વેક્સિન મુકવાની હોય વધુમાં વધુ લોકો વેક્સિન મુકાવે તેવી અપીલ મનપા કમિશનરે કરી હતી.
હોળી-ધૂળેટીમાં સાવચેતી રાખજો, ભીના થયેલા માસ્ક કોરોનાથી બચાવતા નથી
મનપા કમિશનરે શહેરીજનોને કરેલી અપીલમાં એવું પણ જણાવ્યું હતું કે હોળી-ધૂળેટીમાં ખાસ ધ્યાન રાખજો. ધાર્મિક પરંપરા અનુસાર ભલે હોળી ઉજવીએ પરંતુ તે માત્ર પરિવારજનો સાથે જ ઉજવજો અને રંગો કે પાણીથી ધૂળેટી રમવાનું ટાળજો, કેમકે માસ્ક ભીંજાઈ જશે તો તે કોરોના સામે રક્ષણ આપી શકશે નહીં.
પીડિયાટ્રિક સાથે પણ વેક્સિન બાબતે ટાઇઅપ કરાશે
મનપા દ્વારા વેક્સિન સેન્ટરો વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યાં છે. તેના ભાગ રૂપે ખાનગી હોસ્પિટલોને પણ વધુમાં વધુ સામેલ કરવાનુ આયોજન હોય બુધવારે પીડિયાટ્રિક એસો. સાથે ચર્ચા કરાયા બાદ 30 જેટલા પીડિયાટ્રિક ડોકટરો વેક્સિનેશન માટે તૈયાર હોવાનું મનપાના સુત્રોએ જણાવ્યું હતું.
ટેક્ષટાઇલ માર્કેટમાં એક જ દિવસમાં 65 પોઝિટિવ કેસ મળ્યાં
મનપા દ્વારા રોજે રોજ ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોનાના સુપરસ્પ્રેડર એવા ટેક્ષટાઇલ માર્કેટમાં સંક્રમણ સતત વધી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે. મંગળવારે જે ટેસ્ટિંગ થયા તેમાં માત્ર ટેક્ષટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા હોય તેવા 65 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું.