નવી દિલ્હી: નવી દિલ્હીમાં ગઇ કાલે જ્યારે પીએમ મોદી (PM Modi) અને નવું મંત્રીમંડળ શપથગ્રહણ સમારોહમાં હતું, દરમિયાન જમ્મુ-કશ્મીરમાં આતંકવાદી હુમલો (Terrorist attack) થયો હતો. અસલમાં ગઇકાલે રવિવારે સાંજે જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. જેમાં 10 લોકોનાં મોત થયા હતા. જ્યારે 33થી વધું લોકો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે ઉત્તર પ્રદેશના તીર્થયાત્રીઓને લઈ જતી બસ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકીઓએ શિવખોડીથી કટરા જતી બસ પર લગભગ 30 થી 40 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બસ ડ્રાઇવરને ગોળી વાગી હતી, જેના કારણે ડ્રાઇવરે વાહન પરનું સંતુલન ગુમાવ્યું હતું અને બસ ઊંડી ખીણમાં પડી હતી. આ હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક નારાયણ હોસ્પિટલ અને રિયાસી જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે વડા પ્રધાને તેમને પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
ગુનેગારોને છોડવામાં આવશે નહીંઃ અમિત શાહ
કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ રવિવારે આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં. તેમજ તેઓ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને પોલીસ મહાનિર્દેશક આર.આર. સ્વૈન સાથે વાત કરી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી.
શાહે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં તીર્થયાત્રીઓ પર હુમલાની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર અને ડીજીપી સાથે વાત કરી અને ઘટના વિશે જાણકારી મેળવી. આ કાયરતાપૂર્ણ હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “ભગવાન મૃતકોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરું છું.”