સોનાના વધતા ભાવ વચ્ચે ઉધના અને અડાજણ વિસ્તારમાં બાઈકસવાર ગઠિયાની દહેશત જોવા મળી,સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે વચ્ચે ચેન સ્નેચિંગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. પોણા કલાકના ટૂંકા સમયગાળામાં ઉધના અને અડાજણ વિસ્તારમાં બે ગૃહિણીઓના ગળામાંથી સોનાની ચેન તૂટી જતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે. બાઈક પર આવેલા એક જ શખ્સે બંને ઘટનાને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી તપાસમાં બહાર આવ્યું છે
પોણા કલાકમાં ઉધના–અડાજણમાં બે ગૃહિણીઓ બની નિશાન
પ્રથમ ઘટના ઉધના મહાદેવ ફળિયામાં બની હતી. અહીં રહેતી ૩૭ વર્ષીય સોનમબેન કિરણભાઈ દવે ૩૧મી જાન્યુઆરીએ બપોરે લગભગ ત્રણ વાગ્યે ઘરની નજીક કચરો ફેંકવા માટે બહાર નીકળ્યાં હતાં. તેરાપંથ ભવન પાસેથી પસાર થતી વખતે અચાનક એક મોપેડસવાર શખ્સ ધસી આવ્યો અને સોનમબેનના ગળામાંથી આશરે એક લાખ રૂપિયાની કિંમતનો આઠ ગ્રામ વજનનો સોનાનો અછોડો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. ઘટનાથી ગભરાઈ ગયેલી સોનમબેન તરત જ પોલીસને જાણ કરી હતી.
બીજી ઘટના પોણા કલાક પહેલાં અડાજણ વિસ્તારમાં ચેન સ્નેચિંગ નોંધાઈ હતી. અડાજણ શંખેશ્વર હાઈટ્સમાં રહેતી ૩૧ વર્ષીય જ્યોત્સનાબેન શૈલેષભાઈ પટેલ ૩૧મી જાન્યુઆરીએ બપોરે સવા બે વાગ્યે નિશાલ આર્કેડ પાસે ચાલી રહેલા જૈન ધર્મના પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતાં. વૈષ્ણોદેવી લાઈફ સ્ટાઈલ નજીક પહોંચતાં જ બાજુમાં મોપેડ ચલાવતા એક શખ્સે અચાનક તેમનાં ગળામાંથી અંદાજે ૧૪ હજાર રૂપિયાનો સોનાનો અછોડો ઝૂંટવી લીધો અને આંખ ઝબકાવામાં ફરાર થઈ ગયો હતો.બંને ઘટનાની ફરિયાદ મળતાં પોલીસ હરકતમાં આવી હતી. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ખુલાસો થયો કે બંને ચેન સ્નેચિંગ એક જ શખ્સે કર્યા છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીના લોકેશનને લિંબાયત વિસ્તારમાં ટ્રેસ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું .જે બાદ પોલીસે આરોપીને ઝડપી સોનાની ચેન કબજે કરે વધુ તપાસ હાથ ધરી છે
CCTV ના આધારે પોલીસે આરોપી ને દપોચ્યો
સોનાના વધતા ભાવને કારણે ચેન સ્નેચિંગ જેવા ગુનાઓમાં વધારો થતો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે ખાસ કરીને ગૃહિણીઓ અને વડીલોને સાવચેત રહેવા, એકલાં સમયે કિંમતી દાગીના પહેરીને બહાર ન નીકળવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત પોલીસને જાણ કરવા અપીલ કરી છે